સોશિયલ નેટવર્ક:તું ગર્વથી ગર્જના કર કે ‘હું ભારતવાસી છું’

કિશોર મકવાણા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્વામી વિવેકાનંદનાં વ્યાખ્યાનોમાં, પત્રોમાં, તેમના વાર્તાલાપોમાં અભિનવ ભારતની સ્પષ્ટ છબિ ઊપસી આવે છે

સ્વાભિમાનશૂન્ય ભારત? કચડાયેલું ભારત? બિચારું-બાપડું ભારત? અંદરથી તૂટી રહેલું ભારત? સામાજિક રીતે માંદલું-દૂબળું ભારત? રાષ્ટ્ર કે ‘અડો નહીં-અડો નહીં’ આવી વિકૃતિવાળો ધર્મ જીવી શકે ખરો? ધર્મ-સંપ્રદાય-નાતજાતના વાડાઓમાં જકડાયેલું ભારત ટકી શકે ખરું? આવા સેંકડો પ્રશ્નો સ્વામી વિવેકાનંદને વિચલિત કરી મૂકતા. તેઓ રાતોની રાતો ઊંઘી નહોતા શકતા. ભારત વિશે વિચારતાં તેઓ ગહન ચિંતનમાં ડૂબી જતા. તેમની આ પીડા જ તેમના ભારતચિંતનનું મુખ્ય કેન્દ્રબિંદુ હતી. સ્વામી વિવેકાનંદનાં વ્યાખ્યાનોમાં, તેમના પત્રોમાં, તેમની સાથે થયેલા વાર્તાલાપોમાં અભિનવ ભારતની એક સ્પષ્ટ છબિ ઊપસી આવે છે. એમની માન્યતા હતી કે સર્વપંથ સમાદર, સમત્વ અને સમરસ ભારત જ દેશ માટે કલ્યાણકારી છે. એમણે આહ્્વાન કર્યું કે, ‘ભારતને મજબૂત કરવો છે તો ભેદ ભૂલી જાવ. આપસના ભેદ મટતાં જ દેશ સામર્થ્યવાન બનશે. એકબીજાનો આદર કરો અને એ જ ભારતના હિતમાં છે.’ ‘ભારતની સામાજિક વિષમતામય સ્થિતિમાંથી બહાર આવવાનો માર્ગ કયો છે? ભારતની અધોગતિ, આ દુ:ખોનું નિવારણ કઈ રીતે થઈ શકે?’ આવા સવાલોના જવાબ આપીને સ્વામીજી માર્ગ ચીંધતા કહે છે : ‘જો વંશપરંપરાની દલીલવાળી ભૂમિકા ઉપરથી તમે કહેવા માગતા હો કે ઉચ્ચ વર્ણમાં વિદ્યા માટેનું વલણ શૂદ્રો કરતાં વધુ પ્રમાણમાં છે, તો પછી ઉચ્ચ વર્ણ પાછળ શિક્ષણ માટે વધુ પૈસા ખર્ચવાનું બંધ કરી દઈ બધો પૈસો શૂદ્રોના શિક્ષણ માટે ખર્ચો. નબળાને સહાય આપો, ખરી મદદની જરૂર જ ત્યાં છે.’ એક હિન્દુ પોતાના જ હિન્દુ બાંધવને અડે નહીં, એને સાવ તુચ્છ-હલકો ગણીને એની સાથે પશુથી પણ બદતર વ્યવહાર કરે એ કઈ રીતે ચાલે? સામાજિક બંધુતા, સમરસતા, સમતા-મમતાની વાતની સાથોસાથ સ્વામીજીએ ભારતની મહાન સાંસ્કૃતિક પરંપરાની પણ ઘોષણા કરી. ભારતીયોને એ મહાન પરંપરાનું ગૌરવ લઈ એથી પણ વધારે મહાન પરંપરા સર્જવાનું આહ્્વાન કર્યું. તેઓ કહેતા : પ્રાચીન પુરુષો મહાન હતા, પણ આપણે એથીયે વધુ મહાન થવાનું છે. સંન્યાસી હોવા છતાં સંન્યાસ પરંપરાનો રાષ્ટ્રપુરુષ શિકાગોમાં બેસીને રાષ્ટ્ર માટે ખોવાયેલી ‘સ્વતંત્ર સત્તા’ પાછી મેળવવાના સપનાં જોઇ રહ્યો હતો. એ સવાલ કરે છે, ‘આ રાષ્ટ્ર છે ક્યાં? એનું સરનામું કયું છે?’ શિકાગોથી 24 જાન્યુઆરી, 1894ના રોજ પોતાના ચેન્નઇના શિષ્યોને સ્વામી વિવેકાનંદે પત્રમાં લખ્યું હતું : ‘યાદ રાખો કે રાષ્ટ્ર ઝૂંપડીઓમાં વસેલું છે, પરંતુ અફસોસ! સમાજના કહેવાતા અગ્રણીઓએ એ દિશામાં ક્યારેય કંઈ ન કર્યું. શું તમે સમાજના એક મોટા વર્ષની ઘોર ઉપેક્ષા કરીને પ્રજાની ઉન્નતિ કરી શકો છો? તેમની આધ્યાત્મિક વૃત્તિના વિકાસ વગર તેમનું ખોવાયેલુંવ્યક્તિત્વ પાછું લાવી શકો છો?’ સ્વામીજી જાણતા હતા કે આપણા સમાજમાં સંગઠનશક્તિની મોટી ખોટ છે. એથી જ એમણે કહ્યું: ‘સંગઠિત થયા વગર છૂટકો જ નથી.’ સ્વામી વિવેકાનંદે કહ્યું કે સમાજના કોઈ પણ અંગની અવગણનાને હું અધમ રાષ્ટ્રીય પાપ સમજું છું અને એ જ આપણા અધ:પતનનું કારણ છે. આપણે જો ભારતનું પુન:નિર્માણ કરવું હશે તો આપણા પીડિત બંધુઓ માટે કામ કરવું જ પડશે. સ્વામીજીની બહુ સ્પષ્ટ માન્યતા હતી કે અસ્પૃશ્યતા એક અભિશાપ છે, મહાપાપ છે અને એટલે જ સ્વામીજીએ કહ્યું, ‘આપણા પતનનું સૌથી મોટું કારણ એ જ છે.’ સ્વામી વિવેકાનંદ સમગ્ર ભારતને એકસૂત્રતામાં બાંધતો મંત્ર આપતાં કહે છે : ‘તું ગર્વથી ગર્જના કર કે ‘હું ભારતવાસી છું, પ્રત્યેક ભારતવાસી મારો ભાઈ છે.’ તું પોકાર કે ‘ભારતની ધરતી એ મારું સર્વોત્તમ સ્વર્ગ છે.’ તેમણે આધુનિક ભારતના નિર્માણમાં સૌથી પહેલાં ‘લોકશક્તિ’નું પ્રતિપાદન કર્યું. ચેન્નાઈમાં ભાવિ ભારતનું ચિત્ર રજૂ કરતાં સ્વામી વિવેકાનંદે કહ્યું : ‘રાષ્ટ્રમાં આજે પ્રગતિ શા માટે નથી? એક મહાન ભાવિ ભારત સર્જવાનું રહસ્ય સંગઠનમાં, સૌની ઇચ્છાશક્તિને એકત્ર કરવામાં સમાયેલું છે.’ ⬛ namaskarkishore@gmail.com

અન્ય સમાચારો પણ છે...