મુંબઈ / કેરટેકરમાંથી લૂંટારુ બનવા ગયેલા આરોપીને 2 ગુજરાતી વેપારીએ પકડી પાડ્યો

Divyabhaskar.com

May 16, 2019, 10:40 AM IST
ફાઈલ તસવીર
ફાઈલ તસવીર

  • ગાંધીભાઈઓને ડરાવવા માટે રમકડાની પિસ્તોલ લઈને આરોપી આવ્યો હતો

મુંબઈ:બાંગુરનગર પોલીસે મલાડમાં આવેલા ચાવડા કમર્શિયલ સેન્ટરના બિઝનેસમેન ભાઈઓને લૂંટવાનો પ્રયાસ કરનારા 46 વર્ષના કૅરટેકરની ધરપકડ કરી હતી.માસ્ક પહેરીને લૂંટ ચલાવવા આવેલો લૂંટારો આ જ બિલ્ડિંગનો કૅરટેકર હોવાનું બાદમાં જાણવા મળ્યું હતું. બન્ને ગુજરાતી ભાઈઓએ હિંમત દાખવીને લૂંટારાનો સામનો કર્યો હતો અને પોલીસને હવાલે કર્યો હતો.

બંને ગુજરાતી ભાઈઓ હિંમત દાખવી લૂંટારૂઓનો સામનો કર્યો
50 વર્ષના સમીર ગાંધી અને તેના ભાઈ કાર્તિક ગાંધી મલાડ (પૂર્વ)માં આવેલા ચાવડા સેન્ટરમાં પોતાની ઑટોમેશન પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની ચલાવે છે. તેઓ દરરોજ સવારે 8 વાગ્યે ઑફિસ આવે અને રાતના 8 વાગ્યે ઘરે જવા માટે નીકળે છે. સમીર ગાંધીએ જણાવ્યું કે, અમે બન્ને ભાઈઓ જ્યારે ઑફિસથી નીકળીને દાદરા ઊતરી રહ્યા હતા. ત્યારે અમારો કોઈ પીછો કરી રહ્યો હોવાની અમને જાણ થઈ હતી. અમે બન્ને પાછળ ફર્યા ત્યારે માસ્ક પહેરેલો અને હાથમાં ગન લઈને એક શખસ ઊભો હતો.સમીરે વધુમાં જણાવ્યું હતું કે ‘જેબ મેં જીતના ભી પૈસા હૈ વહ ચૂપચાપ નીકાલો, નહીં તો માર ડાલૂંગા એવું તે ચિલ્લાઈને બોલ્યો હતો. અમે બન્ને એકદમ જ દિગ્મૂઢ થઈ ગયા હતા અને શું કરવું એની અમને ગતાગમ નહોતી.’ સમીર ગાંધીએ હિંમત દાખવી હતી અને લૂંટારાની ગનને પકડી લીધી હતી. ગન હાથમાં પકડવા જતાં એનો આગળનો ભાગ બટકી ગયો હતો. રમકડાની પિસ્તોલથી લૂંટારો ડરાવી રહ્યો હોવાની જાણ થતાં જ બન્ને ભાઈઓએ તેને પકડવાની કોશિશ કરી હતી. જોકે લૂંટારો બન્ને ભાઈના હાથમાંથી છટકીને સામેની લૉબીમાં ભાગી ગયો હતો.

પોલીસ આરોપીની ધરપકડ કરી તપાસ હાથ ધરી
બન્ને ભાઈઓની બૂમાબૂમ સાંભળીને બિલ્ડિંગના અન્ય લોકોએ દોટ મૂકી હતી અને આખરે માસ્ક પહેરેલા લૂંટારાને પકડી પાડ્યો હતો. માસ્ક ખોલતાં જ તમામ લોકોને આંચકો લાગ્યો હતો કે લૂંટારો બીજો કોઈ નહીં, પણ બિલ્ડિંગમાં છેલ્લાં 15 વર્ષથી કેરટેકરનું કામ કરતો વીરેન્દ્ર કુમાર શર્મા હતો. શર્માને પકડીને બાંગુરનગર પોલીસને હવાલે કરવામાં આવ્યો હતો. બાંગુરનગર પોલીસે શર્માની ભારતીય દંડ સંહિતાની 393ની કલમ હેઠળ ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

પૈસાની જરૂરિયાતને કારણે પગલું ભર્યું
શર્માએ પોલીસને જમાવ્યું હતું કે તેને પૈસાની ખૂબ જરૂર હોવાથી આ પગલુ ભર્યું છે. શર્માએ પૈસા શાને માટે જોઈતા હતા એ વાતનો ફોડ નથી પાડ્યો. ગાંધી બ્રધર્સના હાથમાં બૅગ હતી અને એમાં પૈસા હશે એવું માનીને શર્માએ લૂંટવાનો પ્રયાસ કર્યો હતો.

X
ફાઈલ તસવીરફાઈલ તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી