મુંબઈ / બાઈક સાથે અથડાયેલી કાર ડિવાઈડર કૂદીને બીજી કાર સાથે ટકરાઈ, બે ગુજરાતી સહિત 6નાં મોત

ત્રિપલ અકસ્માત સર્જાયો
ત્રિપલ અકસ્માત સર્જાયો

  • ગુજરાતી પરિવાર સુરતમાં પૂજા પતાવીને પરત ફરી રહ્યો હતો
  • મનોરના સૂર્યા પ્રકલ્પના જુનિયર એન્જિનિયરનું પણ મોત

Divyabhaskar.com

May 11, 2019, 12:00 PM IST

મુંબઈ:મુંબઈ- અમદાવાદ હાઈવે પર પાલઘર પાસે કાસા પોલીસ સ્ટેશનની હદમાં આંબોલી નાકા પાસે શુક્રવારે સાંજે બે કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર માર્ગ અકસ્માત થયો હતો.જેમાં પોલો કારમાં પ્રવાસ કરતા કાંદિવલીના બે ગુજરાતી વરિષ્ઠ નાગરિકોનાં મૃત્યુ થયાં હતાં, જ્યારે એક 22 વર્ષીય યુવતી ઘાયલ થઈ હતી. તેમ જ મનોરમાં ચાલતા સૂર્યા પ્રકલ્પના સ્વિફ્ટ કારમાં પ્રવાસ કરતા એક જુનિયર એન્જિનિયરનો પણ સમાવેશ થાય છે.

ગુજરાતી યુવતી સહિત 2 ગંભીર રીતે ઘાયલ
ગુજરાતી પરિવાર સુરતમાં પૂજાપાઠ માટે ગયો હતો અને મુંબઈ પરત આવતો હતો. ત્યારે હાઈવે પર અચાનક વચ્ચે આવી ચઢેલી બાઈકને બચાવવા જતાં તેમની પોલો કાર સૌપ્રથમ બાઈકને ટકરાઈ હતી. જે પછી ડિવાઈડર કુદાવી ગઈ હતી અને સામેથી આવતી સ્વિફ્ટ કારને અથડાઈ હતી, જેમાં કુલ છ જણનાં મૃત્યુ થયાં હતાં, જ્યારે ગુજરાતી યુવતી સહિત બે જણ ગંભીર રીતે ઘાયલ થયાં છે.

પાલઘર નજીક ટ્રિપલ અકસ્માત સર્જાયો
શુક્રવારે સાંજે 4.30 વાગ્યાના સુમારે મુંબઈ- અમદાવાદ હાઈવે પર કાસા પોલીસ સ્ટેશનની હદમાં આંબોલીનાકા પાસે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. મૃતકોમાં સુરતથી મુંબઈ આવતા કાંદિવલીના રહેવાસી પ્રતિભા પરિમલ શાહ (70), રાકેશ પ્રવીણલાલ શાહ (60) અને તેમના બોરીવલીમાં રહેતા ડ્રાઈવર આકાશ નારાયણ ચવ્હાણ (35)નો સમાવેશ થતો હતો. ઉપરાંત પનવેલમાં રહેતા અને ગુજરાત બાજુ મનોરમાં સૂર્યા પ્રકલ્પ ખાતે જઈ રહેલા જુનિયર એન્જિનિયર ભાગવત દગડુ જાધવ (55), દિલીપ મધુકર ચાંદણે (25) અને બાઈક પર પાછળ બેઠેલો નવનાથ રમાકાંત નવલે (25)નાં મોત થયાં હતાં, જ્યારે બાઈક સવાર નરેશ નારાયણ સુપે (23) ઘાયલ થયો છે. ઘાયલમાં કાંદિવલીની જિંદલ હિરેન શાહ (22)નો પણ સમાવેશ થાય છે.

બાઈકચાલકને બચાવવા જતા ડ્રાઈવરે કાબૂ ગુમાવ્યો
ઘટનાસ્થળ નજીક પેટ્રોલપંપ છે, જ્યાં વાહનચાલકો પેટ્રોલ ભરાવવા માટે પહોંચી શકે તે થોડું દૂર ડિવાઈડરનો ભાગ તોડી નાખવામાં આવ્યો છે. આમાંથી જ બાઈક સવાર નીકળતો હતો. ત્યારે અકસ્માત સર્જાયો હતો. કાંદિવલીનો ગુજરાતી પરિવાર સુરતથી પૂજાપાઠ આટોપીને MH 15 FF 2310 પોલો કારમાં મુંબઈ આવતો હતો. ત્યારે અચાનક બાઈક સામેથી આવી હતી. તેને બચાવવા જતાં ડ્રાઈવરે વાહન પરનું નિયંત્રણ ગુમાવી દીધું હતું, જેથી તે બાઈકને ટકરાઈ હતી અને ડિવાઈડર પર ચઢીને સામે નીકળી ગઈ હતી, જે સમયે સામેથી આવતી MH 48 P 9676 સ્વિફ્ટ કારને સામે ભટકાઈ હતી. ત્રણેય વાહનો ચકનાચૂર થઈ ગયાં હતાં.

X
ત્રિપલ અકસ્માત સર્જાયોત્રિપલ અકસ્માત સર્જાયો
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી