તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રણમાં ખીલ્યું ગુલાબ:યે ઉમ્મીદ ભી બડે કમાલ કી ચીજ હૈ સબ્ર ગિરવી રખકર ઇંતજાર થમા દેતી હૈ!

ડૉ. શરદ ઠાકર3 મહિનો પહેલા
  • કૉપી લિંક

મથુરે પહેલું કામ ઝૂંપડીનું બારણું બહારથી વાસી દેવાનું કર્યું અને પછી બીજું કામ મોટેથી બૂમો પાડીને ગામ ભેગું કરવાનું કર્યું. આખા વાસમાં એનો અવાજ ગાજી ઊઠ્યો: ‘દોડો, દોડો! જલદી આવો. ખાલી હાથે ન આવતા. લાકડી, પથ્થર કે લોખંડનો સળિયો લઈને આવજો. આજે એ બદમાશ જીવતો ન જવો જોઈએ. હું ઘણા દિવસોથી એની ઉપર નજર રાખીને બેઠો હતો; આજે મારો બેટો બરાબર સપડાયો છે.’ તમાશાને તેડંુ નહીં. પાંચ મિનિટમાં પચાસ લોકો ભેગા થઈ ગયા. આટલા તો ફક્ત પુરુષો હતા. પ્રેક્ષકો તરીકે ટોળે વળેલાં બાળકો અને સ્ત્રીઓ તો અલગ. આજથી પચાસેક વર્ષ પહેલાં ઉત્તર ગુજરાતના એક નાનકડા કસબામાં બનેલી સત્યઘટના છે. ગામની વચ્ચે દલપતકાકાનું મેડીબંધ મકાન. દલપત શેઠ એ આખા પંથકનું સૌથી મોટું, સૌથી શ્રીમંત અને સૌથી વધુ આબરૂદાર નામ. ધીરધારનો ધંધો હતો. આર્થિક મુશ્કેલીમાં મુકાઈ ગયેલા ગરીબ અને મધ્યમ વર્ગના લોકો પોતાનું ઘર, ખેતર કે સોના-ચાંદીનાં ઘરેણાં શેઠને ત્યાં ગીરવી મૂકીને રૂપિયા લઈ જતા હતા; એમાંના મોટાભાગના પોતાની જણસ છોડાવી શકતા ન હતા. બીજા સુખી પરિવારોમાં સોનું તોલાના માપમાં હોય, દલાકાકાના ઘરમાં સોનું કિલોગ્રામના માપમાં જોવા મળતું હતું. દલા શેઠનો એકનો એક પુત્ર સૂરજ વરણાગિયો અને સોહામણો હતો. દોમદોમ સાહ્યબીમાં ઊછરેલો હોવાથી જરાક રંગીન મિજાજનો બની ગયો હતો. એ જમાનામાં ખૂબ અદ્યતન ફેશનના ગણાય એવાં વસ્ત્રો પહેરતો હતો. એ સમયે એને જોયો હોય એવા બે-પાંચ વૃદ્ધો હજી જીવે છે, એમના કહેવા પ્રમાણે આજના ફિલ્મી હીરો કરતાં એ જમાનાનો સૂરજ વધારે સારો દેખાતો હતો. આવો અઢાર વર્ષના ઉંબરે ઊભેલો સૂરજ એક દિવસ શેરીની બહાર જઈ રહ્યો હતો ત્યાં એની નજર એક ગરીબ છોકરી પર પડી ગઈ. એનું નામ રાણી હતું. અત્યંત ઝનૂની અને લડાયક ગણાતી કોમમાં આ નામ વિશેષ પ્રચલિત હતું. રાણી સોળ વર્ષની હતી. એનાં મા-બાપ મજૂરીકામ કરતાં હતાં. બે વર્ષથી રાણી પણ એમની સાથે મજૂરી કરવા જતી હતી. ‘હે ભગવાન!’ રાણીનો રૂપ નીતરતો ચહેરો જોઈને સૂરજના મોઢામાંથી પ્રશંસાના શબ્દો સરી પડ્યા, ‘તું પણ કેવો અકળ છે! ગરીબનાં છાપરાં પર આટલું મબલખ તેજ ઢોળી દે છે.’ જગતમાં પ્રથમ વાર એવું બન્યું કે સ્વયં સૂરજ કોઈનાં તેજથી અંજાઈ ગયો હોય! ‘શું કરે છે તું?’ સૂરજે પૂછ્યું,‘આવી ગંદી-ગોબરી થઈને કેમ ફરે છે?’ ‘મજૂરીકામ કરું છું.’ ‘નામ?’ સૂરજે પૂછ્યું. ‘રાણી.’ ‘નામ રાણી છે પણ ઢંગ છે દાસી જેવાં!’ સૂરજે રાણીનો ખરબચડો હાથ ઝાલી લીધો,‘આવતી કાલથી કામ પર જવાનું બંધ. એવું ન પૂછતી કે મજૂરી નહીં કરે તો ખાઈશ શું? તને મજૂરીનો જે રોજ મળતો હશે, એટલા પૈસા હું આપીશ. તારાં મા-બાપ ભલે કામ પર જતાં; તારે નથી જવાનું.’ રાણીને ગમ્યું. એ જે દારુણ ગરીબીમાં ઊછરી હતી, એમાં આવો રાજકુમાર જેવો યુવાન એનાં માટે આવું કહે તો કોને ન ગમે? પ્રેમ અને મિલનનો સિલસિલો શરૂ થઈ ગયો. રાણીનાં માતા-પિતા મજૂરીકામ કરવાં માટે ઘરેથી જાય એ પછી સમય જોઈને સૂરજ એના ચાંદને મળવા માટે ઝૂંપડીમાં દાખલ થાય. એક વાતની સ્પષ્ટતા કરવી પડશે કે સૂરજ અને રાણીનો પ્રેમ પવિત્ર હતો અને શુદ્ધ હતો. એકાંતમાં મિલન થતું હોવા છતાં બંનેએ ક્યારેય લક્ષ્મણરેખા ઓળંગી ન હતી. રાણીએ વચન માગી લીધું હતું, ‘તું મારી સાથે લગ્ન કરીશ?’ સૂરજે શરતી હા પાડી હતી: ‘જો મારા પિતા હા પાડશે તો જરૂર કરીશ. હું એમને મનાવવાનો પૂરતો પ્રયત્ન કરીશ. એ અઘરું છે, પણ અશક્ય નથી. જયાં સુધી હું એમને મનાવી ન લઉં ત્યાં સુધી તું બીજે ક્યાંય...’ બંને વચનથી બંધાઈ ગયાં. સૂરજ રોજ રાણીને ભાવતી વાનગીનું પડીકું લઈને જતો અને બંને જણાં સાથે બેસીને એ વાનગી માણતાં હતાં. પ્રેમ, પાયલ અને ઉધરસ ક્યારેય છુપાવ્યાં છુપાવી શકાતાં નથી. ધનવાન બાપનો અપ-ટુ-ડેટ દીકરો ગરીબની ઝૂંપડીમાં આવ-જા કરતો હોય, તો આ વાત ગામલોકોથી ક્યાં સુધી છાની રહી શકે? રાણીના પડોશમાં રહેતા મથુરને ખબર પડી ગઈ. એ લાગ જોઈને બેઠો હતો. એક દિવસ એને મોકો મળી ગયો. રાણી બીમાર હતી. સૂરજ એનાં માટે દવાઓ લઈને આવ્યો હતો. રાણી પથારીમાં સૂતી હતી, સૂરજ એની પાસે બેસીને રાણીનો હાથ પોતાના હાથમાં લઈને તાવ છે કે નહીં તે તપાસી રહ્યો હતો. બરાબર આ સમયે મથુરે બારણાંની સાંકળ બહારથી બંધ કરી દીધી. પછી બૂમો પાડીને લોકોને ભેગા કર્યા. બધાંની હાજરીમાં બારણું ઉઘાડ્યું. ઝૂંપડીની અંદર રાણી અને સૂરજ હતાં. મથુરે જાહેર કર્યું કે એની સમયસૂચકતાને કારણે સૂરજ રંગેહાથ ઝડપાઇ ગયો હતો. એક પૈસાદાર બાપનો વંઠેલો દીકરો ગરીબની કન્યાની ઈજ્જત લૂંટતો હતો એ પકડાઈ ગયો. પછી તો એ જ થયું જે આવા સંજોગોમાં થતું હોય છે. સૂરજને ઢોરમાર મારવામાં આવ્યો. બીમાર રાણી ચીસો પાડતી રહી, વિનંતીઓ કરતી રહી, પણ એનું સાંભળે કોણ? સૂરજ બેભાન થઈ ગયો ત્યારે ટોળું એને ઉપાડીને એના બંગલા પાસે ફેંકી ગયું. સાંજે રાણીનાં મા-બાપ ઘરે આવ્યાં. વાત જાણીને એમણે તરત જ નિર્ણય લઈ લીધો. ત્રીજા દિવસે રાણીને દૂરનાં ઠેકાણે પરણાવી દીધી. સૂરજ ભાનમાં આવ્યો, ત્યારે આ વાત જાણીને એ ઊંડો આઘાત પામ્યો. એ પછી એક દિવસ એણે પણ ઘર અને ગામ છોડી દીધું. આજ સુધી એનો પત્તો મળ્યો નથી. આ ઘટના ઉપર પાંચ-પાંચ દાયકાની ધૂળ બાઝી ગઈ. રાણીનો ધણી ત્રણ સંતાનોની જવાબદારી સોંપીને મરી ગયો. વિધવા રાણી પિયરમાં આવીને રહેવા લાગી. કાળક્રમે એનાં માતા-પિતા મૃત્યુ પામ્યાં. પાંસઠ વર્ષની રાણી હવે ભગવાનની ભક્તિમાં જીવન પસાર કરતી હતી. ભૂતકાળની વાત બધાં ભૂલી ગયાં હતાં. જે લોકો જાણતાં હતાં એમાંથી માંડ એક-બે હયાત હતા. બીજાં દસેક વર્ષ વીતી ગયાં. ગામમાં ઉત્તરાખંડથી સાધુઓની મોટી જમાત પધારી. પાદરમાં તંબુ તણાયા. ગામલોકોએ ભવ્ય સામૈયું કર્યું. જમાતના મુખ્ય ગુરુ એંશી વર્ષના, દાઢી-જટાધારી ભવ્ય સાધુ હતા. ગામ લોકો ભક્તિભાવ ધરાવતા હતા. સાધુ મહારાજ પોતાના ઘરે પધરામણી કરે એ માટે વિનંતીઓનો વરસાદ વરસવા લાગ્યો. એક દિવસ પંચોતેર વર્ષની વૃદ્ધા ગુરુ મહારાજને મળવા માટે આવી. શિષ્યો અને ભક્તોની હાજરીમાં બંને સામસામે બેઠાં. ગુરુદેવની દાઢી ફરકવા લાગી. વૃદ્ધાની આંખોમાં આંસુ ઊમટ્યાં. એણે પાલવ પાથર્યો, ‘બાપજી, મારું નામ રાણી. આપ મારી ઝૂંપડીમાં પધારશો?’ જે ગુરુદેવે સરપંચના ઘરે જવાની હા નહોતી પાડી, એમણે રાણીની ઝૂંપડીમાં પગલાં પડવાની સંમતિ આપી દીધી. બીજા દિવસે ધામધૂમ સાથે સાધુઓનો સંઘ શબરીનાં આંગણે પધાર્યો. હાથી પર બિરાજમાન વડા સાધુ નીચે ઊતર્યા. રાણીએ ફૂલડાં વરસાવીને સ્વાગત કર્યું. ભાવવિભોર કરી મૂકે એવાં દૃશ્યો સર્જાયાં. ગામલોકોએ જયજયકાર કરી મૂક્યો. વૃદ્ધ રાણીબાની બાજુમાં આવેલા ઝૂંપડાની બહાર ભાંગેલા ખાટલામાં પડેલો મથુર નામનો ડોસો ઝીણી નજર કરીને સાધુ મહારાજની મોંકળા ઉકેલવાની કોશિશ કરી રહ્યો હતો. આ પવિત્ર દૃશ્ય જોઈને જિંદગીમાં પહેલી વાર પશ્ચાતાપ અનુભવતો હોય એમ બબડી ગયો, ‘જો તે દિવસે મેં બારણું વાસી ન દીધું હોત તો... આ સાધુની જાન આવી જ ધામધૂમ સાથે આ જ બારણે આવીને વાજતે-ગાજતે બિચારી રાણીને....’ ⬛ (કથાબીજ:- પ્રકાશ પ્રજાપતિ) drsharadthaker10@gmail.com

અન્ય સમાચારો પણ છે...