'રજનીગંધા’ નામની એક ફિલ્મ (1974)માં આવેલી એક ફિલ્મમાં યોગેશનું લખેલું સુંદર ગીત હતું ‘કઇ બાર યું હી દેખા હૈ, યહ જો મન કી સીમારેખા હૈ, મન તોડને લગતા હૈ…’ એ ગીત ’70ના દાયકાનું હતું એટલે એમાં ‘મન’ કી સીમારેખની વાત હતી. આજની ઘણી ફિલ્મોમાં તો હવે ‘તન’ કી સીમારેખા પણ ભૂંસાઇ ગઇ છે છતાં યુવાનોમાં, ખાસ કરીને યુવતીઓમાં તન સોંપી દેવા વિશેની અવઢવો હજી પણ છે જ. છતાં હિંદી ફિલ્મી ગીતોની કમનસીબી જુઓ કે હજી સુધી આપણને ‘તન કી સીમારેખા’ વિશેનું કોઇ ગીત મળ્યું નથી.
ગીતકારોની વાત છોડો પણ ફિલ્મકારોએ આ નવી સદીમાં શારીરિક સંબંધની સીમારેખા ઉપર ખરેખર સુંદર ફિલ્મો બનાવી છે. મારા હિસાબે એનું સૌથી નમૂનારૂપ ઉદાહરણ ‘બેન્ડ બાજા બારાત’ છે. એમાં રણવીર અનુષ્કાની પાછળ ટિપિકલ ચલતા પૂર્જા જેવા યુવાનની માફક આંટા મારે છે. છેવટે એનો સાથ મેળવવા માટે ‘બિઝનેસ પાર્ટનર’ બને છે, જેમાં અનુષ્કાની પહેલી શરત એ છે કે આગળ જતાં ‘પ્યાર-બ્યાર’નું ચક્કર ના જોઇએ! જોકે અડધી ફિલ્મ જતાં થાય છે એવું કે લગ્નોની એ સાદી કોન્ટ્રાક્ટર ટાઇપની કંપનીને બહુ ધનવાન કુટુંબની શાદીનો કોન્ટ્રાક્ટ મળી જાય છે. આ ખુશીની પાર્ટીમાં બધા દારૂ પીને ટલ્લી થઇ જાય છે. એ જ ઉન્માદમાં અનુષ્કા અને રણવીર રાત્રે સાથે સૂઇ જાય છે. સવારે રણવીરના દિમાગમાં કડાકો બોલી જાય છે કે ‘આવું નહોતું કરવાનું.’ પરંતુ અનુષ્કા એ રાતથી રણવીરના સાચૂકલા પ્રેમમાં પડી જાય છે! ત્યારબાદની લગભગ અડધી ફિલ્મ એ બંનેનાં કન્ફ્યુઝનમાં જ ચાલે છે. જોકે, છેલ્લે સુખદ અંત આવે છે કે માત્ર ફિઝિકલી નહીં પણ દિલથી બંને એકબીજાના પ્રેમમાં જ હતાં.
આવી જ એક બીજી ફિલ્મ હતી ‘હમ તુમ’. આમાં સૈફ અલી ખાન પ્રેમમાં હરગિજ નહીં માનનારો હ્યુમરિસ્ટ છે જે પ્રેમની મજાક ઉડાવતી કોમિક સ્ટ્રીપ્સ બનાવતો રહે છે. એક ફ્લાઇટમાં તેને રાની મુખર્જી ભટકાઇ જાય છે. સૈફ ધારે તો કોઇ પણ છોકરીને ફિઝિકલી પટાવી શકે તેવો ચાલાક છે પણ રાનીની સ્ટુપિડિટી અથવા ભોળપણ જોઇને તે એનાથી દૂર રહે છે. છતાં બંને એકબીજા સાથે ભટકાતાં રહે છે. જેમાં એક વાર બંને ફિઝિકલ થઇ જાય છે. સૈફ એ વાતે સખત ગિલ્ટમાં છે પરંતુ રાની એ જ વાતે સાતમા આસમાનમાં છે! છેવટે અહીં પણ સુખદ સમાધાનકારી અંત આવે છે.
પરંતુ ‘સલામ નમસ્તે’માં તો કોઇ સીમારેખાની દુવિધા હતી જ નહીં. અહીં છોકરો અને છોકરી (સૈફ અને રાની) ફક્ત સસ્તા ભાડાનું ઘર મળે એ ખાતર બનાવટી પતિ-પત્ની બનીને રહે છે. સ્ટોરીને અમેરિકાના બેકગ્રાઉન્ડમાં સેટ કરવામાં આવી છે, જ્યાં સાથે રહેતાં રહેતાં રાની પ્રેગ્નન્ટ થઇ જાય છે! પરંતુ એ ફિલ્મની મૂળ સમસ્યા છે જ નહીં! સમસ્યા એ છે કે સૈફ બાપ તરીકેની કોઇ જવાબદારી લેવા તૈયાર જ નથી. છતાં રાની બાળકને જન્મ આપવા માટે મક્કમ છે. (આવી જ થીમ લઇને 2000માં આવી હતી ‘ક્યા કહેના’. જેમાં પ્રીટિ ઝિન્ટા બાળકને જન્મ આપવા માગે છે પણ મા, બાપ અને સમાજ શું કહેશે, એ સમસ્યા હતી.) અહીં વાર્તા અમેરિકામાં છે એટલે સમાજની તો બાદબાકી જ થઇ ગઇને? પરંતુ એ જ કારણસર ફિલ્મ રસપ્રદ બને છે કે સૈફ ‘જવાબદાર’ બનવા તૈયાર છે કે નહીં?
તન કી સીમારેખાને લઇને રોમેન્ટિક ફિલ્મોના સરતાજ એવા ઇમ્તિયાઝ અલીએ બે વાર ‘લવ આજકાલ’ બનાવી. પહેલી ફિલ્મની શરૂઆત જ ફિઝિકલ રિલેશનશિપના બ્રેક અપથી થાય છે. પરંતુ રિશી કપૂર પોતાના જમાનાની ‘પ્યોર પ્લેટોનિક લવ’ની દાસ્તાન સંભળાવે છે એ પછી સૈફને સાચા પ્રેમનું ભાન થાય છે.
‘લવ આજકલ’ના બીજા વર્ઝનમાં પણ બે વાર્તાઓ છે પરંતુ અહીં મામલો ઊલટસૂલટ છે. જૂની કહાણીમાં માત્ર અને માત્ર સેક્સનું આકર્ષણ છે પરંતુ આજનો કાર્તિક આર્યન ‘સેક્સ’માં નથી માનતો! (કદાચ એટલે જ આજના યુવાનોને આ ફિલ્મ ખાસ પસંદ ના પડી.) જોકે એ 21મી સદીની જ તાસીર છે કે અહીં ફિલ્મોનાં નામો પણ ‘લવ સેક્સ ઔર ધોકા’ અને ‘લસ્ટ સ્ટોરીઝ’ હોઇ શકે છે. એટલું જ નહીં, રિવેન્જ માટે સ્ત્રી પોતાના શરીરનો ઉપયોગ શસ્ત્ર તરીકે કરે છે એવી ‘હેટ સ્ટોરીઝ’ની ચાર ફિલ્મો પણ આવી ગઇ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.