મનનો મોનોલોગ:યીશી – વૈયક્તિક સ્વતંત્રતા સુધી લઈ જતી જીવનશૈલી

ડો. નિમિત્ત ઓઝા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

‘બાગમાં પડેલા ફૂલો વીણતાં વીણતાં, હું મારી નજર સામે રહેલા ઊંચા પહાડોને નિહાળું છું. પર્વતનો સ્પર્શ કરીને સંધ્યાકાળે પરત ફરતી હવામાં, એક અલગ જ તાજગી છે. સૂર્યાસ્ત સમયે સમૂહગાન કરતાં પંખીઓ પોતાનાં ઘરે પાછાં ફરે છે. બસ, આવાં જ દૃશ્યોમાં જીવનની સાર્થકતા રહેલી છે એ વાત મને સમજાઈ ગઈ છે.’ તાઓ યુઆનમિંગ નામના કવિએ લખેલી એક ચાઈનીઝ કવિતાનો, આ એક નાનકડો અંશ છે. સાવ સાધારણ લાગતી આ કવિતાના સર્જક અસાધારણ એટલા માટે છે, કારણ કે તેમણે એવું કંઈક કરી બતાવ્યું જે કરવાની હિંમત દરેકમાં નથી હોતી. ઉચ્ચ સરકારી અધિકારી તરીકે ફરજ બજાવતા તાઓ યુઆનમિંગે, અચાનક એક દિવસ પોતાનું રાજીનામું આપી દીધું. સરકાર તરફથી મળતા તમામ લાભ જતા કરીને, તેમણે નોકરી છોડી દેવાનો નિર્ણય કર્યો. પોઝિશન અને પઝેશન્સ છોડીને તેઓ પોતાના ગામડે ચાલ્યા ગયા અને ગામના પાદરે આવેલા એક નાનકડા ઘરમાં રહેવા લાગ્યા. તેઓ ખેતી કરતા, ગીતો ગાતા, પોતાનું લેખન કાર્ય કરતા અને ખુશ રહેતા. કવિતાઓ લખવા કે ખેતીવાડી કરવા માટે, કોઈ પોતાની નિશ્ચિત આવક શું કામ છોડી દે? એવા પ્રશ્નના જવાબમાં તાઓએ કહેલું, ‘મારી આર્થિક સમૃદ્ધિ ઉપર, મારી આધ્યાત્મિક સમૃદ્ધિએ વિજય મેળવ્યો છે.’ આ ચાઈનીઝ ફિલોસોફી એટલે ‘યીંશી’ (Yinshi). તમામ દુન્યવી ખટપટ, સામાજિક માયાજાળ અને ભૌતિકવાદથી દૂર રહીને પસંદ કરેલી એવી કોઈ જગ્યા, જ્યાં આધ્યાત્મિક આરોહણની પ્રક્રિયાને વેગ મળે. મૂળભૂત રીતે યીંશીનો અર્થ એકાંતવાસ કે અજ્ઞાતવાસ થાય, પણ હકીકતમાં યીંશીનો કન્સેપ્ટ આના કરતાં અનેકગણો વ્યાપક છે. યીંશી એટલે સ્વૈચ્છિક ગરીબી. સભાનપણે પસંદ કરેલી એવી જીવનશૈલી, જેમાં ફક્ત જીવન-જરૂરિયાતની વસ્તુઓ જ હોય. આપણાં જીવનમાં ‘વોન્ટ’ અને ‘નીડ’ વચ્ચેની દીવાલનાં ચણતરનું કામ સૌથી અઘરું હોય છે. જીવતરના કોથળામાં રહેલી જરૂરિયાતોમાંથી, ઈચ્છાઓને અલગ કરવાનું કામ ખૂબ બધી આધ્યાત્મિક મથામણ અને ચિંતન માગી લે છે. જો સમયસર એ કામ ન કરવામાં આવે તો પરિગ્રહના સકંજામાં સપડાયેલી જાત જીવનના અંત સુધી, અસ્તિત્વના ઉદેશ્યને સમજવામાં નિષ્ફળ જતી હોય છે. વૈયક્તિક સ્વતંત્રતા સુધી પહોંચવામાં સૌથી મોટો અવરોધ ‘પઝેશન્સ’ અને ‘પોઝિશન’નો હોય છે. પાડોશી રાષ્ટ્ર દ્વારા જ્યારે પ્રાચીન રોમ પર આક્રમણ કરવામાં આવ્યું, ત્યારે રાજ્યના રક્ષણની જવાબદારી મિલિટરી લીડર લ્યુસીઅસ ક્વિન્ટિઅસ સીનસીનેટસને સોંપવામાં આવી. સમયની માંગ અને રાષ્ટ્ર સંકટને લક્ષ્યમાં રાખી, સંરક્ષણ બળના વડા તરીકે સીનસીનેટસે અદ્્ભુત કામગીરી નિભાવી રાષ્ટ્રને બચાવી લીધું. વિજયની એ ક્ષણે, તેમની પાસે એક સુવર્ણ તક હતી રાષ્ટ્રના વડા બનવાની. જો તેમણે ઈચ્છ્યું હોત, તો બહુ જ સરળતાથી તેઓ રાષ્ટ્રના સમ્રાટ બની શક્યા હોત અને વૈભવ-વિલાસમાં પોતાની બાકીની જિંદગી પસાર કરી શક્યા હોત, પણ તેમણે એ ન કર્યું. એમને પોતાની એક ખેડૂત તરીકેની જિંદગી વધારે વહાલી હતી. સંકટ ટળતાંની સાથે જ તમામ હોદ્દાઓ અને જવાબદારીનો ત્યાગ કરીને, તેઓ પોતાના ખુલ્લા ખેતરોમાં પાછા ફર્યા. આ એમની સ્વતંત્રતા હતી. એવું કહેવાય છે કે ‘Money brings freedom’ પણ ક્યારેક એવું લાગે છે કે નાણાં એકઠા કરવાની પ્રવૃત્તિ જ સૌથી મોટી ગુલામી છે. ઈચ્છાઓ, લોભ કે લાભના ગુલામ થયેલાં આપણે, જીવનના છેલ્લા શ્વાસ સુધી આપણા સમયની આહુતિ આપ્યાં કરીએ છીએ. એકઠું કરવાની પ્રક્રિયામાં જ એટલો રસ પડવા લાગે છે કે કોની અને શેની માટે એકઠું કરવાનું છે? એ કારણ જ વિસરાઈ જાય છે. એક જાણીતી ચાઈનીઝ કથા છે. ચીનના રાજા,

લાઓત્સુની શોધમાં હતા. લાઓત્સુ (લાઓત્સે) એટલે એ પ્રખ્યાત ચાઈનીઝ ફિલોસોફર જેમણે જીવનની દરેક સમસ્યાઓમાં ઉપયોગી થાય એવું પથદર્શક પુસ્તક ‘તાઓ-તે-ચીંગ’ આપ્યું. ચીનના રાજા ઈચ્છતા હતા કે લાઓત્સુ રાજ્યના મુખ્યપ્રધાન બને. જો લાઓત્સુ જેવા બુદ્ધિજીવી, જ્ઞાની અને વિચક્ષણ માણસ પ્રધાનપદ સંભાળે, તો રાજાની પ્રતિષ્ઠા અને ખ્યાતિ અનેકગણી વધી જાય. એ વિચારે રાજાએ પોતાના સૈનિકોને લાઓત્સુની શોધમાં લગાડી દીધા. બહુ મુશ્કેલી બાદ, ફાઈનલી સૈનિકોએ લાઓત્સુને શોધી કાઢ્યા. નદી કિનારે બેઠા બેઠા, તેઓ માછલી પકડી રહ્યા હતા. સેનાપતિએ બે હાથ જોડીને લાઓત્સુને કહ્યું, ‘રાજાનો હુકમ છે કે તમને રાજ્યનું સર્વોચ્ચ સન્માન આપવામાં આવે. તમે મુખ્યપ્રધાન બનવાના છો. અમે તમને લેવા આવ્યા છીએ.’ થોડી વાર સુધી લાઓત્સુ મૌન બેઠા રહ્યા. પછી નજીકમાં રહેલા એક ખાબોચિયાં તરફ ઈશારો કરીને તેમણે પૂછ્યું, ‘પેલા ખાબોચિયાંમાં શું છે? જરા, જુઓ તો!’ સૈનિકોએ નજીક જઈને જોયું તો ખાબોચિયાના ગંદાં પાણીમાં એક કાચબો પોતાની મોજમાં ચાલી રહ્યો હતો. પછી લાઓત્સુએ કહ્યું, ‘મેં એવું સાંભળ્યું છે કે તમારા રાજમહેલમાં એક સોનાનો કાચબો છે.’ સૈનિકોએ કહ્યું, ‘તમે સાચું સાંભળ્યું છે.’ એ સમયમાં સુવર્ણજડિત કાચબો ચીનના રાજાનું પ્રતીક ગણાતો. લાઓત્સુએ કહ્યું, ‘પેલા કીચડમાં રહેલા કાચબાને જઈને તમે પૂછો કે જો એને સોનાથી શણગારવામાં આવે અને એની પૂજા કરવામાં આવે, તો શું એ તમારી સાથે રાજમહેલમાં આવવા તૈયાર છે?’ સેનાપતિએ કહ્યું, ‘જેને કીચડમાં રહીને પણ આટલો બધો આનંદ આવતો હોય, એ મહેલમાં શું કામ આવે?’ બસ, એ જ સમયે લાઓત્સુએ હસીને કહ્યું, ‘તો શું તમે મને એક કાચબા કરતાંય વધારે મૂરખ સમજો છો?’ આપણા આજીવન ચાલતા ડાન્સનો મુખ્ય કોરિયોગ્રાફર લોભ હોય છે. આરામ મેળવવાની ઝંખનામાં માણસ સૌથી વધારે પોતાની જાતને થકવી નાખતો હોય છે. ઈચ્છાઓની પ્રાપ્તિ સુખ નથી, ઈચ્છાઓનો અભાવ જ સુખ છે. મનની મરજી વિરુદ્ધ કરવું પડતું દરેક કાર્ય માનસિક દાસત્વ છે. ન્યૂનતમ જરૂરિયાતો સાથે પણ જેઓ જિંદગીના રસને નીચોવી શકે છે, તેઓ ખરી સ્વતંત્રતા ભોગવી શકે છે. ⬛ vrushtiurologyclinic@yahoo.com