• Home
  • National News
  • Desh
  • Indian soldiers receive new American Maid 'SIG716' assault rifle, replacing indigenous 'Insas' rifles

ડિફેન્સ / ભારતીય સૈનિકોને મળી નવી અમેરિકન મેઈડ ‘SIG716’ એસોલ્ટ રાઈફલ, સ્વદેશી ‘ઈન્સાસ’ રાઈફલ્સનું સ્થાન લેશે

Indian soldiers receive new American Maid 'SIG716' assault rifle, replacing indigenous 'Insas' rifles

  • આ નવી SIG716 રાઈફલ્સ કાશ્મીરમાં ત્રાસવાદીઓ સામે લડતા સૈનિકોને અપાશે
  • ભારતે રૂ. 700 કરોડમાં 72,400 રાઈફલ્સનો ઓર્ડર આપ્યો છે 
  • 10 હજાર રાઈફલ્સનો પહેલો જથ્થો ભારત આવી પહોંચ્યો છે
  • કુલ ઓર્ડરમાંથી 66 હજાર રાઈફલ્સ ઈન્ડિયન આર્મીને, 2 હજાર ઈન્ડિયન નેવીને અને 4 હજાર ઈન્ડિયન એરફોર્સને મળશે

Divyabhaskar.com

Dec 12, 2019, 01:42 PM IST

નવી દિલ્હીઃ કાશ્મીર ખીણમાં અને લાઈન ઓફ કંટ્રોલ (LoC) પર લડતા ભારતીય સૈનિકોને જબરદસ્ત મદદ મળે તેવું લેટેસ્ટ અને પાવરફુલ હથિયાર હવે તેમની પાસે પહોંચી ગયું છે. ભારતીય સૈન્ય માટે ખરીદવામાં આવેલી ‘SIG716’ એસોલ્ટ રાઈફલ્સનો 10 હજાર યુનિટનો પહેલો જથ્થો ભારત આવી પહોંચ્યો છે. બીજી 10 હજાર રાઈફલ્સ પણ ટૂંક સમયમાં અમેરિકાથી ભારત આવી પહોંચશે. આ રાઈફલ્સ અમેરિકાની હથિયારો બનાવતી કંપની ‘Sig Sauer’ (સિગ સાવર)એ પોતાને ત્યાંની ફેક્ટરીમાં બનાવી છે. ભારતના રક્ષા મંત્રાલયે અગાઉ અમેરિકાની આ સિગ સાવર કંપનીને 72,400 SIG716 એસોલ્ટ રાઈફલ્સ માટે 700 કરોડ રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો. આ નવી એસોલ્ટ રાઈફલ્સ અત્યારે ભારતીય સૈનિકો વાપરે છે તે સ્વદેશી બનાવટની ઈન્સાસ રાઈફલ્સની જગ્યા લેશે.

કોને કેટલી રાઈફલ્સ મળશે?
ભારતીય આર્મીએ સમાચાર સંસ્થા ANIને જણાવ્યા પ્રમાણે આ નવી એસોલ્ટ રાઈફલ્સ સૌથી પહેલાં ‘નોર્ધર્ન કમાન્ડ’ને પહોંચતી કરવામાં આવશે. નોર્ધર્ન કમાન્ડ કાશ્મીરમાં પાકિસ્તાની તથા PoK (પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર)માંથી આવતા ત્રાસવાદીઓ સામે લડે છે. આ નવી રાઈફલ્સ તેમને એન્ટિ ટેરરિઝમ ઓપરેશન્સમાં ભારે મદદરૂપ થશે. ‘ફાસ્ટ ટ્રેક પ્રોક્યોરમેન્ટ’ એટલે કે ઝડપી ડિલિવરીની શરતે (ફેબ્રુઆરી, 2019માં કોન્ટ્રાક્ટ થયા પછી એક વર્ષની અંદર જ) ભારત આવી રહેલી આ નવી રાઈફલ્સમાંથી મોટાભાગનો જથ્થો ભારતીય આર્મીને ફાળે જશે. તેમને 66,200 SIG716 રાઈફલ્સ મળશે. જ્યારે બાકીની રાઈફલ્સમાંથી 2,000 ઈન્ડિયન નેવીને અને 4,000 ઈન્ડિયન એરફોર્સને ફાળે જશે. ચાઈનીઝ સરહદે ફરજ બજાવતા ભારતીય આર્મીના સૈનિકોને પણ આ નવી SIG716 રાઈફલો આપવામાં આવશે.

સ્વદેશી છોડીને વિદેશી રાઈફલોની જરૂર શા માટે પડી?
અત્યારે ભારતીય આર્મી સ્વદેશી બનાવટની INSAS (ઈન્ડિયન સ્મોલ આર્મ્સ સિસ્ટમ)ની સ્ટાન્ડર્ડ 5.56X45 mmની કારતૂસ છોડતી રાફલ્સ વાપરે છે, જે ટેરરિસ્ટ ઓપરેશન્સ અને આધુનિક ટેક્નોલોજીનાં આગમન પછી આઉટડેટેડ થઈ ચૂકી છે. કારગિલ યુદ્ધ વખતે ઈન્સાસ રાઈફલ્સમાં બેરલ ઓવરહીટિંગ, ઓઈલ લીકેજ, મેગેઝિનમાં ક્રેક પડી જવા જેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. અલબત્ત, ઈન્સાસની પાછળની આવૃત્તિઓમાં આ પ્રશ્નો સુધારી લેવામાં આવેલા, પરંતુ આર્મીએ વિદેશી બનાવટની રાઈફલોનો આગ્રહ પકડી રાખેલો. 2017માં ઈન્સાસની ઈશાપોર, પશ્ચિમ બંગાળમાં આવેલી ફેક્ટરીએ તૈયાર કરેલી એસોલ્ટ રાઈફલ્સ ફાયરિંગ ટેસ્ટમાં નિષ્ફળ પુરવાર થઈ હતી અને ઈન્ડિયન આર્મીએ તેને સદંતર નકારી કાઢેલી. એ પછી ગ્લોબલ માર્કેટમાં ભારતીય આર્મીની જરૂરિયાતોને પહોંચી વળે તેવી એસોલ્ટ રાઈફલ્સની શોધ શરૂ થઈ.

નવી SIG716માં કઈ ખૂબીઓ છે?
ઘણી બધી. અગાઉની ઈન્સાસ રાઈફલ્સની સરખામણીએ આ નવી મેઈડ ઈન અમેરિકા SIG716 એસોલ્ટ રાઈફલ્સ 7.62X51 mmની કારતૂસ વાપરે છે. રાઈફલમાંથી વછૂટ્યા બાદ આ કારતૂસ 800 મીટર કરતાં પણ વધારે દૂર રહેલા હ્યુમન સાઈઝ ટાર્ગેટને આબાદ વીંધી શકે છે. દળદાર હોવાને લીધે તે પવનમાં દિશા બદલીને નિશાન ચૂકતી નથી. વધુમાં કોન્ક્રિટ, મેટલ કે લાઈટ બોડી આર્મર (હળવાં બખ્તર)ને પણ વીંધી શકે છે. આની સામે ઈન્સાસની સ્ટાન્ડર્ડ રાઈફલની રેન્જ માત્ર 400 મીટર જ હતી.

4.3 કિલોગ્રામ વજન ધરાવતી SIG716 એસોલ્ટ રાઈફલનું 16 ઈંચ લાંબું બેરલ (નાળચું) એકદમ સખત કાર્બન સ્ટીલનું બનેલું છે. તેની ગ્રિપ અને 20 રાઉન્ડ કારતૂસો માટેનું મેગેઝિન પોલિમરનું બનેલું છે. આ એસોલ્ટ રાઈફલ્સને નાઈટ વિઝન, થર્મલ ડિવાઈસીસ, હોલોગ્રાફિક, રેડ ડોટ (ટાર્ગેટને લાલ ટપકા તરીકે બતાવતું નોન મેગ્નિફાઈંગ ઓપ્ટિકલ ડિવાઈસ) જેવી આધુનિક ઓપ્ટિકલ એક્સેસરીઝ સાથે આસાનીથી જોડી શકાય છે. આ રાઈફલ્સને TANGO6 જેવા રાઈફલસ્કોપ જોડીને ‘ડેઝિગ્નેટેડ માર્ક્સમેન રાઈફલ’ (લગભગ સ્નાઈપર જેવી કામગીરી) તરીકે પણ વાપરી શકાય છે. આ રાઈફલને ડાબોડી અને જમોણી સૈનિક પણ આસાનીથી ઓપરેટ કરી શકે તે રીતે બનાવાઈ છે.

ભારતીય આર્મીએ SIG716નું અલગ અલગ પરિસ્થિતિઓમાં સઘન ટેસ્ટિંગ અને ઈવેલ્યુએશન કર્યા પછી અને તમામ જરૂરિયાતો-અપેક્ષાઓ પર ખરી ઊતરતાં તેના પર મંજૂરીની મહોર મારી હતી.

બીજાં કયાં હથિયારો આવી રહ્યાં છે?
આ જાન્યુઆરી, 2019માં ભારતીય આર્મીએ 5,719 સ્નાઈપર (બહુ લાંબા અંતર સુધી ટાર્ગેટ વીંધી શકે તેવી) રાઈફલ્સ ખરીદવા માટેનું ગ્લોબલ ટેન્ડર બહાર પાડ્યું હતું. અલગ અલગ ગ્લોબલ વેન્ડર્સ પાસેથી આ સ્નાઈપર રાઈફલો પણ ભારતીય આર્મીમાં સામેલ થઈ રહી છે, જે સોવિયેત યુગની ‘દ્રાગુનોવ SVD’ સ્નાઈપર રાઈફલ્સની જગ્યા લઈ રહી છે. આવી રહેલી નવી સ્નાઈપર રાઈફલ્સમાં ઈટાલિયન કંપની ‘બેરેતા’એ બનાવેલી ‘.338 Lapua Magnum Scorpio TGT’ અને અમેરિકન ફાયરઆર્મ્સ કંપની ‘બૅરેત’ (Barrett) દ્વારા નિર્મિત ‘.50 કેલિબર M95’નો સમાવેશ થાય છે. આ બંને રાઈફલ્સ અનુક્રમે 1500 મીટર અને 1800 મીટરના અંતરેથી બોડી આર્મર વીંધીને પણ દુશ્મનને ઠાર કરી શકે છે. 30થી વધુ દેશોની આર્મી આ સ્નાઈપર રાઈફલ્સ વાપરે છે. અફઘાનિસ્તાન અને ઈરાક વૉરમાં પણ આ સ્નાઈપર રાઈફલ્સ વપરાઈ ચૂકી છે અને લાંબા અંતરેથી નિશાન વીંધવાના રેકોર્ડ પણ ધરાવે છે.

આ ઉપરાંત ભારતીય પેરા સ્પેશિયલ ફોર્સીસ માટે ફિનલેન્ડની બનાવટની ‘સાકો TRG’સિરીઝની સ્નાઈપર રાઈફલ્સ પણ ખરીદવામાં આવી રહી છે. જોકે તેની એક્ઝેક્ટ સંખ્યા અને મોડેલ વિશે માહિતી મળી શકી નથી.

પ્લસ, ભારતીય આર્મીએ પોતાના ગ્લોબલ વેન્ડર્સ પાસેથી સ્નાઈપર રાઈફલ્સ માટે 21 લાખ રાઉન્ડ કારતૂસોનો ઓર્ડર કરેલો, જેનો સપ્લાય મળવો શરૂ થઈ ગયો છે.

વધુમાં ભારતે રશિયા સાથે મળીને 7.50 લાખ ‘AK 203’ એસોલ્ટ રાઈફલ્સ બનાવવાનો પણ કરાર કર્યો છે. તેનું ઉત્પાદન ઉત્તર પ્રદેશના અમેઠીમાં આવેલી ફેક્ટરીમાં કરવામાં આવી રહ્યું છે. આ નવી રાઈફલ્સ કાલાશનિકોવ સિરીઝની રાઈફલ્સનો આધુનિક અવતાર હશે.

X
Indian soldiers receive new American Maid 'SIG716' assault rifle, replacing indigenous 'Insas' rifles
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી