તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્ટોરી પોઈન્ટ:તું ડરપોક નહોતો યાર!

19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પત્નીને કેમ સમજાવું કે મુકેશના આપઘાતનું કારણ તેની દબાવેલી હિંમત છે. પોતાને જીવતો સળગાવી દેવા માટે હિંમત જોઈએ

હજુ રોક્કળ ચાલુ છે. મારે સાહેબને ફોન કરી દેવો પડશે. ‘સાહેબ મારા મિત્રનું સડનલી ડેથ થઈ ગયું છે. પ્લીઝ, આજે સી.એલ. ગણી લેજો.’ સાહેબ મશ્કરા છે. કહેશે, ‘મિસ્ટર, ડેથ સડનલી જ હોય.’ સાહેબને ક્યાંથી ખબર કે આ ખરેખર સડનલી છે. સાહેબથી પહેલાં મારી પત્નીએ મને પૂછ્યું હતું, ‘કારણ શું હતું?’ હું મુંઝાઈ ગયો છું. શું કારણ હશે? હું એની સ્મશાનયાત્રામાં જઈ આવ્યો. બધા વિખરાઈ ગયા, પણ ઉદાસી તો ત્યાંની ત્યાં જ છે. એનું ઘર મને અહીંથી દેખાય છે. લગભગ ત્રીસ વર્ષમાં મારી, મુકેશ, જયુ અને સુનિલ, અમારામાંથી કોઈની સ્થિતિ ઝાઝી બદલાઇ નથી. ન અમારાં મકાનોની બદલાઇ છે. એની એ દીવાલો, એની એ ખવાતી જતી બાઉન્ડ્રી. હા, ગુલમહોર અને કરંજનાં ચાર વૃક્ષ હવે ખાસ્સાં વધી ગયાં છે. જે અમે ચાર જણાએ ઊછેર્યાં છે. ચારમાંનો મુકેશ ગઈ સાંજે હંમેશને માટે ચાલ્યો ગયો. ફળિયામાં ઉદાસી છે. ચોથા મકાનમાંથી હજુ સ્ત્રીઓના કરુણ સ્વર આસપાસ વિખરાય છે. મુકેશના વૃદ્ધ બાપ ચકળવકળ જોયા કરે છે. આજુબાજુવાળા અમને ચંડાળ-ચોકડી કહેતાં. અમારા ચારેયના બાપા વિચારતા કે અમે કશું ઉકાળશું નહીં. વાર-તહેવારે ભેગાં થઈએે ત્યારે અમારા પિતાજીઓ અમારી નિષ્ફળતાની આગાહીઓ કરતા. છતાં અમારા ચારમાંથી સૌથી પહેલાં મુકેશે જ એના બાપની આગાહી ખોટી પાડી. એને તલાટીની નોકરી મળી. ઓર્ડર મળ્યો એ રાતે અમારી મંડળી ભરાઈ. જયુ બોલકો અને આક્રમક. એણે મુકેશ ઉપર શંકા કરી, ‘તલાટીમાં નોકરીમાં તારું કામ નહીં. તલાટીની નોકરી માટે તો છાતી જોઇએ. તારામાં હિંમતનો છાંટો નથી.’ જયુ સાચો હતો. અમારા ચારમાં મુકેશ બીકણ. એને અંધારાની બીક લાગે, એકલતાની બીક લાગે, વીજળીના થાંભલા પાસે ઊભા રહેતા ડરે. પૂછીએ તો કહે, ‘વાયર અચાનક તૂટે તો?’ પંક્ચરવાળાનું કમ્પ્રેસર ચાલુ હોય તો નજીક ન જાય. ચોમાસામાં વીજળીની બીક, કૂવામાં ન જુએ. અનેક ફોબિયાથી ભરેલો માણસ એટલે અમારો ભાઈબંધ મુકેશ, પણ નવાઈની વાત એ બની કે સૌથી પહેલી નોકરી એને મળી અને સૌથી પહેલા લગ્ન પણ એના થયા. મુકેશ મધુરજની માણે તે પહેલાં અમે ચારે હકલાની કેબિને પાન ખાવા ગયેલા. મને મશ્કરી સૂઝી. મેં કહેલું, ‘મુકેશ, ધ્યાન રાખજે. પહેલી રાતે કેટલીક છોકરીઓને શરીરમાં ચૂડેલ આવે.’ મુકેશ મારી સામે એકધારું જોઈ રહેલો. પછી અર્થસભર હસતા બોલ્યો હતો, ‘વાંધો નહીં. એકને બદલે બે સાથે લડવાનું થશે.’ સમય પસાર થતો રહ્યો. મુકેશ બે છોકરાનો બાપ બની ગયો. જયુ મુંબઈ ચાલ્યો ગયો. સુનિલ વાયરમેન થયો. મને પણ નોકરી મળી ગઈ. બધું બદલાયું, પણ મુકેશ એવો જ રહ્યો, બીકણ! ધીમે ધીમે અમારી પત્નીઓને ખબર પડી કે મુકેશ એની પત્નીથી બહુ ડરે છે. ક્યારેક અમે ભેગાં થઈએ અને અમારી પત્નીઓ સાથે હોય, ત્યારે મુકેશની ઘરવાળી રીતસર એનો વારો કાઢતી. અમને મુકેશની દયા આવતી અને ગુસ્સો પણ. હું ક્યારેક કહેતો, ‘મુકેશ, આટલું અપમાન થાય તોય લોહી તપતું નથી?’ મુકેશ મારી આંખોમાં જોયા કરતો. મારી પત્ની મુકેશના આપઘાતનું કારણ પૂછી રહી છે. મુકેશ પોતાને કઈ રીતે મારી શક્યો હશે? અરે! તેણે કમાડ બંધ કર્યા, પાંચ લિટર કેરોસીન શરીર ઉપર રેડ્યું, પોતે આખેઆખો સળગી ગયો, ત્યાં સુધી એક ચીસ ન પાડી. આટલી બધી હિંમત એનામાં આવી કઈ રીતે? અનેક જાતની બીક મનમાં લઇને ફરનાર પોતાને જીવતો સળગાવી કઈ રીતે શક્યો? વિચારું છું તો કમકમાં આવી જાય છે. ક્યારેક કોઈ તણખો શરીરને અડી જાય તો રાડ નીકળી જાય. મુકેશે પોતાને સળગાવીને કાળોભઠ્ઠ કરી નાખ્યો. મુકેશમાં આટલી હિંમત કયા કારણથી આવી? પત્નીને કેમ સમજાવું કે મુકેશના આપઘાતનું કારણ તેની અત્યાર સુધીની દબાવેલી હિંમત છે. પોતાને જીવતો સળગાવી દેવા માટે હિંમત જોઈએ, પણ હવે મુકેશને ક્યાં જઈને કહું કે,‘તું હિંમતવાળો હતો, પણ તારી હિંમત તને મારી નાખવા નહોતી યાર! તું કોઈ બીકથી જ મરી ગયો છો મને ખબર છે.’ ⬛mavji018@gmail.com

અન્ય સમાચારો પણ છે...