મુંબઈ- ગુજરાતમાં લોકો સાથે ઓનલાઈન છેતરપીંડિ કરનારી ટોળકી ઝડપાઈ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • મીરા રોડ અને ગોરેગાવના આરોપીઓની ટોળકીમાં એક ગુજરાતીનો પણ સમાવેશ

મુંબઈ:કેન્સરની દવા બનાવવા માટેના ભારતમાં મળતા તેલના ધંધામાં જોડાઈને તગડી કમાણી કરવાને નામે મુંબઈ, ગુજરાત સહિત ઠેકઠેકાણે અનેક લોકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરનારી પાંચ જણની ટોળકીને ઝડપી લેવામાં આવી છે. આરોપીઓ મીરા રોડ અને ગોરેગાવના રહેવાસીઓ છે અને તેમાં ગોરેગાવના એક ગુજરાતીનો પણ સમાવેશ થાય છે.

ફરિયાદ નોંધાયા બાદ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો
આરોપીમાં ગોરેગાવ પૂર્વમાં પ્રવાસી ઈન્ડસ્ટ્રિયલ એસ્ટેટ, ભારત કમ્પાઉન્ડમાં રહેતા કૌશલ રાજુભાઈ માંડલિયા (23) અને મહંમદ બબ્બન મહંમદ સિપ્તેહસન શેખ (30) તેમ જ મીરા રોડમાં ડેલ્ફિયા બિલ્ડિંગ હબ ટાઉનમાં રહેતા મહંમદ સૈજાદ ઉર્ફે રિઝવી જુબેર સિદ્દિકી (41), હાટકેશ એપાર્ટમેન્ટમાં રહેતા ઈફ્તિકાર આફત અહમદ શેખ (30) અને મસકુર અહમદ ઉર્ફે કૈફી મતલુબ અહમદ સિદ્દીકી (38)નો સમાવેશ થાય છે. આમાં કૌશલ, મહંમદ સૈજાદ અને ઈફ્તિકાર વિવિધ બેન્કમાં જમા કરવામાં આવેલાં નાણાં કઢાવીને નાઈજીરિયનોને પહોંચાડતા હતા. આ કેસમાં મલાડ પૂર્વમાં પિંપરીપાડામાં રહેતા નિવૃત્તિ જીવન જીવતા જગજિતસિંહ મહેન્દ્રસિંહ ગરચા (73) દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવ્યા પછી આ કૌભાંડ પકડાયું હતું. આરોપીઓ કેટલાંય વર્ષોથી લોકોને ઠગતા હતા, પરંતુ પહેલી જ વાર ઝડપાયા છે.

રોઝમેરી ક્રિસ્ટન નામે મહિલા સાથે ફરિયાદીનો સંપર્ક થયો હતો
28 મેએ હાઈફાઈ મેસેન્જર એપ પર રોઝમેરી ક્રિસ્ટન નામે મહિલા સાથે ફરિયાદીનો સંપર્ક થયો હતો. મહિલાએ પોતે ડોક્ટર છે એવું ઓળખ આપી હતી. બંનેની ઓળખ થઈ હતી, જે પછી વ્હોટ્સએપ પર તેઓ ચેટ કરતાં હતાં. આ પછી મહિલાએ એવું કહ્યું કે પોતે ઈન્ગ્લેન્ડમાં રહે છે અને એક ફાર્માસ્યુટિકલ કંપનીમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે કામ કરે છે. અહીં કેન્સરની દવા પર ગુણકારી દવા તૈયાર કરવામાં આવે છે, જે માટે ઉપયોગ કરાતું ન્યૂ- રિઝોલ્યુશન- રિવોલ્યુશન પી5- પાવરફોર્સ નામે તેલ ભારતમાં જ મળે છે. આ તેલ ભારતમાં લિટર દીઠ 6000 ડોલરમાં મળે છે, જ્યારે અમારી કંપની આ તેલ પુરવઠો કરનારને લિટર દીઠ 27,000 ડોલર આપે છે.

છેતરપીંડિની જાણ થતાં ફરિયાદીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી
આવું કહીને મહિલાએ ફરિયાદીને આ ધંધામાં જોડાઈ જવા માટે મનાવી લીધો હતો. આ પછી એક દિવસ મહિલાએ પોતે એક કામ નિમિત્તે ગોવામાં આવી છે એમ કહીને એસ.જી. એન્ટરપ્રાઈઝીસ નામે બેન્ક ખાતામાં રૂ. 14.40 લાખ જમા કરવા જણાવ્યું હતું, જેના થકી તેલ મળી જશે, જે પછી અમારો માણસ આવીને નક્કી થયેલો ભાવ આપીને તેલ લઈ જશે એમ જણાવ્યું હતું. આ મુજબ ફરિયાદીએ રૂ. 14.40 લાખ એસ જી એન્ટરપ્રાઈઝીસના બેન્ક ખાતામાં જમા કરી દીધા હતા. જૂનમાં આ લેણદેણ થયા પછી મહિલા નોટ- રીચેબલ બની ગઈ હતી. પોતે ઠગાયો છે એવી જાણ થતાં જ ફરિયાદીએ મલાડના કુરાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

તમામ દસ્તાવજો સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો
સમગ્ર મામલે પોલીસે તાત્કાલિક તપાસ કરીને વિવિધ સ્થળે દરોડા પાડીને પાંચ જણની ધરપકડ કરી હતી. તેમની પાસેથી રૂ. 14.40 લાખની રોકડ, વિવિધ કંપનીના નામના 25 એટીએમ કાર્ડ, 9 મોબાઈલ ફોન, રૂ. 18 લાખની ટોયોટા ક્રેસ્ટો કાર, હોંડા એક્ટિવા, ડેઈલ કંપનીનું લેપટોપ, સેમસંગ કંપનીનું ટેબ તથા અન્ય વાંધાજનક દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા હતા. આરોપીઓ બેન્કમાં પૈસા જમા થતાં જ ઉપાડી લેતા અને કથિત ત્રણ જણ પછી પોતાનું કમિશન કાપીને રકમ નાઈજીરિયનો ઠગ ટોળકીને પહોંચાડતા હતા.

સમગ્ર મામલે પોલીસ તપાસ તેજ
આરોપીઓએ એસ જી એન્ટરપ્રાઈઝ, એસ એસ એન્ટરપ્રાઈઝ, નવયોગ એન્ટરપ્રાઈઝ, શર્મા એન્ટરપ્રાઈઝ, યાદવ એન્ટરપ્રાઈઝ નામે 7-8 બેન્કમાં ખાતાં ખોલાવી રાખ્યાં છે, જે બધાં સીલ કરવા બેન્કને અમે પત્ર લખ્યા છે. આ રીતે આરોપીઓ એક મહિનામાં સરેરાશ રૂ. 5-6 લાખની છેતરપિંડી કરતા હતા. પુણેમાં તેમણે એક વેપારીને રૂ. 49 લાખ અને નવી મુંબઈમાં રૂ. 12 લાખમાં ઠગ્યો છે. આ રીતે આરોપીઓએ ગુજરાતમાં પણ અનેકને ઠગ્યા છે, જે અંગે તપાસ ચાલી રહી છે. બેન્ક ખાતાં સુનીલ મિશ્રા, રોહન ગુપ્તા, યાદવ, શર્માને નામે ખોલી રાખવામાં આવ્યાં છે, જેની પણ તપાસ ચાલી રહી છે. આરોપીઓએ મુંબઈ સહિત મહારાષ્ટ્ર અને ગુજરાતમાં કરોડો રૂપિયાની ઠગાઈ કરી હોવાની શંકા છે, જેની તપાસ ચાલી રહી છે.