શરદ પવારે કરી જાહેરાત, આ વખતે લોકસભાની ચૂંટણી નહી લડુ, 14 વાર લડ્યો છું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પુણે: રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવારે લોકસભાની ચૂંટણી લડવાની અટકળો પર સોમવારે વિરામ મુકી દીધો છે. પવારે સ્પષ્ટ કરી દીધું કે આગામી લોકસભા ચૂંટણીમાં તેઓ ઉમેદવાર તરીકે ઉભા રહેવાના નથી. વધુમાં તેમણે જણાવ્યું કે તેમના પરિવારના બે સભ્યો લોકસભાની ચૂંટણી લડશે અને આ જ યોગ્ય સમય છે જ્યારે તેઓ જાહેર કરી રહ્યા છે કે તેઓ આગામી લોકસભાની ચૂંટણી લડશે નહીં. NCP નો પરંપરાગત ગઢ ગણાતા બારામતીમાં પાર્ટીના ધારાસભ્યો અને સાંસદ સાથે ચર્ચા કરીને શરદ પવારે આ જાહેરાત કરી છે. શરદ પવારે જણાવ્યું કે હું આ પહેલાં 14 લોકસભા ચૂંટણી લડ્યો છું. અમારા પરિવારે નિર્ણય લીધો છે કે હું માઢા લોકસભાની ચૂંટણીમાં ઉભો નહીં રહું, પાર્થ માવલ લોકસભાની બેઠક પરથી લડશે

સુપ્રિયા સુલે અને પાર્થ માવલ ચૂંટણી લડશે: પવારે જણાવ્યું કે તેમની દીકરી સુપ્રિયા સૂલે વર્તમાન સાંસદ છે અને આ વખતે પણ ચૂંટણી લડશે. બીજા સભ્યને લઇને પવારનો સંકેત તેના ભત્રીજા અજીત પવારના દીકરા પાર્થની તરફ હતો. વધુમાં પવારે જણાવ્યું કે પાર્ટીના મોટા ભાગના કાર્યકર્તાઓ ઇચ્છા રાખી રહ્યા છે કે પાર્થ મવાલ લોકસભાની બેઠક પરથી ચૂંટણી લડે. હું એ વાતનું સમર્થન કરું છું કે નવી પેઢીને રાજનીતિમાં આવવું જોઇએ. જો કે થોડા દિવસો પહેલા શરદ પવારે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે આગામી લોકસભાની ચૂંટણીમાં પવાર પરિવારનો એક પણ સભ્ય લોકસભાની ચૂંટણી નહીં લડે.

માઢા બેઠક પરથી લડી શકે છે મોહિતે:  શરદ પવારની આ જાહેરાતથી એનસીપીના વરિષ્ઠ નેતા વિજય મોહિતે પાટિલ માઢા બેઠક પરથી ચૂંટણી લડી શકે છે. ઉલ્લેખનીય છે કે મોદી લહેર હોવા છતા 2014માં વિજય સિંહ મોહિતે પાટિલ માઢા બેઠક જીત્યા હતા. મહારાષ્ટ્ર રાજ્યમાં કુલ 48 લોકસભાની બેઠકો છે જેમાં ગત લોકસભા ચૂંટણીમાં NCPએ 21 બેઠકો પણ ચૂંટણી લડી હતી અને ફક્ત 4 બેઠકો જીતી હતી.

આ વખતે લોકસભા-2019 ચૂંટણીમાં એનસીપી અને કોંગ્રસ વચ્ચે ગઠબંધન થવાની ચર્ચા પુરજોશમાં ચાલી રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ મહારાષ્ટ્રની કુલ 48 લોકસભા બેઠકોમાંથી કોંગ્રેસ 26 જ્યારે એનસીપી 22 બેઠકો પર તેના ઉમેદવારો ઉભા રાખશે. જો કે હજુ સુધી આ બાબતની સત્તાવાર જાહેરાત થઇ નથી.