પવારનો મોદી પર કટાક્ષ, કહ્યું- જે વ્યક્તિને પરિવાર નથી તે બીજાની જાણકારીઓ મેળવે છે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પવારે કહ્યું- પોતાની ખામીઓ છુપાવવા માટે બીજા પર નિશાન સાધે છે મોદી
  • મોદીએ ચૂંટણી રેલીમાં કહ્યું હતું- ટૂંક સમયમાં જ પવાર પરિવાર તૂટી જશે

પુણેઃ રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવારે વડાપ્રધાન મોદીને લઈને કહ્યું કે તેઓને પરિવારનો કોઈ અનુભવ નથી, તેઓ તો તે પણ નથી જાણતા કે હાલ તેમના પરિવારના લોકો ક્યાં છે? મોદીએ 1 એપ્રિલે વર્ધામાં થયેલી રેલીમાં કહ્યું હતું કે પવાર, પક્ષમાં પોતાની પકડ ગુમાવી રહ્યાં છે. તેમને પરિવારમાં જોવા મળતા કલેશનો સામનો કરવો પડી રહ્યો છે. 

મોદીએ તેમ પણ કહ્યું હતું કે, "પવારનો ભત્રીજો અજીત પાર્ટી પર પોતાનું નિયંત્રણ વધારવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ કારણે જ ટિકિટ વ્હેંચણીમાં પણ નેશનલ કોન્ફરન્સને મુસીબતનો સામનો કરવો પડ્યો હતો."

મોદીનો દાવો- પવાર પરિવાર વધુ સમય સુધી સાથે નહીં રહેઃ શનિવારે જવાબી હુમલામાં પવારે કહ્યું કે, "વડાપ્રધાન મોદીએ વર્ધાની રેલીમાં કહ્યું કે પવાર પરિવારમાં વિવાદ ચાલી રહ્યો છે. અજીતે પૂરું નિયંત્રણ પોતાના હાથમાં લઈ લીધું છે. પવાર પરિવાર હવે વધુ સમય સુધી સાથે નહીં રહે. આ મુદ્દે હું કહેવા માગુ છું કે અમે ભાઈઓ એવા વાતાવરણમાં ઉછર્યા છીએ જ્યાં અમારી માતાએ અમને સદાચાર જ શીખવાડ્યો છે."

પવારે કહ્યું- ગાંધી પરિવાર પછી મારી ફેમિલી પણ નિશાને: પવારે કહ્યું, "એક વ્યક્તિ જેને પરિવારનો કોઈ જ અનુભવ નથી, જેને પોતાને નથી ખબર કે તેમનો પરિવાર ક્યાં છે તે બીજા પર આંગળી ચિંધે છે. અત્યાર સુધી લોકો પોતાની હારને છુપાવીને ગાંધી પરિવારને નિશાન બનાવી રહ્યાં હતા. હવે મારો પરિવાર પણ આ યાદીમાં સામેલ થઈ ગયો છે."