તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
જન્મ્યા હતા, 28 ઑગસ્ટ, 1898. સૌરાષ્ટ્રના ચોટીલામાં. અવસાન બોટાદમાં 9 માર્ચ, 1947. તેમની 125મા વર્ષની ઉજવણી માટે રાજ્ય સરકારે એક સમિતિ નિયુક્ત કરી છે. એ તો દેખીતી વાત છે કે મેઘાણી આજે પણ ગુજરાતી લોકોના દિલોદિમાગમાં છવાયેલા છે. પહેલા લોકમિલાપ, સાહિત્ય મિલાપ, ગ્રંથાગાર અને ગુજરાત સાહિત્ય અકાદમીએ તેમના લગભગ(ગણતરી કરીએ તો 75 તો ખરાં જ, પણ એવું ઘણું લખાણ હશે જે હજુ ગ્રંથસ્થ નથી થયું.) પુસ્તકો પ્રકાશિત કર્યાં છે, એકવાર નહીં અનેકવાર. બીજા પ્રકાશકો પણ કોપી રાઇટ પૂરો થવાથી છાપે છે. સામાન્ય અંદાજ કરીએ તો 16 લોકકથાઓના, 10 લોકગીતોના, 5 લોકસાહિત્ય વિવેચનનાં, લોકસાહિત્ય અને ઇતિહાસ માટે કરેલા પ્રવાસોના ચાર, નવ કાવ્યસંગ્રહો, 12 વાર્તાસંગ્રહો, 13 નવલકથાઓ, 4 નાટકો, 10 જીવનકથાઓ, 17 ઇતિહાસ અને સંપાદન… આ માણસે અંતિમ દિવસોમાં હાથની કંપારી હોવા છતાં લખતા રહેવાનું જીવનકર્મ નિભાવ્યું! મોટેભાગે મેઘાણી એટલે લોકસાહિત્યકાર અને લોકસાહિત્ય સંશોધક, એવું સ્થાપિત થઈ ગયું. એટ્લે આપના ગીતકારો ‘લાગ્યો કસુંબીનો રંગ’થી શરૂઆત કરે અને ‘મન મોર બની થનગાટ કરે...’ સુધી પહોંચે. તેમાં ‘કોઈનો લાડકવાયો’ અને ‘શિવાજીનું હાલરડું’ ઉમેરે. ચૌદ વરસની ચરણ કન્યા તો આવે જ આવે. એ સાચું કે મેઘાણીની સૌરાષ્ટ્ર ધરા પરની લોક સાંસ્કૃતિક સફરનો આ ગૌરવવંતો ઉપહાર છે જે સો વર્ષથી તો ગુંજતો ગરજતો આવ્યો છે અને હજુ જીવંત રહેશે. પણ મેઘાણી સમગ્રમાં બીજું ઘણું આવે છે. જો 125 વર્ષે ઝવેરચંદ કાલિદાસ મેઘાણીનાં શબ્દ, કર્મ, જીવન અને વિચારની પ્રતિબદ્ધતાની ઓળખ મેળવવી હોય તો વધુ સજ્જ થવું જોઈશે. લોક ડાયરા, કવિ સંમેલન, વ્યાખ્યાન, લેખન સ્પર્ધા, ગીત સ્પર્ધા એ બધું ભલે આયોજિત થાય પણ તેમના શબ્દ-કર્મમાં જે વિચારનો અગ્નિ હતો તેને ગુજરાત સમક્ષ પુન: એકવાર આકાર આપવામાં આવે કે તેને નિરંતર પ્રેરણાનું સ્થાન અને સ્મારક સ્થાપિત કરવામાં આવે તો જ આ ઉજવણીની સાર્થકતા છે. કેવું હોવું જોઈએ મેઘાણી સ્મારક? મેઘાણીનાં શબ્દજીવનનું જે અનેકરંગી આહ્વાન હતું તેનું સમગ્ર આકલન કરીને પ્રચલિત અને સંપૂર્ણ ડિજિટલ પ્રસ્તુતિ કરે તેવું ભવ્ય અને અસરકારક મ્યુઝિયમ એ તેનો સૌથી પ્રભાવી પરિણામ બની શકે. મેઘાણી લોકસાહિત્યકાર હતા, સંશોધક હતા, ભૂતકાળમાં દટાયેલો ઇતિહાસ તેમણે પ્રિય હતો, સાહિત્યમાં નવચેતના માટે વિવેચન કર્યું, પત્રકારત્વ તેમને માટે સરવાજનિક જીવનને વ્યક્ત કરવાનું માધ્યમ હતું. સમાજમાં સમગ્ર બદલાવની સંવેદના હતી, ગુલામ ભારતનો તેમને ડંખ હતો અને તેને માટે એક તરફ સરદાર ભગત સિંહ માટે ‘સપ્ત સિંધુને સમશાન’ રોપાયા ત્રણ રૂખડા હો જી..’ ગાયું અને બીજી તરફ ગાંધીજીની ગોળમેજી ઘટના માટે ‘છેલ્લો કટોરો’ પણ ગાયું. બરવાળા સત્યાગ્રહમાં તેમને બે વર્ષની સજા થઈ તો પિંજરામાં ઊભા રહી ‘હજારો વર્ષની અમારી વેદનાઓ, કલેજાં ચીરતી, કંપાવતી અમ ભય કથાઓ, મરેલાના રુદન ને જીવતાંનાં આંસુડાંઓ, સમર્પણ હો, સમર્પણ હો પ્રભુ પ્યારા તને ઓ!’ ગાઈને ન્યાયમૂર્તિને રડાવ્યા, જેલવાસ દરમિયાન ચંદ્રશેખર આઝાદના સાથી કેદી વૈશંપાયનનાં ગીત ‘હમ ભી ઘર રહ સકતે થે’ પરથી ‘અમારે ઘર હતાં, વહાલાં હતાં...’ ગીતનાં માધ્યમથી ક્રાંતિકારી શહીદોની વેદનાને વાચા આપી, તેમના દેશકાવ્યોનો ‘સિંધુડો’તો પ્રતિબંધનું ભાગ્ય પામ્યો, ગુજરાતને માટે તે પહેલવેલું ‘સેમિઝ્દાત’ (ભૂગર્ભ પત્રકારત્વ) હતું, (પછીથી તેવા ભૂગર્ભ સાહિત્ય અને પત્રકારત્વનો ઉપયોગ સોવિયેત રશિયામાં સામ્યવાદી શાસનને અને ભારતમાં 1975ના કટોકટી કાળને ઉખેડવા માટે થયો હતો!) કોઈનો લાડકવાયો એ સમબડી’ઝ ડાર્લિંગનો મુક્ત અનુવાદ છે, જાણે ભારતના સ્વાતંત્ર્ય યુગના યુવા શહીદનો જ સાક્ષાત્કાર કરાવે છે. મેઘાણીનું સાહિત્ય (નવલકથા, વાર્તા, નાટક) સામાન્ય પરિવારોનાં અસામાન્ય જીવન વલણ અને વહેણની છબી છે, લોકસાહિત્યમાં તેમણે, બ્રિટિશ અને રજવાડા દ્વારા વગોવાયેલા બહારવટિયાઓ, ભક્તિ અને શક્તિના ઉપાસકો, ખમીર અને ખાનદાનીનાં ઉદાહરણ જેવાં પાત્રો અને ઘટનાઓને પ્રસ્તુત કર્યા.ઓખાના વીર માણેકો, ક્નરા ડુંગર પરના મૈયા સત્યાગ્રહીઓ, ના છડ્યા હથિયારનાં શૂરા મુળૂ માણેક અને ફિલસૂફ જોધા માણેકને આલેખિત કર્યાં. સોરઠમાં જે અમર પ્રેમીઓ થયા તેની કહાણીમાં ઉમેરે છે કે ‘પ્રભુભક્તોનાં તીર્થસ્થાનો છે. પ્રેમભક્તોનાં યાત્રાધામો મુકરર થશે ત્યારે કેટલા બધા પ્રેમીજનોની કથાઓનો અહેસાસ થાય એવા આ સ્થાનો પીઆર સહેલાણીઓ ઊમટશે ...’ પ્રવાસન વિભાગે આ દિશામાં વિચારવા જેવું ખરું, જો યુવા પ્રવાસીઓને નજરમાં રાખે તો! તેમનું પત્રકારત્વ શબ્દને ચેતનામાં પરિવર્તિત કરવાનો હતો. રાણપુરમાં ‘સૌરાષ્ટ્ર’નું પ્રકાશન એ ગુજરાતી સાહિત્યની ઐતિહાસિક ઘટના છે. ત્યાં એવું પત્રકારત્વ સરજાયું કે અહેવાલ અને લેખો, તંત્રીલેખો અને મથાળાં, વાક્ય રચના અને કહેવત-પ્રયોગોમાં સાવ બદલાવ આવી ગયો. સામાન્ય નાગરિક પણ તે વાંચીને સમજતો, કૈંક મેળવતો. પંડિતાઈના પિંજરને છોડીને, છતાં સાહિત્યિક રીતે ઊણું ના હોય તેવું એ પત્રકારત્વ તત્કાલિન રાજકીય સ્થિતિ, સ્વાતંત્ર્ય જંગ, સાહિત્ય અને સમાજસુધાર માટેનું માધ્યમ બની રહ્યું. સાહિત્યિક પત્રકારત્વ એટ્લે શું એ સમજવા માટે મેઘાણીનાં કલમ અને કિતાબ કોલમનાં લેખોનાં બે ભાગ ‘પરિભ્રમણ’ દરેક સાહિત્યસેવી પત્રકારે વાંચી જવા. ગુજરાતી પત્રકારત્વનાં અભ્યાસક્ર્મોમાં ભલે બીજું ઘણું ભણાવાતું હોય પણ જ્યાં સુધી એક ‘સ્પિરિટ’ સુધી લઈ જતી પત્રકારિતા શીખવાડવામાં ના આવે તો સમાજ રચનાની જવાબદારી પત્રકારોમાં આવે નહીં એ સત્ય સ્વીકારવું પડે. આપણે ત્યાં મેઘાણી અને તેમના જેવા પત્રકારોની દીર્ઘ કલમ યાત્રા અને તેનું મહત્ત્વ યુવકોનાં ચિત્તમાં સ્થાપિત કરવાની જવાબદારી આ સંસ્થાઓની છે. સમિતિ ભલે અનેક કાર્યક્રમો ના કરે પણ મેઘાણીનાં લોકસાહિત્ય, સંશોધન, સમર્પિતતા:આટલું જ્યાં નવી યુવા પેઢીને પ્રાપ્ત થાય તેવું દૃશ્ય શ્રાવ્ય આધુનિક મ્યુઝિયમ સ્વરૂપે સ્મારક ઊભું કરે તો પણ એ મોટું ઐતિહાસિક અને નિર્ણાયક કામ ગણાશે. અન્યથા ઉજવણી અને સ્મારકોની કેવી દશા થાય છે તે કહેવાની જરૂર નથી. vpandya149@gmail.com
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.