તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડૂબકી:માવઠાની જેમ તારું આવવું

2 મહિનો પહેલાલેખક: વીનેશ અંતાણી
 • કૉપી લિંક
 • માવઠાની કોઇ ઋતુ નથી હોતી, એ ગમે ત્યારે આવે અને જલદી જતું રહે છે

થોડા દિવસ પહેલાં ગુજરાતમાં ઘણા સ્થળે માવઠું થવાના સમાચાર મળ્યા ત્યારથી ‘માવઠું’ શબ્દ મારી અંદર ઘૂમરાતો રહ્યો હતો. કચ્છમાં જન્મ્યો અને મોટો થયો એથી વરસાદપ્રેમી છું, છતાં માવઠું મારી અંદર વિચિત્ર વિષાદ જગાવે છે. ગુજરાતી ભાષાના જ્ઞાનકોશ ‘ભગવદ્્ગોમંડળ’માં ‘માવઠું’ શબ્દ સંસ્કૃતના ‘માઘવૃષ્ટિ’ શબ્દ પરથી આવ્યો હોવાનું જણાવ્યું છે. એનો અર્થ આપ્યો છે : ‘કમોસમનો વરસાદ; શિયાળામાં વરસાદ થવો તે; પોષ કે મહા મહિનાનો વરસાદ; કઋતુના વરસાદનું ઝાપટું.’ એનો શબ્દપ્રયોગ દર્શાવતી નરસિંહની કાવ્યપંક્તિ પણ એમાં મૂકી છે : ‘માનુષ દેહ તહારો, એમ એળે ગયો/માવઠાની જેમ વૃષ્ટિ વૂઠી.’ માવઠું ચોમાસાના વરસાદ જેવું ઉપકારક હોતું નથી. એનું વરસવું એળે જ જાય. પાકને નુકસાન કરે અને લોકો માંદા પડવાની શક્યતા વધે. હું ચંડીગઢમાં હતો ત્યારે ત્યાંના મિત્રોએ જણાવ્યું હતું કે શિયાળામાં વરસાદ પડે તો માંદગી જાય. હું સંમત થઈ શક્યો નહોતો, પણ અનુભવે કહેતા હશે એમ ધાર્યું હતું.

માવઠા સાથે અણધારાપણું સંકળાયેલું છે. ધાર્યું ન હોય અને શિયાળામાં વાદળાં ચડી આવે, વરસાદી વાતાવરણ બંધાય અને પાણી પડે. ઉનાળામાં ગરમીની અકળામણથી બચવા આપણે વરસાદની વાટ જોઈએ, પણ શિયાળો તો ઠંડીની મોસમ. કમોસમી વરસાદ વણનોતર્યા મહેમાન જેવો. એના આગમનની લગીરે અપેક્ષા ન હોય. છતાં બધાને ઊંઘતા ઝડપે. લોકોનું જીવન રફેદફે કરી જાય. માવઠા સાથે તકલીફનો ભાવ પણ જોડાયેલો છે. અનુપા મહેતાના અંગ્રેજી વાર્તાસંગ્રહનું નામ ‘અનસિઝનલ રેઈન’ છે. મેં એ વાર્તાસંગ્રહ વિશે ટૂંકી નોંધ વાંચી હતી. એ નોંધ પ્રમાણે એમાં સામાન્ય લોકોના જીવનમાં અભાવ-ઓછપ-તકલીફોની કમોસમી વરસાદ જેવી સ્થિતિની વાર્તા છે.

કમોસમી વરસાદી વાતાવરણ માણસની ઉદાસ, મૂંઝવણભરેલી, વિષાદમય મન:સ્થિતિ સાથે પણ જોડાયેલું છે. મારી નવલકથા ‘બીજે ક્યાંક’માં આધેડ પતિ-પત્ની સુધાકર અને અવનિ એમની વાડીમાં હોય છે ત્યારે એક સવારે માવઠું થાય છે. લાંબા અને સફળ લગ્નજીવન પછી અવનિને લાગે છે કે એમની વચ્ચે અજાણ્યું અંતર આવી ગયું છે. એને ઊંડેઊંડે વહેમ છે કે સુપ્રસિદ્ધ ચિત્રકાર સુધાકરના મનમાં એની એક શિષ્યા પ્રત્યે કોમળ ભાવ છે. એ કારણે અવનિ ઉદાસ રહે છે. કથામાં માવઠું અવનિની મન:સ્થિતિને વ્યક્ત કરવા ઉપયોગી થયું છે. બહારનું વાતાવરણ એની અંદર ગોરંભાયેલો વિષાદ ઘેરો બનાવે છે. એ વિચારે છે કે માણસ કેટલાં માવઠાં વેઠી શકે? પાનખરનો વરસાદ પણ માવઠું. ચીનની ક્રાંતિકારી સર્જક ચ્યૂ જિન પાનખરને આ શબ્દોમાં વ્યક્ત કરે છે : ‘પાનખરનો વરસાદ, પાનખરનો પવન, મને અપાર વેદના આપે છે.’ જર્મન ફિલોસોફર ફ્રેડરિક નીત્શે એ જ પ્રકારની લાગણી અલગ રીતે વ્યક્ત કરે છે : ‘પાનખર કુદરતે ઘડેલી ઋતુઓથી વિશેષ તો આપણા મન–આત્મા સાથે જોડાયેલી છે.’ વિષાદમાં લોકો આશાવાદી વલણ છોડતા નથી : ‘પાનખર પછી નવું જીવન શરૂ થાય છે.’

ઘણા સર્જકોએ, વિચારકોએ, માવઠાને અલગઅલગ રીતે અનુભવ્યું છે. વરસાદ આપણને અનેક સ્મૃતિમાં મૂકી દે છે. માવઠું થાય ત્યારે પણ જૂની સ્મૃતિઓ અચાનક જાગી ઊઠે. સ્મૃતિ અને માવઠું બંને ક્યારેક રાહતનો ભાવ જન્માવે, તો ક્યારેક અંદરથી ઝંઝોડી નાખે. કદાચ આકાશનું મન ભરાઈ આવતું હશે અને એને પણ ખબર પડે નહીં એમ એ માવઠારૂપે રડી લેતું હશે. બનતા-બગડતા સંબંધોની કથા નિરૂપતી ઓસ્ટ્રેલિયાની વેબ સીરિઝ ‘હોરાઇઝન’માં સંવાદ છે : ‘કમોસમી વરસાદ મનમાં હજારો સવાલ જન્માવે છે. મને થાય કે કાળાં વાદળ કેમ રડતાં હશે? કદાચ એનું કારણ વાદળાંની એકલતા હશે કે એ વાદળાં કોઈની સાથે જોડાયેલાં નથી એની પીડા હોય.’ માવઠું અણધાર્યું આવે અને લાંબું રોકાય નહીં. એનું અચાનક આવવું અને જલદી ચાલ્યા જવું સંવેદનશીલ લોકોને કવિતા તરફ ખેંચી જાય છે. દેવાશિષ પાલકરે ઓનલાઈન મૂકેલી કવિતાનો સારાંશ : ‘તું કાળાંડિબાંગ વાદળાં પર બેસી મારા સૂકાભઠ્ઠ જીવનમાં માવઠાની જેમ આવી. મારા હૃદયમાં બેઠેલા મોરને લાગ્યું કે ચોમાસું વહેલું બેસી ગયું છે અને એ બિચારો નાચવા લાગ્યો. તું આવી તેવી જ ચાલી ગઈ, પરંતુ મને ચોમાસાની વાટ જોતો એકલો છોડી ગઈ.’ vinesh_antani@hotmaill.com

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો