પ્રશ્ન વિશેષ:‘તમે જવાબ આપો કે પછી હું સેટલ થઈ શકીશ કે નહીં ?

22 દિવસ પહેલાલેખક: ભદ્રાયુ વછરાજાની
  • કૉપી લિંક

સવારે ટાઢા પહોરે લોકભારતી, સણોસરાના પ્રાકૃતિક પરિસરમાં મનુભાઈ પંચોલી ‘દર્શક’ના પુસ્તક ‘સર્વોદય અને શિક્ષણ’નો ભાગ પહેલો વાંચી રહ્યો હતો. તેમાં મનુભાઈએ કહ્યું છે, ‘લોકભારતીમાં ઉપરવાડેથી કોઈને પણ આવવાની છૂટ નથી. છાત્રાલય જીવન અનિવાર્ય છે. દરેકે સમૂહ જીવનમાં ઊભાં થતાં કામો, સફાઈ કે માંદાની ચાકરી કે બગીચાની કામગીરી કરવાના હોય છે. આ રીતે શિક્ષણે ભેદની ભીંત્યુંને ભાંગવાની છે.’ નાનાભાઈ કેળવણી વિશે કેન્દ્રવર્તી વિચારણા એવી આપે છે, ‘જીવન એ ગર્ભાધાનથી માંડીને મૃત્યુ સુધી કેળવણી જ છે એમ સમજવું. કેળવણીનો વિચાર કે આચાર માત્ર શાળાના સમય દરમિયાન જ કરવાનો નથી. હર પળે, હર સ્થળે તે સતત કરવાનો છે.’ સવારમાં આ વાત વાંચીને દિવસ પસાર થયા પછી સાંધ્ય પ્રાર્થના પહેલાં પરિસરમાં સ્વૈરવિહાર પૂર્ણ કરી એક શાંત ઝાડની નીચે બેઠો. આંખ બંધ હતી. પાંચ સાત મિનિટ થઈ હશે ત્યાં નજીકમાં થોડો પગરવ સંભળાયો. મારા આશ્ચર્ય વચ્ચે આંખ ખૂલી ત્યારે ચાર વિદ્યાર્થિનીઓ મારી સામે ઊભી હતી. મારી અને એમની નજર મળી. એમની નજરમાંથી હું વાંચી શક્યો કે તેઓ મારી સાથે કંઈક વાત કરવા માગે છે. મેં કહ્યું, ‘આવોને… કંઈ વાત કરવી છે ?’ તો જવાબ મળ્યો, ‘હા સર… બસ, તમે બેઠા હતા તો એમ થયું કે ચાલો થોડી વાતો કરીએ.’ મેં કીધું, ‘welcome! આનંદ થયો.’ મેં બધાંની ઓળખાણ પૂછી, બધાંનાં નામ પૂછ્યાં અને ક્યાં ગામથી આવે છે, પિતાજી શું કરે છે એવું પૂછીને થોડી આત્મીયતા બાંધવાનો પ્રયાસ કર્યો. ચારેય બહેનપણીઓ પોતપોતાની વાત જુદી જુદી રીતે કરવા લાગી. પણ એમાં એક બહેનપણી થોડી મૌન હતી. મેં એમને પૂછ્યું, ‘તમે કેમ ઓછું બોલો છો?’ એમનું નામ હેત હતું. એમણે કહ્યું, ‘સર, બહુ સ્ટ્રગલ છે.’ ‘શેની સ્ટ્રગલ છે? ભણવાની કે જીવનની?’ ‘ના, સ્ટ્રગલ એ વાતની છે કે બે જીવનમાંથી કયાં જીવનમાં આપણે જીવવાનું છે એ હું નક્કી નથી કરી શકતી.’ મેં જરા ફોડ પાડીને વાત કહે તેવો માહોલ સર્જ્યો. હેત મુંબઈથી અહીં ‘બેચલર ઈન વૉકેશન્સ’નું ભણવા આવી છે. અને એમના પિતા એગ્રો લાઈનમાં છે. એટલે એ છેક મુંબઈથી આ પરિસરમાં ફી ભરીને ભણવા આવી છે. એમનો મુદ્દો એવો હતો કે વેકેશનમાં મુંબઈમાં હતી ત્યારે જુદું જીવન જોયું અને હવે અહીંયા સાવ જુદું જીવન જોવાનું છે એટલે આવી ડ્યુઅલ પર્સનાલિટીમાં અહીં સેટ થવું મુશ્કેલ બને છે. એમણે પછી તો બોલવાનો પ્રવાહ ચાલુ રાખ્યો. હેતનું કહેવાનું એવું હતું કે મુંબઈમાં બધા બિંદાસ્ત, મસ્ત જીવે છે, ભૌતિક સગવડતાઓ વચ્ચે જીવે છે. અને જાણે જીવનનો આનંદ એમાં જ હોય એમ સૌને લાગે છે. હું પણ ત્યાં જાઉં ત્યારે થોડી વાર એમાં રંગાઈ જાઉં છું. પણ વેકેશન પૂરું થાય અને અહીંયા આવવાનું થાય ત્યારે અહીંયા પહેલા બે ચાર દિવસ બહુ મોટી સ્ટ્રગલ રહે છે. સાચું શું? ત્યાં જીવાય છે તે કે અહીં જીવાય છે તે? અહીં મુશ્કેલી એ પડે છે કે અહીં બધું શાંત શાંત છે, ત્યાં બધો ઘોંઘાટ ઘોંઘાટ છે. ત્યાં બધું બેફામ છે, અહીંયા બધું સીમિત છે. ત્યાં અશિસ્ત અને અંધાધૂંધી છે અને અહીંયા સ્વયંશિસ્ત છે. કોઈ કહેતું નથી પણ બધાં કરે છે એટલે શિસ્તમાં રહેવાનું થાય છે. મને વિચાર એ આવે છે કે બે વર્ષ પછી અહીંનો કોર્સ પૂરો કરીને જઈશ પછી હું સેટલ થઈ શકીશ કે નહીં, કારણ કે આ બે વાતાવરણમાં હું અથડાયાં કરું છું.’ એનો કંઈ જવાબ આપું તે દરમિયાન બાકીની ત્રણ બહેનપણીઓએ પણ સૂર પુરાવ્યો. એક અમદાવાદથી, એક પાલિતાણાથી અને એક જેતપુર આવતી એ ત્રણની સ્થિતિ થોડી જુદી હતી કારણ કે મુંબઈ જેવું વાતાવરણ અમદાવાદમાં નથી અને અમદાવાદ જેવું પાલિતાણા કે જેતપુરમાં નથી. આ બધાં જુદા જુદા દરજ્જાનાં નગરો છે એટલે ત્યાંનો ઘોંઘાટ અને ત્યાંનો જીવનવ્યવહાર અલગ અલગ છે. દસેક મિનિટની આ ગોષ્ઠિમાં બરાબર આત્મીયતાનો નાતો બંધાયો અને એમણે આગ્રહ રાખ્યો, ‘તમે આનો જવાબ આપો, અમારે શું કરવું? સહજ વાતચીતમાંથી મારી સામે પ્રતીતિકારક જવાબ દેવાની જવાબદારી આવી પડી પણ હું સવારે વાંચેલ વિચારો અને પરિસરના જીવંત માહોલથી સભર હતો એટલે મારે ઝાઝી ખાંખાંખોળ કરવી ન પડી અને જવાબ સહજતાથી સ્ફુરી આવ્યો. (ક્રમશઃ) {

અન્ય સમાચારો પણ છે...