મુંબઈ / CST સ્ટેશન નજીક ફૂટઓવર બ્રિજ તૂટતા 6ના મોત, મૃતકમાં 3 મહિલાનો પણ સમાવેશ

Two people died after foot over bridge collapsed near the CST station

  • 36 ઘાયલ, પાંચ ગંભીર, અનેક વાહનોને નુકસાન
  • મૃતકના પરિવારજનોને 5 લાખ, ઘાયલોને 50 હજાર રૂપિયાની સહાય
  • 445 પુલના ઓડિટ છતાં સર્જાયેલી કરુણાંતિકા

Divyabhaskar.com

Mar 15, 2019, 04:21 AM IST

મુંબઈઃ મુંબઈમાં વધુ એક પુલ દુર્ઘટના સર્જાઈ છે. ગુરુવારે સાંજે લગભગ 7:30 વાગ્યે સીએસટી ખાતેના હિમાલયા ફૂટપુલની નીચેનો કોન્ક્રિટનો આખો ભાગ તૂટી પડ્યો હતો, જેમાં ત્રણ મહિલા અપૂર્વા પ્રભુ (35), રંજના તાંબે (40), સારિકા કુલકર્ણી (35) અને ઝાહિદ સિરાજ (32) તથા તપેન્દ્રસિંહ (35) અને એક અન્ય વ્યક્તિ સહિત 6નાં મૃત્યુ થયાં હતાં, જ્યારે 36 જણ ઘાયલ થયા હતા, જેમાંથી અનેકની હાલત ગંભીર છે.ઘાયલોમાં ઘાટકોપરના કપડાના વેપારી દિલીપભાઈ પરીખ (65)નો પણ સમાવેશ થાય છે. બે મહિલા નજીકની જીટી હોસ્પિટલની કર્મચારી હતી, જે ફરજ પૂરી કરીને ઘેર જતી હતી. મૃતકો અને ઈજાગ્રસ્તોમાંથી મોટા ભાગના પુલ ક્રોસ કરતા હતા ત્યારે પુલ તૂટી પડવાથી નીચે પડતાં ગંભીર ઈજા પહોંચી હતી.

આ પુલ આમ તો લોખંડનો છે પરંતુ તેનો સ્લેબ કોન્ક્રીટનો હતો: અંધેરી પુલ દુર્ઘટના પછી મુંબઈના બધા પુલોનું ઓડિટ કરવામાં આવ્યું ત્યારે આ પ્રવાસીઓ અને રાહદારીઓથી સતત ધમધમતા વિસ્તારમાં આ પુલને કેમ આવરી લેવાયો નહોતો એવો પ્રશ્ન હવે ઉપસ્થિત થયો છે, જે પ્રશાસનની ઘોર બેદરકારી દર્શાવે છે. આ પુલ એક અખબારી કાર્યાલયની ઈમારત નજીક બીટી લેનને સીએસટી પ્લેટફોર્મ નં. 1ના ઉત્તર છેડાને જોડે છે. આ પુલ આમ તો લોખંડનો છે પરંતુ તેનો સ્લેબ કોન્ક્રીટનો હતો, જે કમજોર થઈ ગયો હતો.

એક નગરસેવિકાએ જણાવ્યું હતું કે આ પુલ 150 વર્ષ જૂનો છે અને શહેરના પુલોનું ઓડિટ થતું હતું ત્યારે આ પુલ અંગે પણ પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો, પરંતુ પ્રશાસને ધ્યાનમાં લીધું નહીં અને જાનમાલને હાનિ પહોંચી છે. આ ઘટનાને નજરે જોનાર પત્રકાર જિતેન્દ્ર દીક્ષિતે જણાવ્યું હતું કે હું રોજ સાંજે આ પુલ પરથી સીએસટી સ્ટેશને જાઉં છું. તે મુજબ ગુરુવારે હું અને મારો મિત્ર પ્રેસ ક્લબમાંથી નીકળીને પુલ પર ચઢતા હતા ત્યાં જ પુલની નીચેનો સિમેન્ટનો આખો ભાગ તૂટી પડ્યો હતો. તે સમયે 100થી વધુ લોકો પુલ પર હતા.

કોન્ક્રીટનો ભાગ તૂટી પડ્યો ત્યારે નીચેથી પસાર થતાં અનેક વાહનો પર પડીને નુકસાન થયું હતું. અનેક લોકો ઘાયલ થયા હતા. અન્ય એક સાક્ષીદારે જણાવ્યું હતું કે સવારે જ આ પુલનું સમારકામ કરવામાં આવ્યું હતું. આમ છતાં રાહદારીઓ માટે ખુલ્લો રાખવામાં આવ્યો હતો

પુલની નીચે ટ્રાફિક સિગ્નલ હતું અને તે બંધ હોવાથી વધુ જાનહાનિ ટળી: આ દુર્ઘટના બની ત્યારે નજીકનું સિગ્નલ લાલ હોવાથી વાહનો થોભ્યાં હતાં, જેને લીધે પણ મોટી જાનહાનિ ટળી હોવાનું ઘટનાસ્થળે હાજર ટેક્સીવાળાએ જણાવ્યું હતું. તેની ટેક્સીની છત પર થોડો તૂટેલો ભાગ પડ્યો હતો, પરંતુ તે બચી ગયો હતો, એમ તેણે જણાવ્યું હતું.

આ બ્રિજ કસાબ બ્રિજ તરીકે ઓળખાય છે: 26/11ના આતંકી હુમલા સમયે કસાબ સહિતના આતંકવાદીઓ આ બ્રિજ પરથી પસાર થયા હતા. ત્યારથી લોકબોલીમાં આ બ્રિજને કસાબ બ્રિજ તરીકે ઓળખવામાં આવે છે. આ બ્રિજ એક અખબારની કચેરી તરફના વિસ્તારને જોડે છે. કસાબે આ બ્રિજ પરથી પસાર થઈ સીએસટીના પાછળના ગેટ પરથી સ્ટેશન પર ઘૂસી અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો.

આ પુલનું ઓડિટ નહોતું થયું: ગયા વર્ષે જુલાઈમાં 40 વર્ષ જૂના અંધેરી ગોખલે પુલ દુર્ઘટના પછી મુંબઈના બધા પુલોનું ઓડિટ કરાયું હતું, જેમાં 445 પુલોનું ઓડિટ કરવામાં આવ્યું હતું. જોકે સીએસટીના આ પુલનું ઓડિટ કેમ નહીં કરાયું એવો પ્રશ્ન ઊભો થયો છે. હાલમાં જ મહાપાલિકાએ મુંબઈમાં આઠ જર્જરિત પુલોનું તાકીદે સમારકામ કરાવવા માટે સ્થાયી સમિતિમાં રૂ. 91.15 લાખનો ખર્ચ મંજૂર કર્યો હતો. તેમાં પણ આ પુલનો સમાવેશ નથી.

X
Two people died after foot over bridge collapsed near the CST station
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી