તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોતાની પનોતી દૂર કરવા માટે મિત્રની માસૂમ બાળકીને સાતમા માળેથી ફેંકી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • મોરોક્કોમાં રહેતો આરોપી તાંત્રિકની સલાહ પ્રમાણે બીજી જોડિયા બાળકીને પણ ફેંકવાનો હતો

મુંબઈ:કોલાબામાં બનેલી એક રૂવાંડાં ઊભાં કરી દેનારી ઘટનામાં વેપારીના મિત્રએ તેની ત્રણ વર્ષની બાળકીને સાતમાં માળે બારીમાંથી ફેંકીને મારી નાખી હતી. પોતાની પનોતી દૂર કરવા તાંત્રિકના કહેવાથી બીજી જોડિયા બાળકીને પણ મારી નાખવાનો હતો. બાળકોને રમાડવા છે એવી મિત્રએ વિનંતી કરતાં વેપારીએ તેના ત્રણ સંતાનને મિત્રના ઘરે મોકલ્યાં અને ઘાત થયો હતો. આ ઘટના પછી કોલાબા રેડિયો ક્લબની પાછળ એ- અશોકા એપાર્ટમેન્ટના સાતમા માળે 7/1માં રહેતા અનિલ વિશુ ચુગાની (43)એ જાતે જ પોલીસને બોલાવીને ગુનો કબૂલ કર્યો હતો.

તાંત્રિકે અનિલને જોડિયા બાળકની બલિ આપવાનું કહ્યું હતું
અનિલની પત્ની પિયરમાં રહે છે અને તે નિ:સંતાન છે, જ્યારે તેનાં માતા- પિતા મોરોક્કોમાં રહે છે. અનિલ પણ 14-15 વર્ષ મોરોક્કોમાં રહેતો હતો. જોકે વચ્ચે વચ્ચે એક-બે મહિનાની રજા પર કોલાબાના ઘરે રહેવા માટે આવે છે. તેનો કોઈ કામધંધો નહોતો. પત્ની પણ પિયરમાં હતી. આથી પોતાના માથા પરની પનોતી દૂર કરવા માટે કોઈક તાંત્રિકે તેને જોડિયા બાળકની બલિ આપવી પડશે એવું જણાવ્યું હતું. આવું કહેતાં મુંબઈમાં મિત્રને જોડિયા બાળકી છે એ યાદ આવ્યું હતું. આ મુજબ યોજના બનાવીને 6 મહિના માટે મોરોક્કોથી તે મુંબઈ આવી ગયો હતો.

માસૂમની હત્યા બાદ પોતે જ પોલીસને જાણ કરી
આ કેસનો ફરિયાદી પ્રેમ લાલ હાતીરામાણી (44) વેપારી છે અને અનિલની બાજુની બિલ્ડિંગમાં રહે છે. તેને એક જય નામે પુત્ર છે અને ત્રણ વર્ષની શ્રેયા અને શનાયા નામે જોડિયા પુત્રી છે. પ્રેમ અને અનિલ આમ તો બાળપણના મિત્રો છે. આથી અનિલ મુંબઈમાં આવે ત્યારે પ્રેમના ઘરે આવવા-જવાનું ચાલતું રહે છે. શનિવારે સાંજે 6.45 વાગ્યે અનિલની વિનંતી પર પ્રેમે તેના બાળકોને અનિલના ઘરે રમવા માટે મોકલ્યાં હતાં. પ્રેમે પોતાની નોકરાણી કાકુલી મંડલને પણ જોડે મોકલી હતી. સાંજે 7.30 વાગ્યે અનિલે શનાયાને નીચે ફેંકી દીધી હતી. જોકે બીજી બાળકી નોકરાણી પાસે જતી રહી હોવાથી તેને તે ફેંકી શક્યો નહોતો. આ પછી ડરના માર્યા તેણે બેડરૂમનો દરવાજો બંધ કરી દીધો હતો અને પોલીસને જાણ કરી હતી.