તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાગ બિન્દાસ:શબ્દ,અપશબ્દ અને નિશબ્દ આવી ગાળાગાળીની મોસમ

5 મહિનો પહેલાલેખક: સંજય છેલ
 • કૉપી લિંક
 • ગાળનું પણ સલાહ જેવું જ છે, બીજાને આપવામાં મજા આવે અને જો તમને અપાય તો ન ગમે! પણ આજે બધે ગાળો આપવાની સિઝન ચાલી રહી છે

ટાઈટલ્સ
નિર્બળના ગુસ્સામાં એક છાની ચીસ સમાયેલી હોય છે.(છેલવાણી)
વાતેવાતે ગાળો બોલનારા બદ્તમીઝ પોપટનો માલિક મરી ગયો એટલે એના દૂરના સગાંને એની મિલકત સાથે પોપટ પણ જાયદાદમાં મળ્યો. પેલા સગાંને ખબર નહીં કે પોપટ ખૂબ ગાળો બોલે છે. એણે પોપટને બહુ મનાવ્યો, સમજાવ્યો, પણ પોપટ તો ગાળો ભાંડ્યા જ કરે.પછી કંટાળીને એણે પોપટને ફ્રિજમાં પૂરી દીધો. થોડી વારે પેલાને પોપટની ચિંતા થઈ માટે ફ્રિજનું બારણું ખોલ્યું તો પોપટે ઠંડીમાં ધ્રૂજતા ધ્રૂજતા કહ્યું, ‘મને ભલે સજા કરી, પણ આ ગાજર પણ ગાળો બોલતું’તું કે એનેય પૂર્યું છે?’

ગાળ બહુ ગંદી ચીજ છે. ગાળનું પણ સલાહ જેવું જ છે, બીજાને આપવામાં મજા આવે અને જો તમને અપાય તો ન ગમે! પણ આજે બધે ગાળો આપવાની સિઝન છે. કોઇ કાશ્મીરી વિપક્ષી નેતાઓને ‘ગેંગ’ કહીને વખોડે છે, કોઇ ખેડૂતોને ખાલિસ્તાની આતંકવાદી કહીને ગાળ આપે છે, શિવસેનાના નેતા સંજય રાઉત તો સવાર પડે બેફામ ગાળાગાળી બયાનબાજી કરે છે. કોઇ વિરોધીઓને દેશદ્રોહી કે પાકિસ્તાની કહી ગાળો આપે છે. ટ્વિટર કે ફેસબુક પર બધાં ફિલ્મવાળાઓને ગંજેડી કે અંડરવર્લ્ડના એજન્ટો જેવી ગાળો આપીને બહિષ્કાર કરવા પર ઊતરી આવે... સોશિયલ મીડિયામાં તો આઇટી સેલના અમુક લોકો પૈસા લઇને ગાળાગાળી કરવા જ જાય છે! બધે ઉકળાટ અને અપશબ્દોની બૌછાર છે. જોકે આજની વાત નથી.

આપણને ગમે કે ન ગમે, પણ અપશબ્દો જીવનનું વરવું સત્ય છે. હમણાં એક પ્રોફેસરે અમેરિકન સાહિત્ય વિશે રિસર્ચ કરીને કહ્યું છે કે આજકાલ અંગ્રેજી સાહિત્યમાં અગાઉ કરતાં 28 ગણી વધારે ગાળો વપરાય છે! જે સાહિત્યને સમાજમાં ઈજ્જતની નજરથી જોવાય છે, એમાં જ બેઈજ્જતી કરતી ગાળો છે! સાહિત્યમાં ગાળો લખાવી જોઈએ કે નહીં એ એક ગંભીર પ્રશ્ન છે, જેને માત્ર ગાળ આપીને અવગણી ન શકાય! જોકે સાહિત્યમાં ગાળો હોવી જોઇઐ કે નહીં એ પ્રશ્ન કોઈ સુરતી લેખકને પૂછવામાં માલ નથી, કારણ કે એ તો ‘સાહિત્યમાં ગાળો ન જ ચાલે એની (ગાળ)...’ કહી દેશે. થોડા વર્ષ અગાઉ મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં બહુ મજેદાર ઘટના બની કે એક સ્ત્રીએ પોલીસ પાસે પાળેલા પોપટની ફરિયાદ કરી કે પોપટ એને ભૂંડી ગાળો આપે છે! બાઈનું કહેવું હતું કે એનો સાવકો દીકરો પોપટને ગાળો શીખવે છે અને મને સતાવે છે! પોલીસે પાછી એ પોપટની ધરપકડ પણ કરી! પોલીસે પોપટની ઊલટતપાસ કરવા એને સવાલો પૂછ્યા હશે? એમાં પોપટે જવાબમાં ગાળો આપી હશે? હવે આપણે ત્યાં કંઈ પણ શક્ય છે.

ઇન્ટરવલ
હાથોં મેં ચાબુક, હોઠોં પે ગાલિયાં
બડી નખરેવાલિયાં હોતી હૈ ટાંગેવાલિયાં
(આનંદ બક્ષી)

આપણે ત્યાં લોકગીતો કે હોળી-ગીતો, લગ્નનાં ફટાણાં વગેરેમાં ગાળો છૂટથી વપરાય છે, પણ અમેરિકન સાહિત્યની જેમ હજી ભારતીય સાહિત્યમાં ગાળો બહુ બિનધાસ્તપણે વપરાતી નથી. વળી ગુજરાતી સાહિત્યમાં ગાળો ભાગ્યે જ વપરાય છે. મજૂરો, દલિતો-સડકનાં પાત્રો, ગંદી ગલી બદનામ બસ્તીની વાર્તાઓમાં નાકનું ટીચકું ચડાવનારા ગુજરાતીઓમાં ધગધગતા જીવનને પચાવવાની તાકાત નથી. જ્યાં ધર્મ, ચિંતન અને પ્રેરણાદાયી વાતોની મહેરબાનીએ જ પુસ્તકો વેચાતાં હોય, ત્યાં ગાળો લખવાની હિંમત ક્યાંથી હોય? આનો અર્થ એ નથી કે અમે ગાળોને માન આપીએ છીએ કે અનુમોદન કરીએ છીએ, પણ ઠંડી હકીકત એ છે કે અમેરિકન સાહિત્યમાં ગાળોનો વપરાશ વધુ થાય છે, કારણ કે ત્યાં જીવાતા જીવનને કે આસપાસના વાતાવરણને ઝીલવાની ઈમાનદારી છે. આપણો સમાજ, વાસ્તવિકતાના કચરાને કાર્પેટની નીચે સંતાડવામાં માને છે. જે આફ્રો-અમેરિકન કે કાળા લોકોને ગોરાઓએ સદીઓ સુધી સતાવ્યા, દબાવ્યા કે રિબાવ્યા એમની વાતોમાં કે ગીતોમાં ગુસ્સાવાળી ગાળો હોઇ જ શકે ને? આપણા લેખકો તો ગુસ્સો કરવાનું જ ભૂલી ગયા છે. પેમલા-પેમલી ને આડાસંબંધોની નવલકથાઓમાં સમાજ કે સત્તા સામે ગુસ્સો ક્યાંથી હોય? મરજાદી પરિવારો ને કાંજી કરેલી સફેદ સાડી જેવાં ટિપિકલ પાત્રોવાળી વાર્તાઓમાં આક્રોશના અપશબ્દો ક્યાંથી હોય?

હા, અફકોર્સ શિષ્ટ સાહિત્યમાં અપશબ્દો ખૂંચે ખરા, પણ એ અપશબ્દો કયા આશયથી બોલાય છે એના પર નિર્ભર છે. સામૂહિક બળાત્કારને લીધે દુભાયેલી ને પીડાયેલી ડાકુરાણી ફૂલનદેવીનું પાત્ર જ્યારે ‘બેન્ડિટ ક્વીન’ ફિલ્મમાં ગુસ્સાથી કહે છે કે, ‘સબ મર્દ (ગાળ) હોતે હૈં!’ તો એમાં વેદના દેખાય છે, પણ પત્ની, સ્ત્રી, નોકર કે કમજોર પર મજાકમાં બોલાતી ગાળમાં નફફટાઇ છે. ગાળ એટલે અપશબ્દ એટલે કે નીચે પડેલો, ઊતરતો શબ્દ છે. જોકે એ પણ હકીકત છે આજની ઘણી ફિલ્મો કે ઓનલાઇન આવતી સિરિયલોમાં માત્ર ચોંકાવવા કે ઈફેક્ટ માટે ગાળો બોલાય છે, જે માત્ર કમાઇ લેવાની નફ્ફટાઈ છે. ઓડિયન્સને માત્ર ઉશ્કેરી કે ગલગલિયાં કરીને પૈસા કમાવાનો ખેલ છે! ઘણી વાર લોકો સારી ભાષામાં પણ ગાળો બોલી નાખે છે. વીસેક વર્ષ અગાઉ મુંબઈના ભાઈદાસ હોલ બહાર એક પોશ કારને કોઈ ઠોકીને ભાગી ગયું. એ કાર જાણીતા ભજનસમ્રાટ અનુપ જલોટાની હતી. એણે પોતાની ગાડીની હાલત જોઈને કહ્યું, ‘હાઈલા, દેખો ના કિસીને મેરી નઈનવેલી ગાડી કી મૈયા બજા દી!’ અનુપે ‘મૈયા મોરી મૈં નહીં માખન ખાયો’ની ભાષામાં જ અપશબ્દો આપ્યા!

અંતે ફરીથી ગાળો બોલતો પોપટ યાદ આવે છે. એક તોછડો પોપટ રોજ રસ્તે જતા એક સંતને ગંદી ગાળો આપે. સંતે કંટાળીને પોપટના માલિકને ફરિયાદ કરી. માલિકે પોપટને માર્યો અને ગાળો ન આપવા ધમકી આપી. બીજે દિવસે સંત ત્યાંથી પસાર થયો ત્યારે પોપટ કશું બોલ્યા વિના માત્ર હસ્યો. સંતે પોપટ તરફ જોયું છે. એક તોછડો પોપટ રોજ રસ્તે જતા એક સંતને ગંદી ગાળો આપે. સંતે કંટાળીને પોપટના માલિકને ફરિયાદ કરી. માલિકે પોપટને માર્યો અને ગાળો ન આપવા ધમકી આપી. બીજે દિવસે સંત ત્યાંથી પસાર થયો ત્યારે પોપટ કશું બોલ્યા વિના માત્ર હસ્યો. સંતે પોપટ તરફ જોયું તો પોપટ બોલ્યો : ‘સમજી તો ગયો જ હોઈશ કે હું શું કહેવા માગું છું?’ પેલા સંત ચૂપચાપ ગમ ખાઈને જતા રહ્યા, એ જ રીતે જેમ સોશિયલ મીડિયાની ગાળાગાળીમાં આપણે સૌ હતપ્રભ છીએ!
એન્ડ ટાઈટલ્સ
આદમ : તેં પેલી વેબસીરિઝ જોઈ?
ઇવ : જોઇ અને સાંભળી પણ... એમાંની ગાળો
sanjaychhel@yahoo.co.in

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો