દેશ-વિદેશ:યુરોપમાં 500 વર્ષનો સૌથી ખરાબ દુષ્કાળ

17 દિવસ પહેલાલેખક: જય નારાયણ વ્યાસ
  • કૉપી લિંક
  • યુરોપના કેટલાક દેશોમાં વરસાદ ઓછો છે. યુકેએ 60 ટકા કાઉન્ટીઓમાં આ વરસ અસામાન્ય રીતે સૂકું રહેતા સત્તાવાર દુષ્કાળ જાહેર કર્યો છે

યુરોપના બે તૃતીયાંશ ભાગમાં છેલ્લાં 500 વર્ષનો સૌથી ખરાબ દુષ્કાળ પાડવાની આશંકા છે. સમગ્ર પશ્ચિમ, મધ્ય અને દક્ષિણ યુરોપમાં લગભગ બે મહિના સુધી નોંધપાત્ર વરસાદ થયો નથી અને નજીકના ભવિષ્યમાં કોઈ આગાહી પણ નથી. દુષ્કાળે યુરોપની મહત્ત્વની નદીઓ લોયર, રાઈન, પો અને ડેન્યુબનાં જળ સ્તરને ઘટાડી દીધું છે, જેનાં પરિણામે ઉદ્યોગ, ફ્રેઇટ, ઊર્જા અને ખાદ્ય ઉત્પાદનને અસર થશે. કલાઇમેટ ચેન્જને કારણે યુરોપમાં અસામાન્ય શુષ્ક શિયાળો અને વિક્રમજનક ઉનાળુ તાપમાને યુરોપના મુખ્ય જળમાર્ગોને અસર કરી છે.

ગ્લોબલ ડ્રાઉટ ઓબ્સર્વેટરીના તાજેતરના અહેવાલમાં જણાવાયું છે કે 47 ટકા યુરોપિયન ખંડમાં માટી સુકાઈ ગઈ છે અને 17 ટકા ભાગમાં વનસ્પતિને અસર થઈ છે. અહેવાલ ચેતવણી આપે છે કે સૂકું હવામાન પાકની ઉપજને અસર કરશે, જંગલમાં આગ ભભૂકી શકે છે અને યુરોપના કેટલાક દક્ષિણ પ્રદેશોમાં આ પરિસ્થિતી કેટલાક વધુ મહિનાઓ રહેશે. પાછલા પાંચ વર્ષની સરેરાશની સરખામણીમાં યુરોપમાં મકાઈ, સોયાબીન અને સૂર્યમુખીનો પાક ૧૨થી ૧૬ ટકાની વચ્ચે રહેવાની આગાહી છે. ગરમીના કારણે સમગ્ર EUમાં પાણીના સ્તર પર અસર થઈ છે. યુરોપના તમામ તળાવો અમુક અંશે સુકાયા છે. છેલ્લા એક મહિનાથી યુરોપિયન મીડિયામાં સૂકાઈ રહેલા અને ખુલ્લા નદીના પટના ફોટા દર્શાવાઈ રહ્યા છે.

ફ્રાન્સની સૌથી લાંબી નદી લોયર, હવે પગપાળા ઓળંગી શકાય છે. રાઈન, જર્મનીની સૌથી લાંબી અને સૌથી મોટી નદી, વહાણ માટે દુર્ગમ બની રહી છે. ઇટાલીમાં, પો સામાન્ય કરતાં બે મીટર નીચા સ્તરે છે અને સર્બિયામાં ડેન્યુબ નદીના તળની સફાઈ ચાલી રહી છે. મીડિયા અહેવાલો અનુસાર, યુરોપિયન ઉનાળો 1540 પછી ક્યારેય આટલો ગરમ રહ્યો નથી. આ વરસે યુરોપના ઘણા દેશોમાં તાપમાન 40 ડિગ્રીથી વધુની ઐતિહાસિક ઊંચાઈએ પહોંચી ગયું. આના લીધે કૃષિ, પીવાના પાણીના પુરવઠા અને હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર ઉપરાંત, સૌથી વધુ અસર જળમાર્ગો પર થઈ છે, કારણ કે યુરોપ આર્થિક રીતે કાર્ગો વહાણ માટે નદીઓ પર ખૂબ જ નિર્ભર છે. અનેક નદીઓમાં પાણીનું સ્તર એક મીટરથી પણ ઓછું હોવાથી મોટા જહાજોની અવરજવરને અસર થઈ છે અને જળ પરિવહનને ખરાબ રીતે ફટકો પડ્યો છે; વીજ ઉત્પાદનને નુકસાન થવાથી ઉર્જાના ભાવમાં વિક્રમી વધારો થયો છે; અને ખાદ્યપદાર્થોના ભાવમાં તીવ્ર ઉછાળો આવ્યો છે. યુરોપમાં આ પહેલાં પણ 2003, 2010 અને 2018માં દુષ્કાળ પડ્યો હતો, જેની સરખામણી પણ 1540ના દુષ્કાળ સાથે કરવામાં આવી હતી. 2018નો દુષ્કાળ પણ ખૂબ જ ગંભીર હતો, પરંતુ યુરોપિયન કમિશનની રિસર્ચ વિંગે ચેતવણી આપી છે કે હાલનો દુકાળ ઓછામાં ઓછાં 500 વરસ પછીનો સૌથી ખરાબ હોવાનું જણાય છે. યુરોપમાં હાલ સરેરાશ કરતાં જંગલની આગના વધુ ને વધુ કિસ્સા બની રહ્યા છે જેની પાક ઉત્પાદન પર ખૂબ અસર પડી છે. ઘણા સ્થળોએ તો આખું વરસ દુષ્કાળની પરિસ્થિતી રહી છે પરંતુ ઓગસ્ટની શરૂઆતથી તે વ્યાપક અને વધુ ખરાબ થઈ રહી છે.

ઈટાલી, સ્પેન, પોર્ટુગલ, ફ્રાન્સ, જર્મની, નેધરલેન્ડ, બેલ્જિયમ, રોમાનિયા, હંગેરી, યુક્રેન, મોલ્ડોવા, આયર્લેન્ડ અને યુકે સહિતના દેશોમાં સ્થિતિ વણસી રહી છે. સમગ્ર યુરોપમાં નદીઓમાં પાણીના સ્તર ઘટી રહ્યા હોવાથી આબોહવા પરિવર્તનના યુગમાં જાણે આપણો ભૂતકાળ વર્તમાનમાં ઘૂસી આવ્યો હોય એમ યુરોપની બીજી સૌથી મોટી નદી, ડેન્યુબના સર્બિયન પટમાં નાઝી-યુગના જર્મન યુદ્ધ જહાજોનો એક ફ્લોટિલા સપાટી પર આવ્યો હતો જે હજુ પણ દારૂગોળો અને વિસ્ફોટ વિનાના ઓર્ડનન્સથી ભરેલો હતો. જળમાર્ગો સુકાઈ જવાથી અન્ય ખંડેરો અને ભંગાર દેખાઈ રહ્યા છે. સમ્રાટ નીરોના આદેશ હેઠળ બાંધવામાં આવેલો પહેલી સદીનો ડૂબી ગયેલો રોમન પુલ ગયા મહિને ટિબર નદીમાંથી બહાર આવ્યો. ઇટાલીના લેક કોમોના ઊંડાણમાંથી હરણની એક લાખ વર્ષ જૂની ખોપરી અને સિંહ, હાયનાસ અને ગેંડાના પ્રાચીન અવશેષો બહાર આવ્યા. આવું તો ઘણું બધુ સામે આવી રહ્યું છે!

યુરોપના કેટલાક દેશોમાં વરસાદ ઓછો છે. યુકેએ 60 ટકા કાઉન્ટીઓમાં આ વરસ અસામાન્ય રીતે સૂકું રહેતા સત્તાવાર દુષ્કાળ જાહેર કર્યો છે. ફ્રાન્સ, જર્મની અને નેધરલેન્ડની પરિસ્થિતિ પણ બહુ જુદી નથી. યુરોપીયન ખંડની 60 ટકા જમીન કૃષિ દુષ્કાળનો સામનો કરી રહી છે. માત્ર યુરોપ જ નહીં વિશ્વભરમાં હીટવેવ્સ, પૂર, દુષ્કાળ, જંગલમાં આગ, તોફાન, વગેરે હવામાનની ઘટનાઓમાં વધારો થયો છે.

તાજેતરમાં ચીને 60 વર્ષના સૌથી ખરાબ ઉનાળાનો અનુભવ કર્યો. ચીન પણ ગંભીર દુષ્કાળ તરફ આગળ વધી રહ્યું છે. ત્યાં યાંગ્ત્ઝે નદીના પાણીનું સ્તર ઘટતા હાઈડોપાવર પ્લાન્ટમાં વીજળીનું ઉત્પાદન ઘટી ગયું અને પરિણામે સેંકડો ફેક્ટરીઓ બંધ કરવી પડી છે. અમેરિકામાં 40 ટકાથી વધુ વિસ્તાર દુષ્કાળની સ્થિતિમાં હોવાના અહેવાલ છે તો અમેરિકાના જ કેટલાંક શહેરોએ 1000 વર્ષના સૌથી ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ અનુભવી. આવી ઘટના બનવાની માત્ર 0.1 ટકા સંભાવના છે. દક્ષિણ એશિયામાં, ભારત, પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશે આ વરસે મુશળધાર વરસાદ, પૂર અને હીટવેવનો અનુભવ કર્યો. તાજેતરના વર્ષોમાં તીવ્ર હવામાનની ઘટનાઓમાં ખૂબ વધારો થયો છે. આ બધુ આબોહવા પરિવર્તનનું પરિણામ છે. આજે વિશ્વનો કોઈપણ ભાગ આબોહવા પરિવર્તનની વાસ્તવિકતાથી સુરક્ષિત નથી.⬛
(લેખક ગુજરાતના આરોગ્ય મંત્રી રહી ચૂક્યા છે. )

અન્ય સમાચારો પણ છે...