તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
 • Gujarati News
 • National
 • AIIMS Resident Doctors Association Issue An Ultimatum Of 48 Hours To West Bengal Govt Mamta Banerjee

દિલ્હીની 18 હોસ્પિટલોમાં હડતાળ, AIIMSના ડોક્ટર્સે મમતાને આપ્યું 48 કલાકનું અલ્ટીમેટમ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • દિલ્હીમાં આજે 18 હોસ્પિટલના 10 હજારથી વધુ ડોક્ટર્સ હડતાળ પર
 • જો બંગાળના ડોક્ટર્સની માંગણી 48 કલાકમાં પૂરી નહીં થાય તો  એમ્સમાં અનિશ્ચિતકાળ સુધીની હડતાળ કરાશે

કોલકાતાઃ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મારામારીને લઈને પાંચ દિવસથી હડતાલ પર ઉતરેલા જૂનિયર ડોક્ટરોની તમામ માંગો સ્વીકારી છે. શનિવારે તેમણે ડોક્ટરોને હડતાલ ખત્મ કરીને કામ શરૂ કરવાની અપીલ કરી. તેમણે 10 જૂને થયેલી મારામારીની ઘટનાને અયોગ્ય ગણાવી હતી. મુખ્યમંત્રીએ કહ્યું કે સરકાર તમામ જરૂરી પગલા ઉઠાવવા માટે તૈયાર છે. ખાનગી હોસ્પિટલોમાં ભરતી જૂનિયર ડોકટરોનો ઈલાજનો ખર્ચ પણ ઉઠાવશે. કોઈ પણ ડોક્ટરોની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે નહિ.

મુખ્યમંત્રી મમતા બેનરજીએ ડોક્ટર્સને ચિઠ્ઠી લખીને હડતાળ ખતમ કરવાની અપીલ કરી તો જવાબમાં ડોક્ટર્સે તેમની નવી માંગણીઓનું લિસ્ટ આપી દીધું હતું. બંગાળના ડોક્ટર્સની હડતાળને સમગ્ર દેશમાંથી સમર્થન મળી રહ્યું છે. દિલ્હીમાં આજે 18 હોસ્પિટલના ડોક્ટર્સ હડતાળ પર છે. તેમાં એમ્સ અને સફદરજંગ હોસ્પિટના ડોક્ટર્સ પણ સામેલ છે. બીજી બાજુ જમ્મુ-કાશ્મીર અને લેહથી પણ પશ્ચિમ બંગાળના ડોક્ટર્સને હડતાળનું સમર્થન મળી રહ્યું છે.

ભાજપનો આરોપ- મમતા આરોપીઓને બચાવી રહ્યા છે

બંગાળ જૂનિયર ડોક્ટર્સ જોઈન્ટ ફોરમના પ્રવક્તા અરિંદમ દત્તાનું કહેવું છે કે, અમે મુખ્યમંત્રીના આમંત્રણથી સચિવાલયમાં બેઠક કરવા નહીં જઈએ. તેમને વાત કરવી હોય તો તેઓ એનઆરએસ મેડિકલ કોલેજ આવે. અહીં તેઓ તેમના એ નિવેદન વિશે માફી માંગે જે તેમણે એસએસકેએમ હોસ્પિટલમાં ગુરુવારે આપ્યું હતું. બીજી બાજુ બંગાળ ભાજપનો આરોપ છે કે, ડોક્ટર્સ પર હુમલો કરનાર આરોપીઓ મુસ્લિમ સમુદાયના છે અને મમતા બેનરજી તેમને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

17 જૂને દેશ વ્યાપી હડતાળ

ઈન્ડિયન મેડિકલ એસોસિયેશન (આઈએમએ) 14 જૂનથી ત્રણ દિવસ સુધી દેશ વ્યાપી વિરોધ-પ્રદર્શન કરી કરવાની સાથે 17 જૂને દેશવ્યાપી હડતાલની જાહેરાત કરી છે. આઈએમએ હોસ્પિટલમાં ડોક્ટર્સ સામે થનારી હિંસા માટે કાયદો બનાવવાની માંગણી કરી છે. સંગઠનનું કહેવું છે કે, આ કાયદાનું ઉલ્લંઘન કરનાર લોકોને ઓછામાં ઓછા સાત વર્ષની સજાનો કાયદો હોવો જોઈએ.

ડોક્ટર્સની આ છ શરતો

 1. મુખ્યમંત્રી મમતા બેનરજીએ ડોક્ટર્સ વિશે આપેલા નિવેદન પર કોઈ પણ શરત વગર માફી માંગવી જોઈએ.
 2. ડોક્ટર્સ પર થયેલા હુમલા વિશે નિંદા કરતું એક નિવેદન આપવું જોઈએ.
 3. પોલિસની નિષ્ક્રિયતાની તપાસ થવી જોઈએ.
 4. ડોક્ટર્સ પર હુમલો કરનાર સામે કાર્યવાહી થવી જોઈએ.
 5. જૂનિયર ડોક્ટર્સ અને મેડિકલના વિદ્યાર્થીઓ પર લગાવવામાં આવેલા ખોટા આરોપો પરત લેવા જોઈએ.
 6. હોસ્પિટલમાં સશસ્ત્ર પોલીસ તહેનાત કરવા જોઈએ.

ડોક્ટર્સે મમતા સરકારને આપ્યું 48 કલાકનું અલ્ટીમેટમ

દિલ્હી એમ્સના રેસિડન્સ ડોક્ટર્સ એસોસિયેશને પશ્ચિમ બંગાળ સરકારને હડતાળ પર રહેલા ડોક્ટર્સની માંગણી પૂરી કરવા 48 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે. તેમણે કહ્યું છે કે, જો સરકારે તેમની માંગણી પૂરી ન કરી તો એમ્સમાં અનિશ્ચિતકાળ સુધીની હડતાળ કરવામાં આવશે.

દિલ્હીના 10 હજાર ડોક્ટર્સ હડતાળ પર

દિલ્હીની 14 મોટી હોસ્પિટલ સહિત 18 હોસ્પિટલના ડોક્ટર્સે આજે હડતાળ રાખી છે. અંદાજે 10 હજાર કરતાં વધારે ડોક્ટર્સ હડતાળ પર રહેશે. ફેડરેશન ઓફ રેસિડન્સ ડોક્ટર્સ એસોસિયેશનના બેનર્સ અંર્તગત આ હોસ્પિટલના ડોક્ટર્સે લેખિતમાં મેડિકલ સુપરિટેન્ડેન્ટને આ વિશે માહિતી આપી છે.

હર્ષવર્ધને કહ્યું- મમતા આને પ્રતિષ્ઠાનો મુદ્દો ન બનાવે

દિલ્હી એમ્સના રેસિડન્સ ડોક્ટર એસોસિયેશને બંગાળમાં ડોક્ટર્સ સામે હિંસા વિશે કેન્દ્રીય સ્વાસ્થય મંત્રી ડો. હર્ષવર્ધન સાથે મુલાકાત કરી હતી. હર્ષવર્ધને કહ્યું કે, હું મમતા બેનરજીને અપીલ કરુ છું કે, આને પ્રતિષ્ઠાનો મુદ્દો ન બનાવે. તેમણે ડોક્ટર્સને અલ્ટિમેટમ આપ્યું તેના કારણે તેઓ નારાજ થઈને હડતાળ પર જતા રહ્યા. હું મમતા બેનરજી સાથે આ મુદ્દે વાત કરવાનો પ્રયત્ન કરીશ. હું સમગ્ર દેશના ડોક્ટર્સને કહેવા માંગીશ કે સરકાર તેમની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે. ડોક્ટર્સને અપીલ કરુ છું કે તેઓ પ્રતિકાત્મક વિરોધ કરે અને તેમનું કામ ચાલું રાખે.

કોલકાતા હાઈકોર્ટની ફટકાર- વાટાઘાટો કેમ ન કરી?

કોલકતા હાઈકોર્ટે આ અંગે દાખલ થયેલી એક અરજીની સુનાવણીમાં મમતા સરકારને ખખડાવતા કહ્યું કે તેમણે વાટાઘાટોનો પ્રયાસ કેમ ન કર્યો ? ડોક્ટરોની સુરક્ષા માટે શું પગલા લીધા એ પણ જણાવો. કોર્ટે સરકારને એક સપ્તાહમાં જવાબ આપવા કહ્યું છે.

300 ડોક્ટર્સે આપ્યા રાજીનામા

પશ્ચિમ બંગાળના કોલકાતામાં એક જુનિયર ડોક્ટર સાથે મારપીટ પછી શરૂ થયેલા વિવાદ પછી રાજ્યમાં ડોક્ટરોની હડતાળ શરૂ થઈ છે. જેના પડઘા શુક્રવારે સમગ્ર દેશમાં પડ્યા હતા. હડતાળિયા ડોક્ટરોના સમર્થનમાં ઈન્ડિયન મેડિકલ એસોસિયેશન (આઈએમએ)એ ત્રણ દિવસના વિરોધ દેખાવો શરૂ કર્યા છે. આઈએમએએ 17 જૂને હડતાળની જાહેરાત કરી છે. દિલ્હીમાં બધા સરકારી ડોક્ટરો હડતાળ કરી રહ્યા છે. એસએસકેએમ હોસ્પિટલના 175 ડોક્ટરોએ રાજીનામાં આપી દીધાં. આ સાથે જ સમગ્ર બંગાળમાં રાજીનામું આપનારા ડોક્ટરોની સંખ્યા 300થી વધુ થઈ ગઈ છે. ડોક્ટરોએ ચેતવણી આપી છે કે મુખ્યમંત્રી શરત વિના માફી માગે, અન્યથા તેઓ એક સાથે નોકરી છોડી દેશે. દરમિયાન કેન્દ્ર સરકારે આ બાબતમાં દખલ કરતા કહ્યું કે રાજ્ય સરકાર તેને પ્રતિષ્ઠાનો મુદ્દો ન બનાવે અને ઝડપથી તેનો ઉકેલ લાવે.