લોકસભા ચૂંટણી / શું અમેઠીમાં સપા-બસપાના પરોક્ષ સપોર્ટથી રાહુલ ગાંધી પારિવારિક ગઢ બચાવી શકશે?

Divyabhaskar | Updated - Apr 15, 2019, 02:04 PM
Lok sabha election 2019: Congress get walkover in Amethi Seat?
X
Lok sabha election 2019: Congress get walkover in Amethi Seat?

  • આ વખતે સપા-બસપાએ અમેઠીમાં એક પણ ઉમેદવાર ઉતાર્યો નથી
  • અત્યાર સુધી થયેલી 15 માંથી 13 ચૂંટણીમાં કોંગ્રેસે અમેઠીથી જીત નોંધાવી


નવી દિલ્હીઃ ઉત્તરપ્રદેશની અમેઠી લોકસભા સીટ ગાંધી પરિવારનો મજબૂત ગઢ ગણાય છે. પહેલા સંજય ગાંધી અને તેમના નિધન બાદ રાજીવ ગાંધીએ લોકસભા બેઠકમાં અમેઠીથી શરૂઆત કરી હતી. તો બીજી તરફ સોનિયા ગાંધી પણ આ બેઠક પરથી ચૂંટણી લડીને લોકસભામાં પહોંચ્યા હતા. વર્ષ 2004માં કોંગ્રેસરાહુલ ગાંધીને અમેઠીથી મેદાનમાં ઉતાર્યા હતા, જ્યાં તેમને જીત મળી હતી. ત્યારબાદ ફરી 2009 અને 2014માં પણ તેઓ અહીંથી સાંસદ રહ્યા હતા. જેનાથી અંદાજ લગાવી શકાય છે કે અમેઠીમાં કોંગ્રેસ કેટલો મજબૂત છે. જો કે સત્તાધારી પક્ષ આ બેઠક પર વર્ચસ્વ જમાવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યો છે. 2014માં સ્મૃતિ ઈરાનીને અહીંથી હારનો સામનો કરવો પડ્યો હોવા છતા તેઓ આ વિસ્તારમાં ઘણી સક્રિય છે. જેના ભાગરૂપે સ્મૃતિના ઉમેદવારી ફોર્મ વખતે મોટી સંખ્યામાં લોકોની ભીડ ઉમટી હતી. જેનાથી કોંગ્રેસની ચિંતામાં વધારો થયો છે. પરંતુ આ વખતે અમેઠીમાં સપા અને બસપાએ તેમના ઉમેદવારોને મેદાનમાં નથી ઉતાર્યા. જેનાથી કોંગ્રેસને એક પ્રકારે 'વોક ઓવર' મળી ગયું છે. 
 

સપા બસપાને કારણે કોંગ્રેસનું પલડું ભારે
1.સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજવાદી પાર્ટીએ આ વખતે કોંગ્રેસને પરોક્ષ રીતે સમર્થન આપતા તેમનો એક પણ ઉમેદવાર અમેઠીમાં ઉતાર્યો નથી. આંકડાઓ પર નજર કરીએ તો અમેઠીમાં સપાની સરખામણીમાં બસપા ઘણી મજબૂત જોવા મળી રહી છે અને ગત ચૂંટણીથી તે અહીંથી ઉમેદવારો ઉતારી રહી છે. 2014માં અમેઠીથી બસપાના ઉમેદવારને 50 હજાર વોટ મળ્યા હતા. જ્યારે 2009 અને 2004માં એક લાખથી વધારે મત મળ્યા હતા. સપાએ છેલ્લી વખત 1999માં આ બેઠક પરથી તેમના ઉમેદવારને ઉતાર્યા હતા જ્યાં તેમને માત્ર 16 હજાર જ વોટ મળ્યા હતા.
સપા-બસપાના મતદાતા કોંગ્રેસને જીતાડી શકે છે
2.કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વર્ષ 2004ના લોકસભા ચૂંટણીમાં અમેઠીમાં આશરે 2.90 લાખ વોટથી જીત નોઁધાવી હતી. જ્યારે 2009માં જીતનું અંતર આશરે 3.70 લાખ હતું. પરંતુ 2014ની ચૂંટણીમાં જીતનું અંતર ઘટીને 1.07 લાખે આવી ગયું હતું. રાહુલ ગાંધીને જ્યાં 408,651 વોટ મળ્યા હતા, જ્યારે ભાજપની ઉમેદવાર સ્મૃતિ ઈરાનીને તેમને 300,748 વોટ મેળવીને મજબૂત ટક્કર આપી હતી. ગત વખતના આંકડાઓ જ બતાવી દે છે કે આ વખતની ચૂંટણી રાહુલ માટે એટલી સરળ નથી. પરંતુ કોંગ્રેસ માટે સારી બાબત એ છે કે આ વખતે સપા અને બસપાના ઉમેદવાર ન હોવાથી કોંગ્રેસ માટે ચૂંટણી સરળ બનશે. તમામ આંકડાઓ પર નજર કરવામાં આવે તો સપા અને બસપા મળીને અમેઠીમાંથી એકથી દોઢ લાખ મતદાતાઓને આવરી રહી છે અને આ વખત બન્ને પાર્ટીઓ કોંગ્રેસની પડખે ઊભી છે. જો સપા-બસપાના પરંપરાગત મતદાતાઓમાંથી 50 ટકા મતદારો પણ જો કોંગ્રેસના પક્ષમાં મતદાન કરશે તો કોંગ્રેસ જીતવાથી કોઈ રોકી શકશે નહી.
15માંથી 13 વખત કોંગ્રેસ પક્ષે જીત નોંધાવી છે
3.અત્યાર સુધી થયેલી 15 માંથી 13 ચૂંટણીમાં કોંગ્રેસે અમેઠીથી જીત નોંધાવી છે. અમેઠીમાં પહેલી વખત 1967માં ચૂંટણી યોજાઈ હતી, તે સમયે કોંગ્રેસ પક્ષમાંથી વિદ્યાધર વાજપાઈ ઉમેદવાર હતા. 1967 અને 1971માં પણ તેમને જીત નોંધાવી હતી. ઈમરજન્સી બાદ 1977માં થયેલી ચૂંટણીમાં જનતા પાર્ટીના રવિન્દ્ર પ્રતાપ સિંહે આ બેઠક પર કબ્જો કર્યો હતો. પરંતુ 1980માં ઈન્દિરા ગાંધીના પુત્ર સંજય ગાંધી અમેઠીથી ચૂંટણી લડ્યા હતા. અને તેમના નિધન બાદ તેમના ભાઈ રાજીવ ગાંધીને પેટાચૂંટણી લડાવવામાં આવી અને તેઓ 1991માં તેમના નિધન સુધી 4 વખત આ બેઠક પરથી સાંસદ રહ્યા હતા. રાજીવ ગાંધીના નિધન બાદ ગાંધી પરિવારના અંગત ગણાતા સતીશ શર્મા આ બેઠક પરથી બે વખત ચૂંટણી જીત્યા હતા. પરંતુ 1998માં ભાજપના સંજય સિંહે આ બેઠક પર કબ્જો કર્યો હતો. જો કે તેઓ પણ લાંબા સમય સુધી ટકી શક્યા ન હતા. ત્યારબાદ સોનિયા ગાંધી આ બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા અને જીત હાંસિલ કરી હતી. વર્ષ 2004માં રાજીવ અને સોનિયાના પુત્ર રાહુલ ગાંધીને અમેઠી બેઠક પરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા, અને ત્યારથી તેઓ સતત આ બેઠક પરથી જીતી રહ્યા છે. 
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App