નવી દિલ્હીઃ મિઝોરમના ઈતિહાસમાં પહેલી વખત મહિલા ઉમેદવાર લાલથલામૌની લોકસભાની ચૂંટણી લડવા જઈ રહી છે. તેમણે કહ્યું છે કે, આ પગલુ મે ભગવાનના ઈશારા પર ભર્યું છે. તે મિઝોરમમાં એનજીઓ દ્વારા યહુદી સમુદાયના લોકોના કલ્યાણ માટેનું કાર્ય કરે છે. તો બીજી બાજુ નિઝામાબાદ બેઠક પર આ વખતે 185 ઉમેદવારો મેદાનમાં છે. જેમાંથી 175 ઉમેદવારો મૂળરૂપથી ખેડૂતો છે. આ બેઠક મુખ્યમંત્રી કે.ચંદ્રશેખર રાવની દિકરી કવિતાની છે.
સરકાર પ્રત્યે નારાજગીના કારણે મોટી સંખ્યામાં ખેડૂતોએ આ બેઠક પરથી દાવેદારી કરી છે જેનાથી તેમની સમસ્યાઓ તરફ લોકોનું ધ્યાન ખેંચી શકાય. ઉમેદવારોની આવડી મોટી સંખ્યાએ ચૂંટણી પંચને પડકાર આપ્યો છે કારણ કે ઈવીએમમાં ફક્ત 64 નામોનો સમાવેશ કરી શકાય તેમ છે. એવામાં ચૂંટણી બેલેટ પેપર દ્વારા કરાવવમાં આવશે,જેથી પંચે આવનારા દસ દિવસોમાં 15 લાખ જમ્બો સાઈઝ બેલેટ પેપર પ્રિન્ટ કરાવવા પડશે.
મિઝોરામના ઈતિહાસમાં પહેલી વખત એક મહિલા ઉમેદવાર લોકસભા ચૂંટણી લડવા જઈ રહી છે. આ ચૂંટણીમાં લાલથલામૌનીનો મુકાબલો પાંચ પુરુષ ઉમેદવારો સાથે હશે. જો કે હાલ અહીંના સાંસદ કોંગ્રેસના 83 વર્ષીય સીએલ રૌલા છે, જે બે વખત જીતી ચુક્યા છે. ગત વર્ષે મિઝોરમની વિધાનસભા ચૂંટણીમાં 15 મહિલા ઉમેદવારો ઉતરી હતી. લાલથલામૌની પણ તેમાથી એક છે, જેને ચૂંટણીમાં ફક્ત 69 મત જ મળ્યા હતા.
63 વર્ષીય લાલથલામૌનીએ કહ્યું, મેં આ પગલુ ભગવાનના ઈશારા પર ભર્યું છે. મારો પડકાર મિઝોરમની મહિલાઓ માટે પણ છે. અમારી પાસે કોઈ પણ રાજકીય પ્રતિનિધિત્વ નથી. અમે દુનિયા સામે અમારી ઓળખાણ લઈને વાત કરીએ છીએ.
નિઝામાબાદનું પ્રતિનિધિત્વ તેલંગાણાના રાષ્ટ્ર સમિતિના કે. કવિતા કરી રહ્યા છે. જે મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવની દીકરી છે. અહીં 185 ઉમેદવારોમાંથી 175 હળદર ખેડૂતો છે. જેઓ સરકારના વલણથી ખૂબ નારાજ છે. તેનું કારણ છેલ્લા એક દશકાથી હળદરના ભાવ ઘટવાનું છે. ખેડૂતોનું કહેવું છે કે, સરકાર આ વિશે કોઈ પગલાં નથી લઈ રહી.
મુખ્ય ચૂંટણી અધિકારી રજત કુમારે જણાવ્યું કે, ઈવીએમમાં માત્ર 64 નામ સામેલ કરી શકાય છે. તેમાં નોટાનો વિકલ્પ સામેલ છે. તેથી આ સંજોગોમાં અમારી પાસે બેલેટ પેપરથી ચૂંટણી કરાવવા સિવાય અન્ય કોઈ વિકલ્પ નથી.
અધિકારીએ કહ્યું કે, અમે આગામી દસ દિવસમાં 15 લાખ જમ્બો સાઈઝ બેલેટ પેપર પ્રિન્ટ કરાવવાની સાથે હજારો બેલેટ પેપર બોક્સની વ્યવસ્થા કરીશું. બેલેટ પેપર્સ માટે અમારે ઘણાં પ્રિન્ટર્સ સાથે વાતચીત પણ ચાલી રહી છે. અન્ય રાજ્યો પાસેથી પણ બેલેટ બોક્સની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. અમારે દરેક સ્વતંત્ર ઉમેદવારોને ચૂંટણી ચિન્હ પણ આપવાનું છે. જેમાં ઘણો સમય લાગશે.
1996 પછી પ્રથમ વખત આ રાજ્યમાં થતી ચૂંટણીમાં બેલેટ પેપરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. નિઝામાબાદથી 245 ઉમેદવાર પત્ર દાખલ કરવામાં આવ્યા છે. જેમાં ટીઆરએસ, કોંગ્રેસ, ભાજપ અને ડાબેરીઓ સીવાય અન્ય ખેડૂત ઉમેદવારો સામેલ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.