વિજ્ઞાનધર્મ:योगेश्वर: काल काल - ત્રિકાળ યોગવિજ્ઞાનની ચાવી

એક મહિનો પહેલાલેખક: પરખ ભટ્ટ
  • કૉપી લિંક

(ગતાંકથી ચાલુ) ગયા અઠવાડિયે આપણે જોઈ ગયા કે, માનવમગજ અબજો કોષોનું બનેલું હોય છે, જેને ન્યૂરૉન્સ કહે છે. મુખ્યત્વે સોડિયમ, પૉટેશિયમ, ક્લૉરિન, આયર્ન વગેરે જેવા ન્યુરોટ્રાન્સમીટર્સના આદાનપ્રદાનને કારણે ન્યૂરૉન્સ ઇલેક્ટ્રિકલ ઊર્જાનો ઉપયોગ કરીને એકમેક સાથે સંદેશાવ્યવહાર કરી જાણે છે. કોઈ વિચારને પારખવા માટે અથવા શારીરિક અંગોને ચોક્કસ કાર્ય કરવા માટેનો આદેશ આપતી વેળા મગજમાં ઇલેક્ટ્રિકલ સક્રિયતામાં ઉછાળો જોવા મળે છે, જેને માપવા માટે EEG – ઇલેક્ટ્રોઇન્સફેલોગ્રાફ – જેવાં ઉપકરણનો ઉપયોગ થાય છે. માનવમગજ અલગ-અલગ મનોસ્થિતિમાં પાંચ પ્રકારના વિદ્યુતઊર્જા તરંગોનું ઉત્સર્જન કરે છે, એવું પુરવાર થયું છે: (1) બીટા તરંગ (13-40 હર્ટ્ઝ પ્રતિ સેકન્ડ): જ્યારે સભાનાવસ્થામાં હો ત્યારે; તાણ-ચિંતા-ભય અનુભવી રહ્યા હો ત્યારે; તર્કસંગત વિચારતાં હો ત્યારે. (2) આલ્ફા તરંગ (7-13 હર્ટ્ઝ પ્રતિ સેકન્ડ): આજુબાજુના જગતમાં ચાલી રહેલી પ્રવૃત્તિઓથી વાકેફ હો ત્યારની આરામદાયક શારીરિક અને માનસિક સ્થિતિમાં; પૂર્વાભાસ થતો હોય ત્યારે; કલ્પના કરતાં હો ત્યારે. (3) થીટા તરંગ ( 4-7 હર્ટ્ઝ પ્રતિ સેકન્ડ): તંદ્રાવસ્થામાં હો ત્યારે; ‘રેપિડ આઇ મૂવમેન્ટ’ – REM – સાથે એક એવી સ્વપ્ન અવસ્થા કે જ્યાં સભાનતા ઓછી છે એ સ્થિતિમાં. (4) ડેલ્ટા તરંગ (0.1-4 હર્ટ્ઝ પ્રતિ સેકન્ડ): સભાન ન હો ત્યારે; સ્વપ્ન વગરની ગાઢ નિદ્રામાં સરી પડ્યા હો ત્યારે. (5) ગામા તરંગ (40 હર્ટ્ઝ પ્રતિ સેકન્ડથી ઉપર): મગજ જ્યારે ઉચ્ચસ્તરીય જ્ઞાન પ્રાપ્ત કરી રહ્યું હોય ત્યારે; પરાલૌકિક જ્ઞાન અને પરમ ચેતનાની અનુભૂતિ વેળા. ન્યૂરૉ-સાયન્ટિસ્ટ્સ (મગજના નિષ્ણાતો) યોગાભ્યાસથી મનોતરંગ પર પડતી હકારાત્મક અસરો પર ગહન સંશોધન કરી રહ્યા છે, જેમાં તેમણે નોંધ્યું છે કે ધ્યાન, પ્રાણાયામ સહિતના અષ્ટાંગ યોગના નિયમિત અભ્યાસ દરમિયાન મનોતરંગમાં વિશેષતઃ પરિવર્તન થતું જોવા મળે છે. દેવાધિદેવના અન્ય કેટલાક નામોમાં મહાયોગી, આદિયોગી, યોગેશ્વર વગેરેનો સમાવેશ થાય છે. મહત્ત્વની વાત એ છે કે દક્ષિણ ભારતનાં રાજ્યોમાં શ્રી વિષ્ણુને યોગેશ્વર તરીકે ઓળખવામાં આવે છે, જે કૃષ્ણનું પણ એક નામ છે. યોગેશ્વરને શા માટે કાળ (મૃત્યુ અને સમય બંને)ના દેવ માનવામાં આવે છે, એનું તાર્કિક કારણ યોગાભ્યાસ સાથે સંકળાયેલું છે. માનવપ્રજાતિ માટે પરમ ચેતના–યોગેશ્વરને પામવાની પ્રક્રિયામાં યોગ અને ધ્યાન કેટલા મહત્ત્વના છે, તે આ બાબત પૂરવાર કરે છે. ભારતીય પદ્ધતિઓથી શીખવવામાં આવતાં અધ્યાત્મ-યોગનો પ્રભાવ અન્ય પશ્ચિમી આધુનિક યોગાભ્યાસો કરતાં વધુ અસરકારક હોય છે, એવું પ્રયોગોમાં સાબિત થયું છે! આજકાલ ‘ઝેન મેડિટેશન’, ‘ચક્ર મેડિટેશન’, ‘કુંડલિની મેડિટેશન’ વગેરેના વર્ગો શરૂ થઈ ગયા છે, જ્યાં અમીરો માનસિક શાંતિ મેળવવા માટે તોતિંગ રકમ ચૂકવીને અમુકતમુક દિવસો કે મહિનાઓનો કોર્સ કરે છે, પરંતુ 1987ની સાલમાં દિલબેક અને ઑર્મે જોહ્નસન દ્વારા થયેલાં સંશોધનમાં એ હકીકતનો ખુલાસો થયો હતો કે ‘રિલેક્સ’ થવા માટે આવા મેડિટેશનને બદલે પૌરાણિક પદ્ધતિઓથી થતા ભારતીય યોગાભ્યાસો વધુ પ્રભાવક નીવડી શકે છે. સિસ્મોલોજી લેબોરેટરીમાં સિદ્ધ થયું છે કે પૃથ્વીના કુદરતી ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડની આવૃત્તિ 7.8 હર્ટ્ઝ છે. બીજી બાજુ, માણસ પોતાના મગજને શાંત પાડીને જ્યારે ધ્યાનમાં બેસે ત્યારે તે આલ્ફા તરંગ – 7થી 9 હર્ટ્ઝ–નું ઉત્સર્જન કરે છે. પ્રકૃતિ સાથે તાદાત્મ્ય કેળવાય ત્યારે માનવમગજ શા માટે આહ્લાદક શાંતિનો અનુભવ કરે છે, એની પાછળનું કારણ હવે તમને સમજાઈ ગયું હશે. પુરાતનકાળમાં નદીકિનારે, પર્વતો ઉપર અથવા ગુફામાં બેસીને ઉઘાડા શરીરે શા માટે ધ્યાન ધરવામાં આવતું, એ પ્રશ્નનો આ વૈજ્ઞાનિક જવાબ છે. પ્રકૃતિ અને માનવશરીરના એકીકરણ સમયે શરીરચક્રો તેમજ ઋતુચક્રો સંતુલનમાં રહેતાં, પરંતુ આધુનિક યુગમાં શોધાયેલાં ઉપકરણો – માઇક્રોવેવ, એક્સ-રે, સેલફોન, ટેલિવિઝન, રેડિયો ફ્રિક્વન્સી વગેરે–ને લીધે પહેલાંનાં યુગોની સરખામણીએ અનેક ગણી વધુ ઇલેક્ટ્રોમેગ્નેટિક ઊર્જા આપણા જીવનમાં ઉમેરી દીધી, જેનાં લીધે સગવડો વધવાની સાથે કુદરત સાથેનો નાતો કપાઈ ગયો. પ્રકૃતિ સાથે સંતુલન ખોરવાઈ જતાં નવા નવા રોગો જીવનમાં ઉમેરાતાં ગયા. આલ્ફા સિવાયના અન્ય ચાર મનોતરંગો અને યોગાભ્યાસની અસરો પર વિગતવાર ગોષ્ઠિ કરીશું આવતાં અઠવાડિયે. (ક્રમશઃ) bhattparakh@yahoo.com

અન્ય સમાચારો પણ છે...