પ્રહાર / ટ્રમ્પની ભારત યાત્રા પહેલાં શિવસેનાએ કર્યા પ્રહાર, કહ્યું- અમેરિકાએ દેશને આર્થિક ઝટકો આપ્યો

અમદાવાદમાં 24 ફેબ્રુઆરીએ ‘કેમ છો ટ્રમ્પ’ કાર્યક્રમ યોજાશે
અમદાવાદમાં 24 ફેબ્રુઆરીએ ‘કેમ છો ટ્રમ્પ’ કાર્યક્રમ યોજાશે

  • સામનામાં લખ્યું છે કે, અમેરિકાએ ભારતને વિકાસશીલ દેશની યાદીમાંથી હટાવતા ભારતીય વેપારીઓને ઝટકો 
  • અમેરિકાના આ નિર્ણયથી અમેરિકામાં નિકાસ કરતાં ભારતીય વેપારીઓની મુશ્કેલી વધશે

Divyabhaskar.com

Feb 15, 2020, 11:15 AM IST

મુંબઈ: અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતની મુલાકાતે આવવાના છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 24 ફેબ્રુઆરીએ ભારત આવશે અને આ દરમિયાન તેઓ અમદાવાદ અને નવી દિલ્હીની મુલાકાત લેવાના છે. ટ્રમ્પની આ યાત્રા વિશે શિવસેનાએ તેમના મુખપત્ર સામનામાં કેન્દ્ર સરકારને સલાહ આપી છે.

શિવસેનાએ સામનામાં લખ્યું છે કે, અમેરિકાના રાષ્ટ્ર અધ્યક્ષ ડોનાલ્ડ ટ્રમ્પ તેમના મનમોજી વ્યવહાર માટે ઘણી વાર ચર્ચામાં રહ્યા છે. દસ દિવસ પછી ભારતની મુલાકાતે આવનાર ટ્રમ્પે ફરી તેમના આ જ સ્વભાવનો વધુ એક પરિચય આપ્યો છે. જોકે આ વખતે તેમનો આ વ્યવહાર બોલવાના કારણે નહીં પરંતુ કૃત્યના આધારે સામે આવ્યો છે. ભારતે ટ્રમ્પના સ્વાગત માટે જોરદાર તૈયારીઓ કરી છે. આ દરમિયાન અમેરિકાએ વિકાસશીલ દેશોની યાદીમાંથી ભારતનું નામ હટાવી દીધું છે.

સામનામાં લખ્યું છે કે, વિશ્વ વેપાર સંગઠનના ખબા પર બંધૂક રાખીને અમેરિકાની વેપાર પ્રતિનિધિ સમિતિએ વિકાસશીલ દેશોની યાદીમાંથી ભારતનું નામ અલગ કરી દીધું છે. તેના કારણે ભારતને ખૂબ મોટો આર્થિક ઝટકો લાગ્યો છે.

ભારતીય વેપારીઓને ટ્રમ્પે આપ્યો ઝટકો
સામાનામાં લખ્યું છે કે, વિકાસશીલ દેશ હોવાના કારણે ભારતને અત્યાર સુધી તેમના ઉત્પાદન અને નિકાસ માટે અમેરિકામાંથી ખૂબ મોટી ટેક્સ છૂટ મળતી હતી. હવે ભારતને અમેરિકામાં થતા વેપારમાં ખૂબ મોટો ઝટકો મળ્યો છે. અમેરિકાથી ટેક્સમાં સબસિડી મળવાના દરવાજા બંધ થઈ ગયા હોવાના કારણે ઘણી વસ્તુઓની નિકાસ કરવા માટે ભારતે ખૂબ મોટી રકમ ખર્ચ કરવી પડશે. માત્ર અમેરિકા જ નહીં પરંતુ દેશના બધા વૈશ્વિક વેપારીઓને પણ આ નિર્ણયનું ખરાબ પરિણામ ભોગવવું પડશે.

ઘણાં વિકાસશીલ દેશોને ટ્રમ્પનો ઝટકો
સામનામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, વિકાસશીલ દેશોને વિશ્વ વેપાર સંગઠન (WTO) વેપાર વૃદ્ધી માટે સબસિડી અથવા સુવિધાઓ આપે છે. આ સુવિધાઓ ટ્રમ્પના આંખની કણી બની હતી. તેથી ભારત, ચીન અને દક્ષિણ કોરિયા સહિત ઘણાં દેશોને વિકાસશીલ દેશોની યાદીમાંથી બહાર કાઢવામાં આવ્યા છે.

‘કેમ છો ટ્રમ્પ’નો ભવ્ય કાર્યક્રમ
સામનામાં લખ્યું છે કે, આ આકરા નિર્ણય પછી ટ્રમ્પ પ્રશાસને ભારત મુલાકાત માટે ખોટા સમયની પસંદગી કરી છે. કોઈ પણ દેશના પ્રમુખ જ્યારે અન્ય દેશની મુલાકાતે જાય છે ત્યારે કઈક સકારાત્મક કરવાનો રિવાજ છે. જૂના જમાનામાં રાજા-મહારાજા સમયે મિઠાઈનું બોક્સ મોકલવાનું ચલણ હતું. આજે પણ આ રિવાજ કઈક અલગ રીતે નીભાવવામાં આવી રહ્યો છે.જોકે આ વખતે અમેરિકાએ આ પરંપરા તોડી છે. 24 ફેબ્રુઆરીએ ટ્રમ્પ ભારતની મુલાકાતે આવી રહ્યા છે. હ્યુસ્ટનમાં ‘હાઉડી મોદી’ના આધારે અમદાવાદમાં ‘કેમ છો ટ્રમ્પ’ કાર્યક્રમ થવાનો છે. બીજા દિવસે ટ્રમ્પ પાટનગર દિલ્હીની મુલાકાત લેવાના છે.


ટ્રમ્પે મિઠાઈની જગ્યાએ આપ્યું કડવું કારેલું
શિવસેનાએ લેખમાં લખ્યું છે કે, ભારતમાં સ્વાગત દરમિયાન કોઈ કમી ન રહે તે માટે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર યુદ્ધના સ્તરે કામ કરી રહી છે. વડાપ્રધાન મોદી પણ દરેક વાત પર સુક્ષ્મ નજર રાખી રહ્યા છે. ટ્રમ્પની આ મુલાકાથી ભારત અને અમેરિકાના સંબંધો વધારે મજબૂત થશે તેવી આશા રાખવામાં આવતી હતી પરંતુ ટ્રમ્પે ભારતને મીઠાઈ આપવાની જગ્યાએ વૈશ્વિક વેપાર ક્ષેત્રે ભારતને ઝટકો આપનાર નિર્ણય લઈને કડવા કારેલા આપ્યા છે.
અમેરિકામાં આ વર્ષના અંતમાં અધ્યક્ષ પદની ચૂંટણી થવાની છે. ચૂંટણી જીતવા માટે અમેરિકન્સના મન જીતવા માટેનો એક સૂત્રીય કાર્યક્રમ ટ્રમ્પે ચાલુ કર્યો છે. તેથી જ તેમણે અમેરિકન કંપનીઓનું નુકસાન ઓછું કરવા ભારતીય ઉદ્યોગપતિઓની કમર તોડી નાખે તેવો નિર્ણય લીધો છે.

X
અમદાવાદમાં 24 ફેબ્રુઆરીએ ‘કેમ છો ટ્રમ્પ’ કાર્યક્રમ યોજાશેઅમદાવાદમાં 24 ફેબ્રુઆરીએ ‘કેમ છો ટ્રમ્પ’ કાર્યક્રમ યોજાશે
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી