આસામ, બિહાર અને મેઘાલયમાં પુરથી 123 લોકોના મોત, કેરળમાં 3 દિવસ સુધી ભારે વરસાદનું રેડ એલર્ટ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  •  બિહારમાં ગુરુવાર સુધી 78 લોકોના મોત થયા, આસામમાં મૃતકઆંક વધીને 36એ પહોંચ્યો 
  •  કેરળના 3 જિલ્લાઓમાં આગામી ત્રણ દિવસોમાં ભારે વરસાદની આશંકાઓ 

નવી દિલ્હીઃ બિહાર, આસામ અને મેઘાલયમાં પુરનો કહેર યથાવત છે. ત્રણ રાજ્યોમાં ગુરુવાર સુધી મૃતકોનો આંકડો 123એ પહોંચી ગયો છે. બિહારમાં 12 જિલ્લાઓના 47 લાખ લોકો અસરગ્રસ્ત છે, જ્યારે 78 લોકોના મોત થયા છે. માત્ર સીતામઢીમાં જ 18 અને મધુબનીમાં 14 લોકોના મોત થયા છે. આસામના 33માંથી 29 જિલ્લાઓ પુરમાં ગરકાવ થયા છે. જેના કારણે અંદાજે 54 લાખ લોકો પોતાના ઘર છોડવા માટે મજબૂર બન્યા છે. અહીં 36 લોકોના મોત થયા છે. હવામાન વિભાગે કેરળના ત્રણ જિલ્લાઓમાં આગામી ત્રણ દિવસોમાં વરસાદનું એલર્ટ આપ્યું છે. 

 બિહાર- સીતામઢીની પરિસ્થિતી દયનીયઃ પુરના કારણે સૌથી ગંભીર સ્થિતી બિહારની છે. સીતામઢીમાં સૌથી વધારે 18 લોકો મોતને ભેટ્યા છે. ત્યારબાદ મધુબનીમાં 14, અરરિયામાં 12, શિવહરમાં 9, પૂર્ણિયામાં  7, કિશનગંજમાં 4, સુપૌલમાં 3 અને પૂર્વી ચંપારણમાં 2 લોકોના મોત થયા છે.

 આસામ- બરપેટાના 13.48 લાખ લોકો ઘરવિહોણા બન્યાઃ આસામમાં પણ મૃતકઆંક 36એ પહોંચી ગયો છે. બ્રહ્મપુત્ર અને તેની સહાયક નદીઓ ગુવાહાટી સહિત રાજ્યના મોટાભાગના જિલ્લાઓ પરથી ખતરાની આશંકાઓ સાથે વહી રહી છે. આસામ ડિઝાસ્ટર મેનેજમેન્ટના કહ્યાં પ્રમાણે, ગુરુવારે પુરના સકંજામાં સપડાવાથી 9 લોકો મોતને ભેટ્યા છે. પુરના કારણે બરપેટાની સ્થિતી સૌથી દયનીય બની છે. જિલ્લાના 13.48 લાખ લોકો ઘર છોડવા માટે મજબૂર બન્યા છે. માનસ નેશનલ પાર્ક અને પોબિતોરા વાઈલ્ડલાઈફ સેંક્ચુરીનો સૌથી મોટો ભાગ પાણી ગરકાવ થયો છે. જેનાથી 25 લાખ નાના મોટા વન્યજીવો પર અસર વર્તાઈ છે. કાજીરંગા નેશનલ પાર્કના 50થી વધુ પ્રાણીઓના મોત થયા છે. જેમાંથી ઘણા પ્રાણીઓના પાર્કની બહાર હાઈવે પાર કરતી વખતે મોત થયા હતા. તંત્રએ લોકોને માટે 1080 રાહત કેમ્પ અને 689 રાહત સામગ્રીની વ્યવસ્થા કરી છે. 

મેઘાલય- 1.55 લાખ લોકો અસરગ્રસ્તઃ મેઘાલયમાં ગુરુવારે પુરના કારણે વધુ બે લોકોના મોત થયા છે. આ સાથે રાજ્યમાં પુરના કારણે આઠ લોકો મોતને ભેટ્યા છે. પુરના કારણે 1.55 લાખ લોકો અસરગ્રસ્ત થયા છે. 

કેરળ- આગામી બે દિવસોમાં 20 સેમી વરસાદનું અનુમાનઃ હવામાન વિભાગે કેરળના ત્રણ જિલ્લા ઈડુક્કી, કોટ્ટયમ અને પથનમથિટ્ટામાં આગામી ત્રણ દિવસ સુધી ભારે વરસાદની આશંકા વ્યક્ત કરી છે. આગામી બેથી ત્રણ દિવસોમાં આ શહેરોમાં 20 સેમી સુધી વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે. જેને જોતા આ વિસ્તારોમાં રેડ એલર્ટ આપવામા આવ્યું છે. કેરળ અને લક્ષદ્વીપના માછીમારોને તટીય વિસ્તારોથી દુર રહેવા માટે કહેવામાં આવ્યું છે. 

પંજાબ- સંગરુરમાં સેનાની મદદની જરૂર પડીઃ પૂર્વ અને ઉત્તર ભારતમાં ગુરુવારે ભારે વરસાદ થયો હતો. પંજાબના સંગરુરમાં ઘગ્ગર નદી50 ફુટના ખતરાના નિશાનને પાર કરી ગઈ છે, જેનાથી 2 હજાર એકર ખેતીનો વિસ્તાર પાણીમાં ડુબ્યો છે. જેના કારણે આસપાસના ગામોથી લોકોને કાઢવા માટે સેનાની મદદ લેવાયી છે. 

 દિલ્હીમાં તાપમાનમાં ઘટાડોઃ રાજધાની દિલ્હીમાં ગુરુવારે વરસાદના કારણે ગરમીમાં ઘટાડો થયો હતો. સાથે જ પ્રદુષણનું સ્તર પણ ઘટ્યું છે. સફદરગંજ ઓબ્ઝર્વેરી પ્રમાણે, દિલ્હીમાં બુધવાર રાતથી ગુરુવાર સવાર સુધી 12.1 મિમી વરસાદ થયો હતો. ત્યારબાદ સવારે 8.30થી સાંજે 5.30 સુધી 3.6 મિમી વરસાદ નોંધાયો હતો. 

અન્ય સમાચારો પણ છે...