સ્ટોરી પોઇન્ટ:તને ઉતાવળ હંમેશાં નડી છે

16 દિવસ પહેલાલેખક: માવજી મહેશ્વરી
  • કૉપી લિંક
  • સામેથી મસમોટા નિસાસા સાથે શબ્દો સંભળાયા, ‘તું હજુ પણ ઉતાવળી જ રહીને? એકપક્ષીય નિર્ણય લેવાની તારી ટેવ ક્યારે જશે રશ્મિ?

એણે મને કહ્યું જ કેમ નહીં? શું એને હું ના પાડવાની હતી? હું એને રોકી રાખવાની હતી? શા માટે આટલો મોટો નિર્ણય લેતાં પહેલાં મારી સાથે શા માટે વાત ન કરી. એમ થયું કે ફોન કરીને એને પૂછું કે મારી સાથે ચર્ચા કરવી તને જરૂરી ન લાગી? એણે જ નવી શરૂઆત કરી અને એની જરૂર છે ત્યારે એ આ રાજ્યની બહાર રહેવાનો નિર્ણય કરી બેઠો છે. અહીંથી સેંકડો માઈલ દૂર. રહીરહીને એક જ પ્રશ્ન પડઘાયા કરે છે. માથામાં જાણે હથોડા ઠોકાય છે! આખા શહેરને એ સોશિયલ મીડિયાથી જણાવે છે કે પોતે આ શહેર છોડી રહ્યો છે. બધાને જાણ થાય છે, પણ મને જ ખબર નથી કે મંદાર શહેર છોડી જઈ રહ્યો છે. મને શા માટે ન કહ્યું? શા માટે નહીં? રશ્મિએ લેપટોપ ઉપર ગેમ રમી રહેલા પોતાના પાંચ વર્ષના દીકરાને જોઈ રહી. એ પાછળથી તો એવો જ લાગે છે જાણે..... એણે વોશબેઝિનનો નળ ખોલીને આંખો ઉપર પાણી છાંટ્યું. ઘસીને ચહેરો સાફ કરી અરીસામાં જોઈ રહી. જાણે પ્રતિબિંબે જ પૂછ્યું, ‘રશ્મિ, તું ઉતાવળ નથી કરી રહીને? જરા ઠંડા મગજથી વિચાર કે મંદારે એ નિર્ણય શા માટે લીધો હશે? કદાચ તને મળીને કોઈ ચર્ચા કરવા પણ માગતો હોય. કદાચ તેણે શહેર છોડવાનો માત્ર વિચાર જ કર્યો હોય. તું હંમેશાં અંતિમ ઉપર ઊભી રહી જાય છે અને મંદારને ગુનેગારના પાંજરામાં ઊભો રાખી દે છે. અરે! એક દિવસ રાહ તો જો.’ રશ્મિએ મનોમન પોતાને જ નકારતાં કહ્યું, ‘ના એવું નથી. બિલકુલ નથી. એ એક તરફ મને સધિયારા આપતો રહ્યો અને બીજી તરફ હંમેશાં પોતાના ઘરને, પરિવારને, પોતાના શોખને, કેરિયરને જ વફાદાર રહ્યો. આ નિર્ણય પણ એનો નહીં જ હોય. એની એરોગન્ટ વાઈફનો જ હશે.’ રશ્મિએ મોબાઈલ ફોન ખોલી મંદારની પોસ્ટ ફરીથી વાંચી. પોસ્ટનું હેડિંગ હતું, ‘સંગીતના સૂર અને ભુવનેશ્વરની હવા’. એની ઓફિસર પત્નીની બઢતી સાથે ભુવનેશ્વર બદલી થઈ હતી. એ જો ખુશ ન થયો હોત તો આ પોસ્ટ મૂકી હોત ખરી? શહેરનો જાણીતો સંગીતકાર મંદાર હવે આ શહેર છોડી રહ્યો છે એની જાણ થતાં એના ચાહકોએ લાંબી લાંબી કોમેન્ટ્સ લખી હતી. રશ્મિને મોબાઈલ ફોન જોરથી ઘા કરી દેવાનું મન થયું. રવિવાર ન હોત તો એણે ફોન જ કર્યો હોત. જોકે બે વચ્ચે નક્કી થયેલું હતું કે રવિવાર કે રજાના દિવસે ફોન ન કરવો. કોલેજ સમયમાં સાથે જીવવાનાં સપનાં જોયાં ત્યારે ખબર નહોતી કે નિયતિ કંઈક જુદો જ ઘાટ ઘડી રહી છે. અચાનક પપ્પાનું હાર્ટ એટેકમાં મૃત્યુ થયું. માએ મામાની સાથે જુદા શહેરમાં રહેવાનું નક્કી કરી લીધું. મામાને ઉતાવળ હોય એમ સાવ હાર્ટલેસ માણસ સાથે પરણાવી દીધી અને કુશના જન્મ પછી એ દુનિયાની ભીડમાં ક્યાં ખોવાઈ ગયો એની ખબર જ ન પડી. લગ્ન પહેલાં મંદારે કહ્યું હતું, ‘મારી પાસે ચાલી આવ. જે થશે એ જોયું જશે.’ પણ હિમત ચાલી નહીં. પાંચ વર્ષે ફરી મંદાર અચાનક પ્રગટ્યો. ભોંયમાં ભંડારી દીધેલાં સપનાંના છોડને પાણી મળ્યું અને એની ઉપર કૂંપળો ફૂટવા લાગી. એ જ મંદાર શહેર છોડીને જઈ રહ્યો છે. એ પણ એની પત્નીની બદલી થવાથી. રશ્મિને સમજાતું નહોતું કે આ રવિવાર કેમ નીકળશે? જો કાલે પણ વાત ન થઈ તો? શું પોતાના કહેવાથી મંદાર જવાનું માંડી વાળશે? એના ફોનની રિંગ વાગી. એક ક્ષણ હૈયું થડકારો ખાઈને જાણે અટકી ગયું. ઘડીભર થયું કે ફોન નથી ઉપાડવો. છતાં ઉપાડ્યો, ‘કેમ રવિવારે ફોન કર્યો? ટ્રેન ક્યારે છે, કેટલા વાગે પહોંચશે એ કહેવા માટે?’ સામેથી મસમોટા નિસાસા સાથે શબ્દો સંભળાયા, ‘તું હજુ પણ ઉતાવળી જ રહીને? એકપક્ષીય નિર્ણય લેવાની તારી ટેવ ક્યારે જશે રશ્મિ? તું સોશિયલ મીડિયા ઉપર મારી પોસ્ટ વાંચીને આવું કહી રહી છે ને? પાગલ એ પોસ્ટ તેં ઉતાવળે વાંચી છે. બરાબર વાંચ. હું ક્યાંય જઈ નથી રહ્યો. ક્યાંય નહીં. તારી આવી ઉતાવળો તને હંમેશાં નડી છે.’ રશ્મિએ ફરીથી પોસ્ટ વાંચી રશ્મિને થયું એ દોડીને મંદારના ઘેર પહોંચી જાય. એણે ઊઠીને કુશની બાજુમાં બેસીને એના લાંબા વાળ સાથે હોઠ ઘસ્યા. ⬛ mavji018@gmail.com

અન્ય સમાચારો પણ છે...