મુંબઈમાં મોડી સાંજે ભારે વરસાદ, રેલ સેવા અને વિમાની સેવાને અસર 

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પહેલા જ વરસાદમાં મુંબઈની ટ્રેન અટવાઈ 

મુંબઈ: મુંબઈ, થાણે, નવી મુંબઈ સહિત રાજ્યભરમાં સોમવારે રાત્રે સુસવાટાભર્યા પવન અને ગાજવીજ સાથે મુશળધાર વરસાદ પડવાનું શરૂ થયું હતું. પહેલા જ વરસાદમાં થાણેના કોપર અને મુંબઈમાં ગોરેગાવ ખાતે ટ્રેનના પેન્ટોગ્રાફમાં સ્પાર્ક થતાં ટ્રેનવ્યવહાર ખોરવાઈ ગયો હતો. ખાસ કરીને સાંતાક્રુઝ, મુલુંડ, બાંદરા, ડોંબિવલી, મલાડ, ગોરેગાવ સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે મુશળમાર વરસાદ પડ્યો હતો, જેને લીધે ટ્રેનો વિલંબમાં મુકાઈ હતી. અચાનક વરસાદ શરૂ થવાને લીધે છત્રી- રેઈનકોટ વિના બહાર નીકળેલા મુંબઈગરા ઊંઘડા ઝડપાયા હતા. 

મુંબઈગરાને સમુદ્રકિનારે નહીં જવા માટે પણ સૂચના આપવામાં આવી હતી. હવામાન ખાતાએ મુંબઈ સહિત રાજ્યમાં મંગળવાર અને બુધવારે પણ જોરદાર વરસાદ પડશે એવી આગાહી કરી હતી. દરમિયાન મુંબઈમાં રવિવારે રાત્રે પડેલા ઝરમર વરસાદે 2 જણનો ભોગ લીધો હતો. પાણીને કારણે રસ્તો લપસણો થઈ જવાથી ડમ્પર એક રિક્ષા સાથે ટકરાયું હતું. રિક્ષા તેની આગળ ઊભેલી બસ અને ડમ્પર વચ્ચે ફસાઈ જતા રિક્ષાચાલક શુભાષ બિંદ અને રિક્ષાનો પ્રવાસી સુફિયાન અન્સારીનું મૃત્યુ થયું હતું. રાત્રે એક વાગ્યાના સુમારે અમરમહલ પુલ પર આ અકસ્માત થયો હતો. રવિવાર, 9 જૂન ગરમીની મોસમનો સૌથી ગરમ રવિવાર બન્યો હતો. સાંતાક્રુઝમાં રવિવારના મહત્તમ તાપમાન 36.6 ડિગ્રી સેલ્સિયશ નોંધાયું હતું જે સરેરાશ કરતાં 3 ડિગ્રી વધારે હતું. 

48 કલાકમાં વધુ જોર વધશે 
રવિવારે કેટલાક ઠેકાણે ઝરમર વરસાદ પડ્યા પછી મંગળવાર 11 જૂનના મુંબઈમાં જોરદાર વરસાદ પડવાની શક્યતા છે. વેધશાળાના નિરીક્ષણ અનુસાર અરબી સમુદ્રમાં ઓછા દબાણનો પટ્ટો તૈયાર થઈ રહ્યો હોવાથી એની તીવ્રતા વધવાની શક્યતા છે. અરબી સમુદ્રમાં દક્ષિણ-પૂર્વ ભાગમાં અને લક્ષદ્વીપ નજીક ઓછા દબાણનો પટ્ટો તૈયાર થયાનું અને આગામી 48 કલાકમાં એનો વ્યાપ વધશે એવી શક્યતા હવામાન ખાતાએ વ્યક્ત કરી છે. તેથી કોંકણ સહિત મુંબઈમાં આગામી 48 કલાકમાં વધુ મુશળધાર વરસાદ પડી શકે છે અને સુસવાટા મારતો પવન ફૂંકાશે એવો અંદાજ છે. અરબી સમુદ્રમાં ઓછા દબાણનો પટ્ટો તૈયાર થાય એટલે એના પરિણામે કિનારા નજીકના ભાગોમાં વરસાદ શરૂ થાય છે. આ પટ્ટાની તીવ્રતા વધુ હોય તો પવન સાથે વરસાદ પડે છે. એવી સ્થિતિ અત્યારે દેખાય છે. સ્કાયમેટે પણ આમ જણાવતા 11 અને 12 જૂનના વરસાદ અને પવનની શક્યતા વ્યક્ત કરી છે.