વાપીના ત્રણ જ્વેલર્સની દુકાન લૂંટવા નીકળેલો ગુનેગાર મુંબઈથી ઝડપાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • મલાડ, વીપી રોડ, ભાયખલા સહિત અનેક વિસ્તારમાં લેપટોપની ચોરીઓ કરી છે

મુંબઈ:શહેરમાં અનેક ઠેકાણે લેપટોપ ચોરી કરનારા 27 વર્ષીય સોનુ બનિયા કુમાર અને તેના સાગરીત સુનિલ રાજપૂતની પોલીસે ધરપકડ કરી છે. સોનુ વાપીમાં ત્રણ જ્વેલરીની દુકાન લૂંટવા માટે પલ્સર બાઈક લઈને નીકળ્યો ત્યારે ઝડપી લેવાયો છે. આરોપીએ વાપીમાં ત્રણ જ્વેલરીની દુકાનની રેકી પણ કરી રાખી હતી. આ સાથે પલ્સર બાઈક ભાડા પર લીધી હતી. તે પોતાના સાગરીત સાથે વાપીમાં જવા નીકળ્યો, પરંતુ અનેક ગુનામાં લાંબા સમયથી શોધતી પોલીસને આગોતરી જાણ થતાં તેને વાપીમાં જવા નીકળ્યો ત્યારે જ ઝડપી લેવાયો છે.

15 વર્ષની નાની ઉંમરથી તેણે ચોરીઓ કરવાનું શરૂ કર્યું
નોંધનીય છે કે થોડા દિવસ પૂર્વે શિવરીમાં એક કંપનીના વાહનના કાચ ફોડીને લેપટોપ, થિંકપેડ, આઈપોડ સહિતનો લાખ્ખોનો માલ ધરાવતી બેગ ચોરાઈ હતી. આ અંગે કંપનીના કર્મચારી જાવેદ મોનોદ્દીને ફરિયાદ નોંધાવી નોંધાવી હતી. આ પછી પોલીસે સીસીટીવીમાં વિડિયો ફૂટેજ તપાસ્યા હતા, જેમાં લોઅર પરેલમાં રહેતો સોનુ બનિયા કુમાર (27)ની ઓળખ સ્થાપિત થઈ હતી. તે સમયથી પોલીસ તેને શોધતી હતી. જોકે તેને તેના સાગરીત સુનિલ રાજપૂત સાથે ઝડપી લેવાયો ત્યારે તેણે વાપીમાં ઝવેરીની દુકાન લૂંટવા માટે નીકળ્યા હતા એવું જણાવ્યું હતું. આરોપીને માથે મુંબઈમાં મલાડ, વીપી રોડ, ભાયખલા, આઝાદ મેદાન, એમઆરએ માર્ગ, માણિકપુર, થાણે વર્તકનગર સહિતના વિસ્તારોમાંથી લેપટોપ ચોરી સહિત લૂંટફાટ મળીને 50થી વધુ કેસ નોંધાયેલા છે. તે અનાથ છે અને અનાથાલયમાં રહેતો હતો. 15 વર્ષની નાની ઉંમરથી તેણે ચોરીઓ કરવાનું શરૂ કર્યું હતું.

યુટ્યુબ પરથી ગુનાના પાઠ લેતો
આરોપી યુટ્યુબ પરથી ગુનાખોરીનો બોધ લેતો હતો. એક વખત એક કેસમાં તેને જેલ થયા પછી અન્ય ગુનેગારો સાથે હળીમળીને તેમની પાસેથી પણ ચોરીના બોધ લેતો હતો. પોલીસને થાપ આપવા માટે તે સિમ કાર્ડ અને પોતાનું સ્થળ સતત બદલતો રહેતો હતો, એમ ડીસીપી રશ્મિ કરંદીકરે જણાવ્યું હતું.