મુલુંડમાં કચ્છી યુવાને અગમ્ય કારણોસર 15માં માળેથી કુદકો મારી આપઘાત કર્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
15માં માળેથી મોતની છલાંગ લગાવી - Divya Bhaskar
15માં માળેથી મોતની છલાંગ લગાવી
  • 45 વર્ષનાં યુવાનને શેરબજારમાં ભારે નુકસાન થયું હતું

મુંબઈ:શેરબજારનાં કામકાજ સાથે સંકળાયેલા 45 વર્ષના પરિણીત કચ્છી લુહાણા જ્ઞાતિના મનીષ ઠક્કરે મુલુંડ- વેસ્ટમાં વૈશાલી નગર પાસે એક બહુમાળી ઈમારતના 15માં માળની ટેરેસ પરથી કૂદકો મારીને આત્મહત્યા કરી લીધી છે. પોલીસના જણાવ્યા અનુસાર કલ્પનગરીની સામે ધૈવત ટાવરના છઠ્ઠા માળે મનીષ ઠક્કર પત્ની પૂર્ણા અને બે બાળકો સાથે રહેતો હતો. તેના વાલી સામેની કલ્પનગરી ઈમારતમાં રહેતા હતા. મનીષ ઠક્કરે શુક્રવાર સાંજે 5:40 વાગ્યાની આસપાસ જયાં તે રહેતા હતો એ ઈમારતની અગાશી પરથી અગમ્ય કારણોસર ભૂસકો મારીને આત્મહત્યા કરી લીધી હતી. તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રાજાવાડી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

મનીષ છેલ્લા 6 મહિનાથી ડિપ્રેશનમાં હતો- મૃતકના પત્ની
આત્મહત્યા કરવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નહોતું. જોકે મનીષ છેલ્લા 6 મહિનાથી ડિપ્રેશનમાં હતો અને તેથી કુંટુબીઓ તેને એકલો પડવા દેતા નહોતા, એમ તેની પત્ની પૂર્ણાએ જણાવ્યું હોવાનું પોલીસે જણાવ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર મનીષ ઠક્કરની ઓફિસ ધૈવત ટાવરમાં નીચેના ભાગે આવેલી છે. શુક્રવારે બપોરે 3.30 વાગ્યે ઘરે આવ્યો હતો અને પછી તેના બેડરૂમમાંથી અચાનક સાંજે બહાર જવા માટે નીકળીને ચોકીદાર પાસેથી ટેરેસની ચાવી લઈને ઉપર પહોંચીને ઈમારત પરથી કુદકો માર્યો હતો. મનીષ ઠક્કરને છેલ્લા અમુક મહિનાથી શેરબજારમાં ભારે આર્થિક નુકસાન થયું હતું.