તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મતદાનના 2 દિવસ પહેલા દંતેવાડામાં નક્સલી હુમલો, આઈડી બ્લાસ્ટમાં ભાજપ ધારાસભ્યનું મોત, 5 જવાન શહીદ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  •  લોકસભા ચૂંટણી પહેલા તબક્કામાં 11 એપ્રિલે બસ્તર લોકસભા વિસ્તારના દંતેવાડામાં મતદાન
  •  હુમલો શ્યામગિરી પાસે ભાજપ ધારાસભ્ય ભીમા મંડાવીના કાફલા પર થયો, નક્સલીઓએ બ્લાસ્ટ બાદ ફાયરિંગ પણ કર્યું   

દંતેવાડાઃ છત્તીસગઢના નક્સલ પ્રભાવિત દંતેવાડા જિલ્લામાં લોકસભા ચૂંટણીના મતદાનથી બે દિવસ પહેલાં નક્સલોએ આઈઈડી બ્લાસ્ટ કરીને ભાજપ ધારાસભ્યની કારને નિશાન બનાવી હતી. આ હુમલામાં ભાજપ નેતા ભીમા મંડાવીનું મોત થયું હતું અને ચાર સુરક્ષાકર્મી પણ શહીદ થયા હતા. 

બસ્તરમાં ભાજપના એકમાત્ર ધારાસભ્ય ભીમા મંડાવી ચૂંટણીપ્રચારના છેલ્લા દિવસે બચેલીમાં સભા કરીને શ્યામગિરીના રસ્તે નકુલનાર પાછા ફરી રહ્યા હતા. નકુલનારથી ત્રણ કિ.મી. દૂર બપોરે ચાર વાગ્યે નક્સલોએ હુમલો કર્યો હતો. આ શક્તિશાળી વિસ્ફોટમાં બુલેટપ્રૂફ સ્કોર્પિયો કારના ફૂરચેફૂરચા ઊડી ગયા હતા અને ઘટના સ્થળે સાત ફૂટ ઊંડો ખાડો પણ પડી ગયો હતો. આ વિસ્ફોટ પછી નક્સલોએ ફાયરિંગ પણ કર્યું હતું.

આ ઘટના પછી મોટા પાયે સુરક્ષાદળોને રવાના કરાયા હતા.: દંતેવાડા બસ્તર લોકસભા વિસ્તારમાં આવે છે. અહીં પહેલા તબક્કામાં 11મી એપ્રિલે મતદાન થવાનું છે. ભાજપ તરફથી ધર્મલાલ કૌશિકે ચૂંટણીપંચ સમક્ષ મતદાન રદ કરવાની માગ કરી છે. આ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે ચૂંટણી પ્રવાસ રદ કરીને સીએમ હાઉસમાં ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી. તેમાં ડીજીપી અને ડીજી (નક્સલ) પણ હાજર હતા. 

બસ્તરમાં ભાજપના એકમાત્ર ધારાસભ્ય હતા મંડાવી: બસ્તર લોકસભા બેઠક અંતર્ગત આવનારી 12 વિધાનસભા બેઠકમાં ભીમા મંડાવી એકમાત્ર ભાજપ ધારાસભ્ય હતા. તેઓ દંતેવાડાથી જીત્યા હતા. મંડાવી પહેલીવાર 2008માં કોંગ્રેસના કદાવર નેતા મહેન્દ્ર કર્માને હરાવીને ધારાસભ્ય બન્યા હતા. 2013માં તેઓ ચૂંટણી હારી ગયા હતા, પરંતુ ગયા વર્ષે નવેમ્બરમાં ફરી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. 

છ વર્ષ પહેલાં નક્સલોએ 29 કોંગી નેતાની હત્યા કરી હતી: છ વર્ષ પહેલાં છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી પહેલાં 25મી મે, 2013ના રોજ નક્સલોએ પરિવર્તન યાત્રા પર હુમલો કરી 29 નેતાની હત્યા કરી હતી.

આ જ રસ્તે એક પોલીસ સહિત પાંચ જવાન શહીદ થયા હતા: પાંચ વર્ષ પહેલાં 28 ફેબ્રુઆરી,2014ના રોજ આ જ રસ્તે નક્સલોના હુમલામાં કુઆકોંડા ટીઆઈ વિવેક શુકલા સહિત પાંચ જવાન શહીદ થયા હતા.

જમ્મુ-કાશ્મીરમાં RSSના નેતા અને પીએસઓની હત્યા:  જમ્મુ કાશ્મીરના કિશ્તવાડમાં મંગળવારે એક આતંકીએ હોસ્પિટલમાં ગોળીબાર કરીને આરએસએસના નેતા ચંદ્રકાંત શર્મા અને તેમના સુરક્ષાકર્મીની હત્યા કરી હતી. આ ઘટના પછી લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. વહીવટીતંત્રએ સાવચેતીના પગલારૂપે કિશ્તવાડ, ડોડા અને ભદ્રવાહ જિલ્લામાં કરફ્યુ લાદી દીધો છે. આ ઉપરાંત આર્મીને પણ એલર્ટ કરાયું છે. ઇન્ટરનેટ સેવા પણ બંધ કરાઈ છે.  

મળતી માહિતી મુજબ જિલ્લા હોસ્પિટલમાં મેડીકલ આસિસ્ટન્ટના પદ પર ફરજ બજાવતાં ચંદ્રકાંત શર્મા તેમના ખાનગી સુરક્ષા કર્મચારી રાજેન્દ્ર સાથે હોસ્પિટલ ગયા હતા. લગભગ બપોરે 12.30 વાગે બુરખા પહેરેલા એક આતંકીએ હોસ્પિટલમાં ઘૂસીને ચંદ્રકાંત પર ફાયરિંગ કર્યું હતું. રાજેન્દ્રનું ઘટના સ્થળે જ મોત થયું હતું જ્યારે ગંભીર રીતે ઘાયલ ચંદ્રકાંતને હેલિકોપ્ટર દ્વારા જમ્મુ હોસ્પિટલમાં લવાયા પરંતુ તે દરમિયાન તેમનું મોત થયું હતું.

ગોળીબાર સમયે થયેલી અફડાતફડીના પગલે હુમલાખોર રાજેન્દ્રનું હથિયાર લઈને ભાગી ગયો હતો. આ ઘટના પછી લોકોએ હોસ્પિટલમાં તોડફોડ કરી હતી. પોલીસ, વહીવટીતંત્ર અને પાકિસ્તાન વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કરાયા હતા.