મહારાષ્ટ્ર-હરિયાણામાં 4 ચૂંટણીમાં એમની જ સરકાર, જે સામાન્ય ચૂંટણીમાં જીત્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દેવેન્દ્ર ફડણવીસ - ફાઇલ તસવીર - Divya Bhaskar
દેવેન્દ્ર ફડણવીસ - ફાઇલ તસવીર
  • છેલ્લાં 20 વર્ષથી મહારાષ્ટ્ર-હરિયાણામાં વિધાનસભા ચૂંટણી સામાન્ય ચૂંટણીના પાંચ-છ મહિના પછી થાય છે, પરિણામો સામાન્ય ચૂંટણી જેવા જ આવે છે
  • મહારાષ્ટ્રમાં 4માંથી 3 ચૂંટણીમાં ખરાખરીનો જંગ, હરિયાણામાં તમામ ચૂંટણી એકતરફી રહી

મુંબઈ/ચંદીગઢઃ ચૂંટણી પંચે શનિવારે મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરી. આ બંને રાજ્યમાં છેલ્લા 20 વર્ષથી એ જ વર્ષે વિધાનસભા ચૂંટણી થાય છે, જે વર્ષે લોકસભા ચૂંટણી યોજાઈ હોય. લોકસભાની ચૂંટણીના પાંચ-છ મહિના પછી વિધાનસભા ચૂંટણી થાય છે. આ રીતે બંને રાજ્યમાં વીસ વર્ષમાં ચાર ચૂંટણી થઈ છે. આ બંને રાજ્યના ચૂંટણી ટ્રેન્ડનું વિશ્લેષણ કરતા માલુમ પડે છે કે, અહીં વિધાનસભા ચૂંટણીમાં એ જ પક્ષ જીતે છે, જેણે સામાન્ય ચૂંટણીમાં સારું પ્રદર્શન કર્યું હોય. જોકે, મહારાષ્ટ્રમાં ચારમાંથી ત્રણ વિધાનસભા ચૂંટણીમાં ખરાખરીનો જંગ છે. 

મહારાષ્ટ્ર: દર વખતે એનડીએ, યુપીએ ગઠબંધનમાં લડાઈ
20 વર્ષ પહેલા: મત કોંગ્રેસ અને એનસીપીને વધુ મળ્યા, બેઠક ભાજપ અને શિવસેનાને મળી
20 વર્ષ પહેલા મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેનાનું ગઠબંધન વિપક્ષમાં હતું. કોંગ્રેસ અને એનસીપીએ સરકાર બનાવી હતી. 1999મી સામાન્ય ચૂંટણીમાં ભાજપને 21.2% મત અને 12 બેઠક, શિવસેનાને 16.9% મત અને 10 બેઠક, એનસીપીને 29.7% અને 75 બેઠક મળી હતી. બાદમાં વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને 27.2% મત અને 75 બેઠક, એનસીપીને 22.6% મત અને 58 બેઠક, શિવસેનાને 17.3% મત અને 69 બેઠક તેમજ ભાજપને 14.5% મત અને 56 બેઠક મળી હતી. 

હાલની સ્થિતિ: 20 વર્ષમાં ભાજપના મત 6.6% વધી ગયા, કોંગ્રેસના મત 13% ઓછા થયા
મત શેરની વાત કરીએ તો 2019માં ભાજપને 27.8% મત અને કોંગ્રેસને 16.5% મત મળ્યા. શિવસેનાને 23.71% અને એનસીપીને 15.49% મત મળ્યા, જ્યારે ભાજપને 21 અને શિવસેનાને 18 બેઠક મળી. કોંગ્રેસ અને એનસીપી ગઠબંધનને આશરે 9 બેઠક મળી. 20 વર્ષમાં ભાજપનો રાજ્યમાં મત શેર 6.6% અને શિવસેનાનો 7% વધ્યો છે, જ્યારે કોંગ્રેસનો 13% અને એનસીપીનો 6% સુધી ઓછો થયો છે. 

હરિયાણા: ભાજપ 2014માં પહેલીવાર ડબલ ડિજિટમાં
20 વર્ષ પહેલા: ચાર ચૂંટણીમાં ત્રણ પક્ષ પાસે સત્તા હતી, સૌથી વધુ બે વાર કોંગ્રેસ સરકાર પાસે રહ

હરિયાણામાં 20 વર્ષમાં ઈન્ડિયન નેશનલ લોકદળ (ઈનેલો), કોંગ્રેસ અને ભાજપની સરકાર રહી છે. આ વખતે સ્થિતિ બદલાયેલી નજરે પડે છે. ઈનેલો પારિવારિક ઝઘડામાં ફસાઈ છે. ચોટાલા પરિવાર બે પક્ષમાં વહેંચાઈ ગયો છે. જ્યારે કોંગ્રેસનું સુકાન ફરી એકવાર ભૂપિન્દર સિંહ હુડ્ડા પાસે છે. 2014ની ચૂંટણીમાં પહેલીવાર ભાજપ રાજ્યમાં ડબલ ડિજિટનો આકંડો પાર કરી શક્યો હતો. 2000થી 2009 વચ્ચે ભાજપ રાજ્યમાં બેથી છ બેઠક સુધી સીમિત રહ્યો. 2014માં તેને 90માંથી 47 બેઠક મળી હતી. 

હાલની સ્થિતિ: 20 વર્ષમાં ભાજપના મત 25% વધી ગયા જ્યારે કોંગ્રેસના 6% સુધી ઘટી ગયા
આ સામાન્ય ચૂંટણીમાં ભાજપે હરિયાણાની તમામ 10 બેઠક જીતી લીધી હતી. ભાજપને 59.79% મત મળ્યા, જ્યારે કોંગ્રેસને 28.87% મત મળ્યા, પરંતુ તેને એક પણ બેઠક ના મળી. 1999માં કોંગ્રેસને 34.9% અને ભાજપને 29.2% મળ્યા હતા. જોકે, એ સામાન્ય ચૂંટણીમાં મતના મામલામાં કોંગ્રેસ ભલે આગળ રહી, પરંતુ તેને એક પણ બેઠક ના મળી, જ્યારે ભાજપને પાંચ બેઠક મળી હતી. 

ભાજપ: મહારાષ્ટ્રમાં ટિકિટની વ્યૂહનીતિ, હરિયાણાનો વિઝન દસ્તાવેજ તૈયાર
મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભા ચૂંટણીની જાહેરાત પહેલા જ ભાજપે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. બંને રાજ્યમાં ભાજપે રથયાત્રા યોજીને માહોલ ઊભો કરવાનો પ્રયાસ કર્યા છે. તેમની બૂથ, સભ્યપદ, પાના પ્રમુખ, વિઝન દસ્તાવેજ અને ઉમેદવારોના મામલામાં તૈયારી જડબેસલાક છે. મહારાષ્ટ્ર-હરિયાણામાં સંગઠનાત્મક તૈયારીની રીતે પ્રદેશને છ ક્લસ્ટરમાં વહેંચીને અને બુથોને શક્તિ કેન્દ્ર બનાવીને કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડાએ સંબોધન પણ કર્યું. હરિયાણામાં 19441 બુથ પર પાના પ્રમુખ અને ટીમ તૈયારી થઈ ચૂકી છે, તો મહારાષ્ટ્રમાં નવ હજારથી વધુ બુથ પર 10-15 સમર્પિત કાર્યકરોની ટીમ બનાવાઈ છે. ભાજપે બંને રાજ્યમાં વિઝન દસ્તાવેજ માટે સમિતિ બનાવી હતી, જે અહેવાલ તૈયાર કરવાના અંતિમ તબક્કામાં છે. 

કોંગ્રેસ: હરિયાણામાં 17 દિવસ પહેલા બનેલી ટીમ તૈયાર, મહારાષ્ટ્રમાં હજુ નેતાનું સંકટ
મહારાષ્ટ્ર અને હરિયાણામાં ચૂટંણી પહેલા કોંગ્રેસના રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરના નેતૃત્વમાં બદલાવ થયો છે. મહારાષ્ટ્રમાં આ વર્ષે જુલાઈમાં બાલાસાહેબ થોર્રાટને કમાન સોંપાઈ, જ્યારે હરિયાણામાં 17 દિવસ પહેલા જ પૂર્વ ભૂપિન્દર સિંહ હુડ્ડા અને શૈલજાએ નવી ટીમ બનાવી છે. પક્ષ ટિકિટ દાવેદારોની કતાર કોંગ્રેસના દિલ્હી દરબાર તરફ દેખાવા લાગી છે. પક્ષે તમામ ચૂંટણી સમિતિને અંતિમ રૂપ આપ્યું છે. કોંગ્રેસ હાલ ટિકિટો માટે આવેદન માંગી રહી છે. કોંગ્રેસની તમામ આશા હવે દલિત-જાટ સમીકરણ પર છે. જોકે, મહારાષ્ટ્રમાં કોંગ્રેસ હાલના દસકામાં ખરાબ દોરમાં દેખાઈ રહી છે. પરિણામે 288 બેઠકમાંથી ફક્ત 125 પર ચૂંટણી લડી રહી છે. કોંગ્રેસ પાસે ના તો ચૂંટણી લડે એવા મજબૂત ચહેરા છે, ના તો જમીન પર પક્ષનું ચૂંટણી અભિયાન છે.

શિવસેનાને ડે. સીએમ હોદ્દો આપી શકીએ, સીએમ નહીં: ફડણવીસ
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે શનિવારે કહ્યું કે, ભાજપ અને શિવસેના આગામી વિધાનસભા ચૂંટણી સાથે મળીને લડશે. બેઠકની વહેંચણીની વાત ચાલી રહી છે. એક-બે દિવસમાં તેની જાહેરાત કરાશે. શિવસેનાને ડેપ્યુટી ચીફ મિનિસ્ટર આપવામાં અમને કોઈ વાંધો નથી. જોકે, તેમણે મજાકિયા અંદાજમાં કહ્યું કે, મહારાષ્ટ્રનું મુખ્યમંત્રીપદ હું કોઈ બીજાને નથી આપવાનો. એનસીપીના વડા શરદ પવારના રાજકારણનો યુગ હવે ખતમ થઈ ગયો છે.