સિગારેટથી અને ફેક ન્યૂઝથી બચાવતી એક બાળકી અને એક IPS ઓફિસર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હૃદયા સિગારેટ છોડાવવા માટે 28  દિવસ સતત મેસેજ મોકલે છે, રેમા રાજેશ્વરીએ અફવા રોકવા માટે પોલીસને ગામના વોટ્સએપ ગ્રૂપ સાથે જોડી - Divya Bhaskar
હૃદયા સિગારેટ છોડાવવા માટે 28 દિવસ સતત મેસેજ મોકલે છે, રેમા રાજેશ્વરીએ અફવા રોકવા માટે પોલીસને ગામના વોટ્સએપ ગ્રૂપ સાથે જોડી
  • લોકોને શરમમાં મૂકીને સિગારેટ છોડાવી રહી છે 7 વર્ષીય હૃદયા
  • IPS રેમા 400 ગામમાં અફવા વિરુદ્ધ અભિયાન ચલાવે છે

ભૂષણ મહાલે,નાસિક: ‘કાકા ચાર દિવસથી કશ નથી લીધા, બે-ત્રણ કશ મારવા દો ને...’ સાત વર્ષીય બાળકી જ્યારે આવું કહે છે ત્યરો પાનની દુકાને ઊભેલા લોકોના હાથમાંથી સિગારેટ પડી જાય છે. પછી એ બાળકી એ શખસને વૉટ્સએપ ગ્રૂપમાં એડ કરે છે અને શરૂ થાય છે, ક્વિટ ટોબેકો કેમ્પેઇન. આ કેમ્પેઇન સાથે જોડાયા પછઈ 50 લોકોએ ધુમ્રપાન છોડી દીધું છે.

હું વૉટ્સએપ કરીને ધુમ્રપાનના ખતરાથી વાકેફ કરું છું
જાણો હૃદયાની કહાની, તેની જુબાની... ‘મારા કાકાને સિગારેટના કારણે કેન્સર થયું હતું. તેમને ખબર હતી કે, ધુમ્રપાન સ્વાસ્થ્યને નુકસાન કરે છે, છતાં તેઓ સિગારેટ પીતા. મને એ નહોતું ગમતું. મેં મારા પિતાને પૂછ્યું કે, લોકોને ખબર છે કે સિગારેટથી કેન્સર થાય છે? તેમણે કહ્યું: હા. મેં પૂછ્યું કે, તો લોકો કેમ સિગારેટ પીવે છે? તેમણે જવાબ આપ્યો: ખબર નહીં. પછી મેં પૂછ્યું કે, જો હું બધાને વાકેફ કરીશ તો તેઓ સિગારેટ નહીં પીવે? તો પિતાએ જવાબ આપ્યો કે, તારે લોકોને કહીને જોવું જોઈએ. એ પછી જ્યારે પણ હું પાનની દુકાને કોઈને સિગારેટ પીતા જોતી ત્યારે તેમની પાસે જઈને સિગારેટ માંગતી. પોતાની સામે નાની બાળકીને જોઈને કેટલાકના  હાથમાંથી સિગારેટ પડી જતી. પછી હું તેમને કહેતી કે, સિગારેટ નહીં પીવી જોઈએ. એ લોકોને વૉટ્સએપ ગ્રૂપમાં પણ એડ કરતી અને રોજેરોજ સિગારેટ છોડવા પ્રોત્સાહિત કરે એવા વીડિયો મોકલતી. આ બધું જોઈને કોઈ સિગારેટ છોડે તો મને ખુશી થાય છે. હવે હું ઘરે રહીને ભણું છું, જેથી આ કેમ્પેઇનમાં વધુ સમય આપી શકું.’

હૈદરાબાદ: વાત વર્ષ 2018ની છે. તેલંગાણાના જોગુલાંબા ગડવાલ જિલ્લામાં લોકોએ સાંજના સમયે ઘરની બહાર નીકળવાનું બંધ કરી દીધું હતું. સ્થાનિક પોલીસ પ્રમુખ રેમા રાજેશ્વરીએ તપાસ કરાવી તો ખબર પડી કે લોકોને રોજ વોટ્સએપ મેસેજ મળે છે કે ગામમાં ‘બાળક ચોર’ આવ્યા છે. બાળકોને ઘરની બહાર ન મોકલશો.’ તપાસમાં ખ્યાલ આવ્યો કે આ ફેક ન્યૂઝ છે. રેમાએ ગામના લોકોને જાગૃત કરવાનું અભિયાન શરૂ કર્યું. વર્ષ 2009 બેચની આઈપીએસ અધિકારી રેમા રાજેશ્વરીએ અંદાજે 500 પોલીસ અધિકારીઓને ફેક ન્યૂઝ સામે લડવાની તાલિમ આપી છે. તે પ્રદેશના 400 ગામોમાં લોકોને ફેક ન્યૂઝથી સાવધ રહેવાનું અભિયાન ચલાવી રહ્યાં છે.

તે વોટ્સએપ પરના નકલી મેસેજ ડિલિટ કરાવે છે
અભિયાનની ખાસ વાત એ છે કે તે ગામવાળાને તેમની જ ભાષામાં અને તેમની વચ્ચે જઈને સમજાવે છે. સૌથી પહેલા તે ગામના વોટ્સએપ ગ્રૂપને પોલીસ વિભાગના લોકો સાથે જોડાવે છે, જેથી તે ગ્રૂપ પર આવનારા મેસજ પર નજર રાખી શકે. જેવો કોઈ ફેક મેસેજ આવે છે, ગ્રૂપમાં સામેલ પોલીસ કર્મી એડમિનને ચેતવણી આપી મેસેજ ડીલીટ કરાવે છે. રાજેશ્વરીએ ગામોના લોક ગાયકોને પણ પોતાની સાથે જોડ્યા છે. આ ગાયકો શેરી નાટકો કરી લોકોને જાગૃત કરે છે. રાજેશ્વરી પોતાના લોકો વચ્ચે જઈને સભાઓ કરી રહ્યાં છે. તે લોકોને જણાવે છે કે કેવી રીતે અફવાઓની ઓળખ કરે અને કેવી રીતે તેનાથી બચે.