ગઈ કાલથી વિમેન્સ પ્રીમિયર લીગની શરૂઆત થઇ ચૂકી છે. બીસીસીઆઈએ ઘણા વર્ષો સુધી રાહ જોવડાવ્યા બાદ તબક્કા વાર વિમેન્સ લીગના આયોજનની ઘોષણા કરીને પહેલા જ ધડાકે વિમેન્સ પ્રીમિયર લીગને સૌથી મોટી બનાવી દીધી છે. છેલ્લાં 10-15 વર્ષોથી વિમેન્સ ક્રિકેટમાં સતત ઇન્વેસ્ટમેન્ટ કર્યા બાદ બીસીસીઆઈએ લીગના બ્રોડકાસ્ટિંગ રાઇટ્સ 951 કરોડમાં વેચ્યા અને ત્યાર બાદ ફ્રેન્ચાઈઝ ફી તરીકે 4670 કરોડની આવક ઊભી કરીને વિમેન્સ ક્રિકેટને આત્મનિર્ભર કરી દીધું છે. વિમેન્સ પ્રીમિયર લીગમાં 5 ટીમ છે. આજે તેમના ટીમ બેલેન્સ વિશે વાત કરીશું. વિમેન્સ લીગનું ફોર્મેટ શું છે? 5 ટીમ વચ્ચે 22 મેચ રમાશે. દરેક ટીમ વિરોધી ટીમ સામે રાઉન્ડ રોબિન મુજબ બે વાર રમશે એટલે કે દરેક ટીમને 8 મેચ રમવાનો મોકો મળશે. ટેબલ ટોપર ટીમ બારોબાર ફાઇનલ પ્રવેશ કરશે જ્યારે નંબર 2 અને નંબર 3 ટીમ વચ્ચે નોકઆઉટ મુકાબલો થશે. આ મેચની વિજેતા ટીમ ફાઇનલિસ્ટ ટીમ વચ્ચે ટાઇટલ ક્લેશનો ફાઇનલ મુકાબલો થશે. દિલ્હી કેપિટલ્સ : જી.એમ.આર હોલ્ડિંગ અને જે.એસ.ડબ્લ્યુ સ્પોર્ટસે 810 કરોડ ચૂકવીને દિલ્હીની ફ્રેન્ચાઇઝી ખરીદી છે. તેઓએ 11.65 કરોડ ખર્ચીને 6 ઓવરસીઝ ખેલાડીઓ સહીત કુલ 18 ખેલાડીઓની સ્ક્વોડ બનાવી છે. ટીમની સ્ટ્રેન્થ શેફાલી, જેમાઈમા અને મેગ લેનિન્ગની ટોપ ઓર્ડર બેટિંગમાં છે. આ સિવાય, જેસ યોનાસન, રાધા યાદવ, પૂનમ યાદવ, મેરીઝન કાપ, શિખા પાંડે જેવા સ્ટાર ખેલાડીઓ ટીમને મજબૂતી આપશે. લોઅર મિડલ ઓર્ડરમાં એક એટેકિંગ વિકેટ કીપિંગ બેટ્સમેનની કમી તેમને નડી શકે તેમ છે. યુ.પી. વોરિયર્સ : કેપરી ગ્લોબલ હોલ્ડિંગે 757 કરોડ ચૂકવીને લખનૌ ફ્રેન્ચાઇઝી ખરીદી છે. તેઓએ ઓક્શનમાં 12 કરોડ ખર્ચીને 6 ઓવરસીઝ ખેલાડી સાથે 16 ખેલાડીઓની સ્ક્વોડ બનાવી છે. ટીમમાં એલિસા હિલી અને દીપ્તિ શર્મા જેવા વિસ્ફોટક ખેલાડીઓ મોજુદ છે. તે સિવાય અંડર-19 સ્ટાર પાર્શ્વી ચોપરા, તાહળીયા મેક્ગ્રાથ, ગ્રેસ હેરિસ, સોફી એક્સલસ્ટોન, રાજેશ્વરી ગાયકવાડ જેવાં ખેલાડીઓ ટીમને સંતુલન આપશે. આ ટીમમાં કિરણ નાવગીરે અને લક્ષ્મી યાદવ સિવાય મિડલ ઓર્ડરમાં કોઈ સ્પેશિયાલિસ્ટ બેટર નથી કે જે એન્કર રોલ સંભાળી શકે. ગુજરાત જાયન્ટસ : અદાણી સ્પોર્ટ્સલાઈન પ્રાઇવેટ લિમિટેડે 1289 કરોડ ચૂકવીને ગુજરાત જાયન્ટ્સની ટીમ ખરીદી છે. મેનેજમેન્ટે ઓક્શનમાં 11.5 કરોડ ખર્ચીને 6 ઓવરસીઝ ખેલાડીઓ સહિત 18 ખેલાડીઓની સ્ક્વોડ બનાવી છે. ટીમમાં એશલી ગાર્ડનર, એનાબેલ સધરલેન્ડ અને ડિએન્દ્રા ડોટિન જેવા મંજાયેલા અનુભવી ખેલાડીઓ, સ્નેહ રાણા, હરલીન દેઓલ, એસ મેઘના અને ડી હેમલથા જેવા ખેલાડીઓની આસપાસ ટીમ બનશે. ટીમમાં નવોદિત ખેલાડીઓની ભરમાર છે. જો સિનિયર ખેલાડી ઈન્જર્ડ થશે તો ટીમ માટે ટુર્નામેન્ટમાં ટકી રહેવું મુશ્કેલ બની જશે. મુંબઈ ઇન્ડિયન્સ : રિલાયન્સની ગ્રૂપ કંપની ઇન્ડિયાવીન સ્પોર્ટસે 912 કરોડ ચૂકવીને મુંબઈની ટીમ ખરીદી છે. તેઓએ 12 કરોડ ખર્ચીને 6 ઓવરસીઝ ખેલાડીઓ સાથે 17 ખેલાડીઓની સ્ક્વોડ બનાવી છે. હરમનપ્રીત કૌર, પૂજા વસ્ત્રાકર અને નેટ સીવર બ્રન્ટ જેવાં અનુભવી ખેલાડીઓ સાથે મુંબઈની ટીમ પેપર પર સંતુલિત લાગે છે. હીધર ગ્રેહામ અને એમિલીયા કેર જેવા ખેલાડીઓ સંજોગો મુજબ પોતાની રમત બદલીને મેચનું પાસું પલટાવી દેવા સક્ષમ છે. કીપર બેટર ચાસ્તિકા ભાટિયાના બેકઅપની ગેરહાજરી તેમને જરૂર વર્તાશે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર : ડિયાજિયોએ 901 કરોડ ચૂકવીને વિમેન્સ ટીમ ખરીદી છે. સમગ્ર લીગમાં સૌથી મજબૂત ટીમ બેંગ્લુરુ પાસે છે. 11.9 કરોડ ખર્ચીને બેંગ્લુરુની ટીમે 6 ઓવરસીઝ ખેલાડીઓ સાથે 18 ખેલાડીઓની સ્ક્વોડ બનાવી છે. સ્મૃતિ મંદાના, એલિસ પેરી, ડેન વેન નીકર્ક, મેગન શૂટ, હીધર નાઈટ, રિચા ઘોષ જેવા ધમાકેદાર સુપરસ્ટાર્સ ટુર્નામેન્ટ ન જીતી શકે તો જ નવાઈ. ઉપરછલ્લી નજરે જોતાં ટીમમાં માત્ર એક સ્પિનરની ઉણપ છે. તે સિવાય આ ટીમ દ્વારા રમતના તમામ પાસાંઓને આવરી લેવાયાં છે. ⬛ nirav219@gmail.com
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.