• Home
  • Db Original
  • Birthday cake cut at home on the night of Air Strike so as not to be suspected: Air Marshal Harikumar

ભાસ્કર ઓરિજિનલ / એર સ્ટ્રાઈકની રાત્રે ઘરે બર્થ-ડે કેક કાપી જેથી શંકા ન જાય, પછી કંટ્રોલરૂમ પર જઈ મિશન પૂરું કર્યું: એર માર્શલ હરિકુમાર

એર માર્શલ હરિકુમારની ફાઇલ તસવીર
એર માર્શલ હરિકુમારની ફાઇલ તસવીર

  • એર સ્ટ્રાઈકના 6 મહિના પછી મિશન ચીફ પ્રથમવાર જણાવી રહ્યાં છે એ રાતની કથા
  • સ્ટ્રાઈક પહેલાં સાંજે રિટાયરમેન્ટ પાર્ટીમાં વ્હીસ્કી જેવા રંગનો જ્યુસ પીતા રહ્યાં, પત્નીને પણ ખ્યાલ ન આવ્યો

Divyabhaskar.com

Sep 04, 2019, 10:43 AM IST

મુકેશ કૌશિક, નવી દિલ્હી: પાકિસ્તાનના બાલાકોટમાં ચાલુ વર્ષે 25-26 ફેબ્રુઆરીની રાત્રે જે એર સ્ટ્રાઈકે દુનિયાને ચોંકાવી દીધી તેને કમાન્ડ કરી રહ્યાં હતા એર માર્શલ સી. હરિકુમાર જે હુમલાના બે દિવસ પછી નિવૃત્ત થઈ ગયા. એર માર્શલ હરિએ ભાસ્કર સાથેની વાતચીતમાં મિશન સાથે જોડાયેલી ગુપ્ત વાતો જણાવી. આ એર સ્ટ્રાઈક પછી મીડિયાને આપેલો તેમનો પહેલો ઇન્ટરવ્યૂ છે. 39 વર્ષની સેવામાં 3300 કલાક યુદ્ધ વિમાન ઉડાવી ચૂકેલા એર માર્શલ હરિ માટે સેવાના છેલ્લા 15 દિવસ અત્યંત રોમાંચક સાબિત થયા હતા. આ એ સમય હતો કે જ્યારે તેમને એર સ્ટ્રાઈકની રૂપરેખા તૈયાર કરી અને તેને પાર પાડી. તેમની સાથેની વાતચીતના અંશ...

સવાલ: સ્ટ્રાઈકનો નિર્ણય ક્યારે અને કેવી રીતે લેવાયો?
હરિકુમાર: 14 ફેબ્રુઆરીએ જ્યારે પુલવામામાં હુમલો થયો ત્યારે એરફોર્સ ચીફે મારી સાથે વાત કરી કહ્યું- આપણી ભૂમિકાની જરૂર પડી શકે છે. આથી આપણી પાસે યોજના હોવી જોઈએ. ત્યારે કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટીની બેઠક થઈ. તેમાં એર ચીફ પણ હતા. ચીફે જ ત્યાં એર સ્ટ્રાઈકનો વિકલ્પ આપ્યો હતો.

સવાલ: ત્યારપછી તૈયારી કેવી રીતે શરૂ કરી?
હરિકુમાર: એ જણાવવાનો કોઈ ફાયદો નથી. અમે મિશન માટે તૈયાર હતા. અમારે બસ ટાર્ગેટ જોઈતું હતું.

સવાલ: તમને ટાર્ગેટ (બાલાકોટમાં જૈશ-એ-મોહમ્મદનું આતંકી સ્થળ)ની જાણકારી ક્યારે મળી?
હરિકુમાર: એર સ્ટ્રાઈક માટે 25 અને 26 ફેબ્રુઆરીની રાત નક્કી થઈ હતી. તેના 7 દિવસ પહેલાં અમને તેની માહિતી અપાઈ હતી.

સવાલ: ટાર્ગેટ કોણે આપ્યો?
હરિકુમાર: ગુપ્તચર એજન્સીએ. સરકારે આતંકી સ્થળોની માહિતી રૉ પાસેથી મેળવી હતી.

સવાલ: મિશન માટે પાઈલટ કેવી રીતે પસંદ કર્યા?
હરિકુમાર: એ જાણવાથી કોઈ ફાયદો નહીં થાય. અમે તમામ જરૂરી સંસાધન સેવામાં લગાડ્યા હતા.

સવાલ: મિશનની રાત્રે 25 ફેબ્રુઆરીએ શું થયું હતું? એ સાંજે તમારી રિટાયરમેન્ટ પાર્ટી પણ હતી. 28 ફેબ્રુઆરીએ તમે નિવૃત્ત થવાના હતા?
હરિકુમાર: દિલ્હીના ઇન્ડિયા ગેટ પર આકાશ મેસની એ સાંજ હંમેશાં યાદગાર રહેશે. તે રાત્રે 12 વાગ્યા પછી મારો જન્મ દિવસ હતો અને મારી પાસે એક મોટું મિશન હતું. રિટાયરમેન્ટ પાર્ટી પહેલેથી જ નક્કી હતી આથી મિશનની ગુપ્તતા રાખવા તેને સ્થગિત કરાય નહીં. પાર્ટીમાં મેં વેટરને બોલાવી કાનમાં લાઈમ કોર્ડિયલ (જ્યુસ અને ખાંડથી બનેલું નોન આલ્કોહોલિક ડ્રીંક)ના ડબલ ડોઝ પાણી સાથે આપવા કહ્યું જેથી વ્હીસ્કી જેવો રંગ દેખાય. પાર્ટીમાં 80 અધિકારી હતા. એર ચીફ બી.એસ. ધનોઆ મને લૉન તરફ લઈ ગયા. મને અંતિમ તૈયારી વિશે પૂછ્યું અને કહ્યું કે જ્યારે ઓપરેશન પૂરું થઈ જાય ત્યારે ફોન પર માત્ર બંદર બોલવા કહ્યું હતું.

સવાલ: મિશનને ગુપ્ત રાખવું કેટલું કથિન હતું?
હરિકુમાર: રાત્રે આકાશ મેસ ખાતેથી પરત ફરતાં મેં પત્નીને કહ્યું કે કાલે કદાચ ચંદીગઢમાં વિશેષ બાળકો માટે બનેલી સ્કૂલના ઉદઘાટનમાં જઈ શકીશ નહીં. આ સાંભળી તે નારાજ થઈ ગઈ. તે એરફોર્સ વાઇવ્સ વેલફેર એસોસીએશનની અધ્યક્ષ હોવાને કારણે મારી સાથે વિમાનમાં જવા હકદાર હતી. પશ્ચિમી કમાન્ડ પહોંચતા જ હું જરૂરી કામના બહાને ઘરમાંથી નીકળી કંટ્રોલ રૂમમાં પહોંચી ગયો. મિશનની જાણકારી મારે એર ચીફને આપવાની હતી. તેઓ એનએસએના સંપર્કમાં હતા. રાત્રે 12 વાગે મૂંઝવણભરી પરિસ્થિતિ ઊભી થઈ. મને ઘરેથી સંદેશો મળ્યો કે મારા મિત્ર કેક લઈ જન્મદિનની ઉજવણી કરવા આવ્યા છે. કોઈને મિશનનો શક ન જાય તે માટે હું તરત ઘરે ગયો. કેક કાપી અને ફરી કંટ્રોલરૂમ પહોંચ્યો.

સવાલ: મિશન માટે ગ્વાલિયરથી પણ કેટલાક વિમાન ઉડ્યા હતા, તે સમયે ગ્વાલિયરમાં શું થઈ રહ્યું હતું?
હરિકુમાર: ગુપ્તતા જાળવવા અમે વિચાર્યું કે ગ્વાલિયરમાં આર્મી બેઝની આસપાસ લોકલ એરિયામાં ઇન્ટરનેટ અને મોબાઈલ એવા જામ કરી શકાય? પરંતુ અંતે એવું નક્કી કર્યું કે આમ કરવાથી ગુપ્તતા ખતમ થશે.

સવાલ: પરંતુ મોટી સંખ્યામાં ફાઈટરની ગતિવિધીને કેવી રીતે ગુપ્ત રાખી શકાય?
હરિકુમાર: આ માટે એક વ્યાપક વ્યૂહરચના બનાવી. મિશન પર જનારા પાઈલટ સાથે મારે વ્યક્તિગત મુલાકાત કરવી જરૂરી હતી. હું 21 ફેબ્રુઆરીએ ગ્વાલિયર ગયો, પાઈલટ સાથે મુલાકાત કરી. મોટી સમસ્યા ઉડ્ડયન ગુપ્ત રાખવાની હતી. તેમના હવાઈ માર્ગની મુશ્કેલી હતી કે દિલ્હીથી રવાના થતી રોજના પેસેન્જર પ્લેન ઉપરની તરફ જતાં હોય છે જ્યારે આવનારા ડોમેસ્ટીક અને વિદેશી પ્લેન નીચે ઉતરતા હોય છે. આ સ્થિતિમાં દિલ્હી એરપોર્ટ પર લાગેલા રડારમાં મોટી સંખ્યામાં ફાઈટર વિમાનની બ્લિપ આવવાથી ખળભળાટ મચી શકે તેમ હતું. આ માટે એરફોર્સના એક અધિકારીને વિશેષ સરકારી દૂત સાથે મોકલ્યા જેથી રેથિઓન રડાર પર આવનારી બ્લિપ (એક પ્રકારની માહિતી)ને અવગણી શકાય.

સવાલ: એર સ્ટ્રાઈક માટે 25-26 ફેબ્રુઆરીની રાતનો સમય કેમ પસંદ કરાયો?
હરિકુમાર: કેટલાક કારણ તો હું તમને જણાવી શકીશ નહીં પરંતુ ત્રણ પરિસ્થિતિ જણાવીશ જેમાંથી તમારા સવાલનું સમાધાન થઈ જશે. પહેલું અને મોટું કારણ એ હતું કે અમે એવા સમયે હુમલો કરવા માંગતા હતા કે જ્યારે તમામ આતંકી એક જગ્યાએ હોય. આ રાતનો સમય હોઈ શકે. અમે ધ્યાન આપ્યું હતું કે આ આતંકી ઠેકાણે સવારે ચાર વાગે હલચલ શરૂ થાય છે. ત્યારે સલાત અલ ફજ્રની નમાજનો સમય હોય છે. આથી તેના એક કલાક પહેલાં તેઓ સૂતા હોય છે. ભારતમાં તે સમયે સાડા ત્રણ વાગ્યા હોય અને પાકિસ્તાનમાં 3. બીજું કારણ ચંદ્રની સ્થિતિ 19 ફેબ્રુઆરીએ પૂનમ હતી. 26 ફેબ્રુઆરીએ મિશનના સમયે 3થી 4 વાગ્યા દરમિયાન ચંદ્ર ક્ષિતિજથી 30 ડિગ્રી પર હોય. આથી તેની ચાંદની ઓપરેશન માટે એકદમ આદર્શ હતી. ચોક્કસ બોમ્બ મારા માટે ભારે પવન અડચણ બની શકે તેમ હોવાથી તેનો પણ ખ્યાલ રખાયો હતો.

સવાલ: મિશન દરમિયાન એવી કોઈ ઘટના બની કે તમારા ધબકારા વધી ગયા હોય?
હરિકુમાર: હા, એકવાર એવું થયું હતું. હકીકતમાં અમારા ફાઈટર જ્યારે પોતાના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યાં હતા ત્યારે અમે જોયું કે મુરીદ (રાવલપિંડી પાસેનું એક સ્થળ કે જ્યાં પાક.નું એક એરબેઝ છે)ના આકાશમાં પાક. એરફોર્સનું એક ટોહી વિમાન અને એક યુદ્ધ વિમાન નજરે પડ્યું. તેને ગેરમાર્ગે દોરવા અમે બે સુખોઈ 30 અને 4 જગુઆર વિમાનને બહાવલપુર તરફ ઝડપથી રવાના કર્યા. અમારા આ વિમાનની મુવમેન્ટ જોઈ પાક. વિમાન તે તરફ ગયા અને જોખમ ટળી ગયું. અમારા ફાઈટર પોઝિશન લઈ ચૂક્યા હતા. પ્રથમ એર સ્ટ્રાઈક 3:28એ થઈ અને 4.00 વાગ્યા સુધીમાં મિશન પૂરું થઈ ગયું. તમામ યુદ્ધ વિમાન સુરક્ષિત પરત ફરી વેસ્ટન કમાન્ડના બે એરપોર્ટ પર ઉતરી ગયા.

સવાલ: પાક. એરફોર્સની શું પ્રતિક્રિયા હતી?
હરિકુમાર: તેઓ હાઈએલર્ટ પર હતા પરંતુ સ્ટ્રાઈકથી બહાવરા બની ગયા હતા. અમે જોયું કે સ્ટ્રાઈક પછી તેમના વિમાન બાલાકોટના આકાશમાં આટા મારતા હતા. તેમને કદાચ ડર હતો કે વધુ એક સ્ટ્રાઈક થ‌વાની છે.

સવાલ: કેટલા ટાર્ગેટ હતા? હુમલો માત્ર બાલાકોટમાં કેમ?
હરિકુમાર: માજી એર માર્શલ સી. હરિકુમારે જણાવ્યું હતું કે, અમે સામાન્ય વસતી અડફેટમાં ન આવે તેમ ઇચ્છતા હતા. લોકોને નુકસાન થાય તેવા વિસ્તાર છોડી દીધા. હેતુ માત્ર આતંક પર હુમલાનો હતો. આ માટે બાલાકોટ યોગ્ય નિશાન હતું.

X
એર માર્શલ હરિકુમારની ફાઇલ તસવીરએર માર્શલ હરિકુમારની ફાઇલ તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી