- 1 એપ્રિલ 2017ના હરિયાણાથી ગાય ખરીદીને લાવતી વખતે પહલૂ અને તેના બે દીકરા સાથે મારપીટ થઇ હતી
- ચોથા દિવસે પહલૂએ હોસ્પિટલમાં જીવ ગુમાવ્યો હતો, ત્યારબાદ બન્ને પક્ષે સામસામે ફરિયાદ દાખલ થઇ હતી
- આ ઘટનામાં 9 વિરુદ્ધ રિપોર્ટ ફાઇલ થઇ હતી, 3 સગીર આરોપીઓ વિરુદ્ધ કિશોર કલ્યાણ બોર્ડમાં સુનાવણી ચાલે છે
Divyabhaskar.com
Aug 15, 2019, 04:09 AM ISTઅલવર: રાજસ્થાનના અલવર જિલ્લામાં ગાય લઈ જઈ રહેલા પહલુખાનની હત્યા કરવાના કેસમાં તમામ છ આરોપીઓને કોર્ટે છોડી મૂક્યા છે. અલવરના એડિશનલ ડિસ્ટ્રીક્ટ જજે તમામ આરોપીને શંકાનો લાભ આપી છોડી મૂક્યા હતા. રાજસ્થાન સરકાર આ ચુકાદાને હાઈકોર્ટમાં પડકારશે. બે વર્ષ જૂના આ હત્યાકાંડના કેસમાં પોલીસે 9 લોકો સામે ચાર્જશીટ દાખલ કરી હતી. તેમાં ત્રણ સગીરોનો મામલો બાળ અદાલતમાં ચાલી રહ્યો છે. ફરિયાદી પક્ષે 44 સાક્ષીના નિવેદન રજૂ કર્યા હતા. 7 જુલાઈએ બંને પક્ષોની દલીલ પૂરી થઈ ગઈ હતી. પોલીસે 17 ડોક્ટરોને સાક્ષી તરીકે રજૂ કર્યા હતા.
9માંથી 3 આરોપી સગીર હતા
પોલીસે 9 આરોપી વિરુદ્ધ ચલાણ રજૂ કર્યું હતું. તેમાથી 3 આરોપી સગીર હોવાના કારણે કિશોર ન્યાય બોર્ડમાં તેમની સુનાવણી ચાલી રહી છે. જ્યારે 6 આરોપી વિપિન યાદવ, રવિન્દ્ર કુમાર, કાલૂરામ, દયાનંદ, ભીમરાઠી અને યોગેશ કુમાર વિરુદ્ધ અદાલતમાં ચલાણ રજૂ કરવામાં આવ્યું હતું.
સુપ્રીમ કોર્ટના નિર્દેશ પર અલવરમાં સુનાવણી થઇ
આ પ્રકરણની ટ્રાયલ એડીજે કોર્ટ બહરોડમાં શરુ થઇ હતી. ત્યારબાદ સુપ્રીમ કોર્ટના નિર્દેશ પર આ મામલાને અલવરની કોર્ટમાં સુનાવણી માટે મોકલવામાં આવ્યો. સુનાવણી દરમિયાન 44 સાક્ષીના નિવેદન લેવામાં આવ્યા. આરોપીઓ તરફથી એડવોકેટ હુકમચંદ શર્માએ દલીલ કરી હતી. કોર્ટે શંકાનો લાભ(બેનિફીટ ઓફ ડાઉટ) આધાર રાખીને આરોપીને મુક્ત કર્યા હોવાનું એડીશનલ પબ્લિક પ્રોસીક્યૂટર યોગેન્દ્ર ખતાનાએ જણાવ્યું હતંુ.
પહલૂ અને તેમના પરિવાર પર ગોમાંસની તસ્કરીનો આરોપ લાગ્યો હતો
અલવરમાં જયપુર-દિલ્હી નેશનલ હાઇવે પર 1 એપ્રિલ 2017ના એક ભીડે ગોતસ્કરીની શંકામાં પહલૂ ખાન સાથે મારપીટ કરી હતી. ખાન તેના બન્ને દીકરા સાથે જયપુરના મેળામાંથી ઢોર ખરીદીને હરિયાણાના નૂહ સ્થિતિ પોતાના ઘરે જઇ રહ્યા હતા. આ મામલે ક્રોસ એફઆઇઆર પણ દાખલ થઇ છે. એક એફઆઇઆરમાં પહલૂ અને તેમના પરિવાર પર હુમલો કરનાર ભીડ આરોપી છે. જ્યારે બીજી એફઆઇઆરમાં ખાન અને તેમના પરિવારને ગોતસ્કરીના આરોપમાં ફરિયાદ થઇ છે.
અલવર પોલીસે 24મેના રાજસ્થાનના ગોજાતીય પશુ અધિનિયમ 1995 અંતર્ગત ત્રણ આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી. પહલૂ ખાનનુ મૃત્યું થઇ ગયું હતું તેથી તેમનું નામ સામેલ કરવામાં આવ્યું ન હતું. જો કે તેમનું નામ ચાર્જશીટની સમરીમાં હતું. પોલીસ પોતાના વલણ પર કાયમ હતી કે તપાસમાં પહલૂ ખાન, તેમના દીકરા અને ટ્રક ઓપરેટર ખાન મોહમ્મદ વિરુદ્ધ મામલો સાબિત થયો છે.
કોર્ટે કયા કારણે શંકાનો લાભ આપ્યો
- જે વીડિયોને આધાર બનાવાયો તેની તપાસ કરાઈ નહીં.
- પહલુખાનના પુત્રોએ હુમલાખોરોને ઓળખી બતાવ્યા નહીં.
- વીડિયોના સોર્સ તરીકે મોબાઈલ જપ્ત કરાયો નહીં.
- પહલુખાને મૃત્યુ અગાઉ નિવેદનમાં આરોપીના નામ જણાવ્યા નહોતા.