એક વાત સમજી લો, કોઇ પણ ફિલ્મ, ગોવા ફિલ્મ ફેસ્ટિવલમાં જાય તો એ બધી ઓફિશિયલી સિલેક્ટ થયેલી ભારતીય ફિલ્મ ના કહેવાય. કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ‘પાથેર પાંચાલી’ અને બીજી એકાદ મલયાલી ફિલ્મ બાદ કોઇ ભારતીય ફિલ્મને સાચૂકલો એવોર્ડ મળ્યો નથી. ત્યાં આપણી ફિલ્મોનો ભાડાના થિયેટરમાં રાખેલો ધંધાદારી શો હોય છે! સાચો ‘દાદા સાહેબ ફાલકે’ એવોર્ડઝ માત્ર રાજ કપૂર કે સત્યજિત રે જેવી હસ્તીને જ અપાય છે પણ આજે ગલી-ગલી ફાલકે એવોર્ડ્ઝ ફરી રહ્યા છે. એક જ ટૂંકી વાર્તા પર સાહિત્ય અકાદમીનો એવોર્ડ ના મળે! નેશનલ એવોર્ડ પણ દરેક ભાષાની ફિલ્મમાંથી કોઇ એકને જ મળે, બાકીની જે તે ભાષાની ઓછી સારી/ખરાબ ફિલ્મ હોય એને અપાય!
કાન્સ ફેસ્ટિવલમાં જઇને આપણા સ્ટાર લોકો જેમ ‘રેડ કાર્પેટ’ના બેશરમીથી ફોટા મૂકે છે એમ વરસોથી કલાકારો-સાહિત્યકારો-ફિલ્મકારો પોતાના વિશે મોટા એવોર્ડ્ઝ બાબતે જૂઠાણાં જ બોલે છે. ચલો ભલે. સૌ કલાકારો ખુશ રહે, ભ્રમણમાં રાચે ને લોકને પણ રાખે! પણ ફોર ટાઇમપાસ, અમને લાગે છે, અમુક નવા ઍવૉર્ડઝ શરૂ કરવા જોઇએ! જેમ કે-
બેસ્ટ ચાંદલા ઍવૉર્ડ: ખૂબ બધાં લગ્નોમાં હાજરી આપીને મામૂલી ચાંદલા આપવામાં જે વિક્રમ સ્થાપે એના માટે આ ઍવૉર્ડ છે. માત્ર 51 રૂ.નો ચાંદલો આપીને 1000 રૂ.ની થાળી જમીને ‘ધાણાદાળ તો હાવ હવાયેલી હતી, લ્યો!’ એવું નિર્દયીપણે કહી શકનારને આ ઍવૉર્ડ મળવાની પૂરી શક્યતાઓ છે. આ માટે ઉમેદવારે ઘણી બધી કંકોતરીઓ અને મોંઘાં કપડાંમાં સ્ટેજ પર ચાંદલો આપતા ફોટાઓ સાબિતી રૂપે આપવા પડશે
બેસ્ટ ખતરોં કે ખેલાડી ઍવૉર્ડ: અહીંયા સામાન્ય રમતો નહીં, પણ જીવનથી જોડાયેલી ખાસ રમતોની વાત છે. જેમ કે- અમદાવાદના વિચિત્ર ટ્રાફિકને ચીરીને ડાબે જમણે જોયા વિના ફાકી ચાવતો ચાવતો જે માણસ બિન્ધાસ્ત રોડ ક્રોસ કરી શકે એને આ ઍવૉર્ડ મળી શકે! અથવા સૌરાષ્ટ્રમાં રસ્તે રખડતી ગાંડી ગાયથી ડર્યા વિના એની સામે જ ‘સનેડો સનેડો’ ગાતાં ગાતાં જે ખુલ્લી છાતીએ ગુજરી શકે એ જ આનો સાચો હકદાર. ઇન્ટરવલ હમ કો મલૂમ હૈ જન્નત કી હકીકત લેકિન દિલ કે ખુશ રખને કો ‘ગાલિબ’, યે ખયાલ અચ્છા હૈ! લાઇફટાઇમ એચિવમેન્ટ ઍવૉર્ડ ફોર લેખક: લાઇફમાં કાંઇ પણ ખાસ લખ્યા વિના જેમણે ‘લાઇફ-ટાઇમ ઍવૉર્ડ’ માટે ખૂબ વલખાં માર્યા હોય એવા સરકારી-ચાટુકાર સાહિત્યકારને આ ઍવૉર્ડ આપી દેવો જેથી એ વડીલ લાઇફભર શાંત રહે. જેમને જ્ઞાનપીઠ, પદ્મશ્રી કે સાહિત્ય અકાદમી વગેરેના ઍવૉર્ડ્ઝ કદીયે નથી મળવાના એમને જ આ ઍવૉર્ડ આપવામાં આવશે. વળી, એ લેખક, પેલા ઍવૉર્ડને લાઇફથી પણ વધારે ચાહતો હોવાથી એ ક્યારેય ઍવૉર્ડ પાછો આપીને કોઇપણ સરકારનો વિરોધ નહીં કરે એની ગેરન્ટી.
બેસ્ટ કસરતી/જિમ્નાસ્ટ ઍવૉર્ડ: સરકાર-શાહુકાર કે કથાકારને જોતાવેંત જ જે ઘૂંટણિયે પડી શકે એવા લેખક-કલાકાર-પત્રકારને આ ઍવૉર્ડ મળી શકે. એમણે આખા વરસમાં કેટલીવાર લખવા-બોલવા કે સોશિયલ મીડિયામાં ચરકવામાં કેવી ને કેટલી ચમચાગીરી કરી એનો રેકોર્ડ તપાસવામાં આવશે! કદાચ આ કેટેગરીમાં ભારે હરીફાઇ કે ભીડને લીધે ક્રિકેટ સ્ટેડિયમમાં જાહેરમાં, સત્તા કે પાવર સેન્ટર સામે 10 મિનિટ ઘૂંટણિયે સજદામાં પડવાની ટેસ્ટ લઇને સિલેક્શન કરવામાં આવશે.
બેસ્ટ પ્રવાસી ઍવૉર્ડ: આ ઍવૉર્ડ, કોલંબસ કે માર્કો પોલો જેવા દુનિયા ખૂંદનાર પ્રવાસી માટે નથી, પણ શની-રવિની રજાઓમાં કે 3-4 દિવસના લાંબા વેકેશનમાં છાંટોપાણી કરવા જે સૌથી વધુ વાર આબુ, દમણ કે છેક મુંબઇ સુધી ટ્રાવેલિંગ કરે એને ઍવૉર્ડ મળશે. વિજેતાની સામાજિક પ્રતિષ્ઠા જાળવી રાખવા એમનું નામ ડિક્લેર નહીં કરવામાં આવે. આ માટે ગુજરાત પોલીસની કે હાઇ-વે પરનાં ટોલબૂથની સેવા લેવામં આવશે.
બેસ્ટ સપોર્ટિંગ ઍક્ટર ઍવૉર્ડ: પોતાના મિત્રની પત્ની, નવરાત્રિમાં ચણિયાચોળી પહેરીને ગમે તેવી હોરિબલ દેખાતી હોય પણ તોયે એના વખાણ કરી શકે: “ભાભી, તમે તો કેટરિના કૈફ જેવા લાગો છો એ જ આ સન્માન મેળવી શકે!’ એટલું જ નહીં પણ મિત્ર ને એની પત્ની ગરબા રમવા જાય ત્યારે ભાભીના સેન્ડલ હસતા મોંએ સાચવીને જે ગુજ્જુ મિત્રના દામ્પત્યજીવનને સપોર્ટ આપે એને ‘સપોર્ટિંગ ઍક્ટર’નો ઍવૉર્ડ મળશે
બેસ્ટ અભિનેતા ઍવૉર્ડ: વર્તમાન ગર્લફ્રેન્ડ કે થનારી પત્નીના ઘરે પીરસાયેલું જમવાનું ગમે તેવું વાહિયાત હોય પણ હસતાં મોઢે આખી થાળી ચાટી જનારને આ ઍવૉર્ડ મળી શકે છે. સ્વાદપ્રેમી ગુજ્જુ જ્યારે ના ભાવતું ભોજન પણ પેટ ભરીને ઝાપટી શકે એ જ એના અભિનયની ખરી કસોટી છે.
બેસ્ટ અભિનેત્રી ઍવૉર્ડ: પાપડના લૂઆ-ખીચિયાં, પાણીપૂરી કે ગાંઠિયા સાથે અપાતી પપૈયાની ચટણી જેવી ચટપટી વાનગીઓ પોતાની સામે જ હોય છતાં યે, મોંમાં આવતાં પાણી પર કપરો કન્ટ્રોલ કરીને, ચેહરા પરના હાવભાવ પરખાવા નહીં દે એને જ આ અઘરું સન્માન મળશે. જોકે, આમાં કોઇપણ ગુજરાતી મહિલા ઍવૉર્ડ ના જીતે એવું પણ બનવાની પૂરી સંભાવના છે!
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.