લોકસભા ચૂંટણી / લોકસભામાં મહિલાઓની દાવેદારી, મમતા બેનરજી બધા કરતા આગળ નિકળ્યા

Divyabhaskar

Mar 14, 2019, 03:16 PM IST
Women's stake in Lok Sabha, Mamata Banerjee emerged ahead

  • લોકસભામાં મહિલાઓની ભાગીદારીને લઇને ચર્ચાઓ શરૂ
  •  પાર્ટીઓ કેટલી બેઠકો મહિલાઓ માટે લોકસભાની ચૂંટણી માટે ફાળવે છે તેના પર બધાની નજર

નવી દિલ્હી: લોકસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત થવાની સાથે જ તમામ રાજનીતિક દળોએ તેમના રાજનીતિક સમીકરણો ગોઠવવાના શરૂ કરી દીધા છે. બેઠકોની વહેંચણીમાં જાતિઓના પ્રભુત્વ અને તેના આધારે ગઠબંધનથી માંડીને ટિકિટ વિતરણ સુધીમાં આ બાબતનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. આ બધાની વચ્ચે દેશની અડધીથી પણ વધારે વસ્તી મહિલાઓની છે, તો તેમને કેવું પ્રતિનિધિત્વ આપવું જોઇએ એ વાત અંગે પણ ચર્ચાઓ પૂરજોશમાં અલગ અલગ પાર્ટીઓમાં થઇ રહી છે.નોંધનીય એ છે કે બીજેડી પ્રમુખ નવીન પટનાયકે તેમની પાર્ટીની બેઠકોની લોકસભા ટિકિટ વહેંચણીમાં 33 ટકા મહિલાઓ માટે અનામત રાખવાનું નક્કી કર્યું છે તો બીજી બાજુ પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનરજીએ લોકસભા ચૂંટણીમાં 41% મહિલાઓને અનામત આપીને બધાથી આગળ નિકળી ગયા છે.

દુનિયાના સૌથી મોટા લોકતંત્ર ભારતમાં મહિલાઓને મતદાન આપવાનો અધિકાર સંવિધાન લાગૂ થવાના સમયથી જ મળી ગયો હતો. જ્યારે દુનિયાના સૌથી જૂના લોકતંત્ર અમેરિકામાં મહિલા મતદાન અધિકાર લાંબા સંઘર્ષ પછી મળ્યો હતો. જો કે દેશના નીતિનિર્માતાઓએ મહિલાઓને વોટ આપવાનો અધિકાર તો આપી દીધો પણ આપણા પુરુષપ્રધાન સમાજમાં મહિલાઓને લોકસભામાં નેતૃત્વમાં ભાગીદારી અપેક્ષા મુજબ ઓછી જ રહી છે. 1966થી સંસદના નીચલા ગૃહ એટલે કે લોકસભામાં મહિલાઓને 33 ટકા અનામત આપવાનું બિલ અટકેલું જ છે જ્યારે વિરોધાભાસ એ છે કે મોટાભાગના રાજ્યોની પંચાયતોમાં મહિલાઓને 33% આરક્ષણ અપાયું છે.

જો કે લોકભાની ચૂંટણી પહેલા મહિલાઓને વધુ બેઠકો આપીને સત્તામાં ભાગીદારી આપવાની ચર્ચાએ જોર પકડ્યું છે એ વાત એક સુખદ સંકેત જ છે. બુધવારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ તમિલનાડુમાં એ વાયદો કર્યો હતો કે કોંગ્રેસની સરકાર સત્તામાં આવી તો લોકસભામાં 33% મહિલાઓને અનામત આપવાની સાથે સરકારી નોકરીઓ અને શિક્ષણ સંસ્થાઓમાં પણ મહિલાઓને આરક્ષણ આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ગઇ લોકસભા ચૂંટણી સુધીમાં મહિલાઓને ટિકિટ આપવાની બાબતે મોટા ભાગના રાજકીય પક્ષોની હાલત નિરાશ કરનારી રહી હતી.

એક અહેવાલ મુજબ કોંગ્રેસે 1996થી 2014 સુધીમાં સૌથી વધુ મહિલાઓને લોકસભાની ટિકિટ આપી હતી પણ કમનસીબે આ આંકડો 9.3% થી લઇને 12.9% સુધીનો જ રહ્યો હતો. વધુમાં બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષા મહિલા હોવા છતા આ પાર્ટી મહિલાઓને ટિકિટ આપવામાં સૌથી પાછળ રહી. BSPના આંકડા અનુસાર 1996-2014 સુધીમાં 3.9% થી લઇને 5.4% જેટલું જ મહિલાઓને પ્રતિનિધિત્વ તેમના પક્ષે આપ્યું હતુ. મહિલાઓને ટિકિટ આપવાની બાબતમાં ભારતીય જનતા પાર્ટીનો આંકડો 5.7% થી 8.9% સુધીનો જ રહ્યો હતો

વધુમાં પાંચ રાષ્ટ્રીય પક્ષો દ્વારા 1996-2014 સુધીમાં 6 લોકસભા ચૂંટણીમાં કુલ 9174 લોકસભા બેઠકોની વહેંચણીમાં મહિલાઓને કુલ મળીને 726 બેઠકો ફાળવવામાં આવી હતી જે ફક્ત 8% જેટલી જ છે. જ્યારે ક્ષેત્રીય દળોની વાત કરીએ તો પાછલા 6 લોકસભાની ચૂંટણીઓમાં 252 મહિલાઓને ટિકિટ આપવામાં આવી હતી. આમ કુલ મળીને છેલ્લી લોકસભાની ચૂંટણી સુધીના તમામ આંકડાઓ જોતા રાષ્ટ્રીય અને ક્ષેત્રીય પક્ષોએ મહિલાઓને ટિકિટ વહેંચણી બાબતે મોટા પાયે ઉત્સાહ દેખાડ્યો નથી. હા એ વાત ચોક્કસ છે કે 16મી લોકસભામાં ચૂંટણીમાં સૌથી વધુ મહિલાઓ સંસદસભ્ય તરીકે ચૂંટાઇને આવી છતા મહિલાઓનું પ્રતિનિધિત્વ અપેક્ષાકૃત ઓછું જ રહ્યું હતુ.આ વખતે એ જોવુ રહ્યું કે લોકસભાની ચૂંટણીમાં મોટી પાર્ટીઓ અને ક્ષેત્રીય પાર્ટીઓ મહિલાઓને કેટલા ટકા બેઠકોની ફાળવણી કરે છે તે પછી જ દેશની અડધી વસ્તી ધરાવનારી મહિલાવર્ગમાં આશાની નવી દિશાઓ ખુલી શકશે.

X
Women's stake in Lok Sabha, Mamata Banerjee emerged ahead
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી