રણમાં ખીલ્યું ગુલાબ:વો અફસાના જિસે અંજામ તક લાના ન હો મુમકિન, ઉસે ઇક ખૂબ-સૂરત મોડ દે કર છોડના અચ્છા

ડૉ. શરદ ઠાકર16 દિવસ પહેલા
  • કૉપી લિંક

માતંગનું માથું ઠનકી ગયું. મિસાલને ત્રણ વાર કોલ કર્યો. એણે એક પણ વાર રિસીવ ન કર્યો. માતંગે વિચાર્યું કે મિલાસ કોઇ કામમાં વ્યસ્ત હશે, આજુબાજુમાં કોઇ હશે, ઓફિસમાં કોઇ કસ્ટમર આવ્યું હશે, કદાચ એના બોસે એને બોલાવી હશે, એ સિવાય મિસાલ ફોન રિસીવ ન કરે એવું બને નહીં. માતંગે એક કલાક પ્રતીક્ષા કરી પછી ફરીથી ફોન કર્યો. આ વખતે મિસાલે કોલ રિસીવ કર્યો, ‘હા બોલ, શું હતું?’ મિસાલનો સવાલ સાંભળીને માતંગને આંચકો લાગ્યો. આવો સવાલ આ પહેલાં એ ક્યારેય પૂછતી ન હતી! જ્યારે જ્યારે માતંગ ફોન કરે ત્યારે ત્યારે અડધી રિંગમાં જ મિસાલ કોલ રિસીવ કરી લેતી હતી. અલબત્ત, એ સવાલ ત્યારે પણ પૂછવાનો અંદાજ અલગ હતો અને એ અવાજની નજાકત અનોખી હતી. પૂનમની રાત્રે આસમાનમાંથી ઢોળાતી ચાંદની જેવા રૂપેરી કંઠે એ ઘુઘરીની જેવું રણકી ઊઠતી હતી, ‘હાય માય સ્વીટહાર્ટ! ક્યાં હતો અત્યાર સુધી? હું ક્યારની તારા ફોનની રાહ જોઇ બેઠી હતી.’ અને એ પછી અડધો કલાક, પોણો કલાક, એક કલાક... જેવી સમયની અનુકૂળતા બંને પ્રેમીપંખીડાં જગતથી અજાણ બનીને પ્રેમાલાપમાં આકંઠ ડૂબી જતાં હતાં. પણ હમણાં હમણાંથી મિસાલનું વર્તન કંઇક બદલાઇ ગયેલું લાગતું હતું. સ્ત્રીઓમાં જેમ સિક્સ્થ સેન્સ હોય છે તેમ પુરુષોમાં પણ સેવન્થ સેન્સ હોય છે! માતંગની સાતમી સેન્સ એવું કહેતી હતી કે મિસાલને એનામાંથી ધીમે ધીમે રસ ઓછો થઇ રહ્યો હતો. પણ આજે તો હદ જ થઇ ગઇ. મિસાલનો માત્ર સવાલ જ આંચકાજનક ન હતો. એના અવાજમાં પણ બેરૂખી હતી, તોછડાઇ હતી, હળવું તો હળવું પણ અપમાન કરવાનો ભાવ હતો. માતંગને ગુસ્સાએ ઘેરી લીધો. એણે કહી દીધું, ‘કંઇ કામ ન હતું મને હડકાયું કૂતરું કરડી ગયું હશે એટલે મેં તને ફોન કર્યો.’ આટલું કહીને એણે ફોન કાપી નાખ્યો. એના મનને જરાક શાંતિ થઇ. મિસાલે એના હૈયા પર કરેલા ઉઝરડાનો બદલો તેણે પણ સામો પ્રહાર કરીને લઇ લીધો. ખૂન કા બદલા ખૂન, અપમાન કા બદલા અપમાન! હવે મિસાલ ફોન ઉપર ફોન કર્યા કરશે. એનો અવાજ સાંભળવા ઝૂરશે, મેસેજ કરશે, લેન્ડલાઇનથી ફોન કરશે, પણ પોતે એક પણ કોલ રિસીવ નહીં કરે. છો ટળવળતી. એ આખો દિવસ એક મણ જેટલા નિસાસા અને સાત દરિયા ભરાય એટલાં આંસુ એ ખેરવશે પછી જ પોતે રીસ છોડીને એની સાથે વાત કરશે. ચોવીસ કલાક નીકળી ગયા. મિસાલનો એક પણ ફોન ન આવ્યો, ન કોઇ મેસેજ આવ્યો. શરૂઆતમાં બેચેની, પછી ક્રોધ અને અંતમાં તલસાટ વધતો ગયો. રાત સુધીમાં તો એવી હાલત થઇ ગઇ કે માતંગનું ધ્યાન, સમગ્ર ચિત્તતંત્ર એના મોબાઇલ તરફ જ ખેંચાતું રહ્યું. હમણાં મિસાલનો ફોન આવશે. બીજા કોઇનો ફોન આવે તો પણ એ ઊછળી પડતો હતો. સાંજે ઘરે ગયા પછી એણે આશા છોડી દીધી. એને ખબર હતી કે મિસાલ ઓફિસમાંથી છૂટીને ઘરે ગયા પછી ક્યારેય એને ફોન કરતી ન હતી, ઘરમાં પતિની હાજરીના કારણે. માતંગ પોતે પણ મેરિડ એટલે વર્ષોથી આ સાવધાની જળવાતી આવતી હતી, પણ આજની વાત જુદી હતી. પોતે રિસાયો છે એટલે પ્રેમિકા એને જરૂર મનાવી લેશે, એવી એને આશા હતી. તે રાતભર આશાના પાયા પર સપનાનો મહેલ ચણતો રહ્યો! હવે તો એક જ વાતની પ્રતીક્ષા હતી. આવતી કાલની સવાર પડે અને અગિયાર વાગ્યે મિસાલ એની ઓફિસમાં જાય એ પછી જ કોલ કરી શકાશે. બીજા દિવસે બપોરના એક વાગ્યા સુધી મિસાલનો ફોન ન આવ્યો. માતંગે ગુલાબનાં ફૂલો વોટ્સએપ પર રવાના કરી દીધાં! રોમાન્સથી લથબથતી એક ઉર્દૂ શાયરી વહેતી કરી દીધી! એનો અહમ્ નરમ પડી ગયો હતો. પાછલાં પાંચ વર્ષનો પ્રેમસંબંધ એ આટલી નાનકડી વાતમાં ખોઇ બેસવા માટે મનથી તૈયાર ન હતો. અવશ્ય મિસાલની કોઇ મજબૂરી હોવી જોઇએ. મારા મેસેજના જવાબમાં હવે તો એનો ફોન આવવો જ જોઇએ. પછી પોતે થોડો ગુસ્સો કરશે. થોડી ઘણી એને ખખડાવશે અને પાછું બધું થાળે પડી જશે. મિસાલ ભીના ભીના સ્વરમાં એને કહેશે, ‘આઇ એમ સોરી. ગઇ કાલે હું આખો દિવસ ખૂબ જ બિઝી હતી.. તમને ખૂબ મિસ કરતી હતી, પણ ફોન ન કરી શકી. મને માફ કરી દેશો ને ડિયર?’ પછી પોતે ઉદાર દિલથી એને માફ કરી દેશે અને બધું પાછું જેમનું તેમ થઇ જશે. પ્રેમની વાતો, સપનાંની રાતો અને રંગીન જઝબાતો! મિસાલનો રિસપોન્સ આવ્યો તો ખરો, પણ માત્ર ઇમોજી સ્વરૂપે! ફૂલોના પ્રતિસાદમાં એણે અંગૂઠો બતાવ્યો હતો. આને શું સમજવું પ્રેમિકાની પ્રસન્નતા? કે પછી…? બપોરના ત્રણ વાગ્યા સુધીમાં તો માતંગની ખોપડી ફાટી ગઇ. સ્વમાન બાજુ પર મૂકીને એણે મિસાલને ફોન કર્યો. ચાર-પાંચ રિંગ વાગ્યા પછી મિસાલે રિસીવ કર્યો. ‘હા, બોલ, શું હતું?’ આ વખતે માતંગ અપમાન ગળી ગયો, ‘આ તે કંઇ રીત છે? મારે તારું કંઇ કામ હોય તો જ ફોન કરવાનો? અત્યાર સુધી તો તેં ક્યારેય આવું પૂછ્યું નથી. બે દિવસથી તારું વર્તન….’ મિસાલે જાણે એની વાત સાંભળી જ ન હોય એમ કહ્યું, ‘આજકાલ ઓફિસમાં કામ ખૂબ જ રહે છે. એટલે પહેલાંની જેમ લાંબી વાત નહીં થાય.’ ટૂંકાં ટૂંકાં વાક્યો! ટૂંકી ટૂંકી વાત! માતંગનો ક્રોધ આસમાન સુધી પહોંચી ગયો. એના મનમાં એક-બે ગાળ ઊભરી આવી, પણ એ ગળી ગયો. એણે આટલું બોલીને ફોન કાપી નાખ્યો, ‘સારું, જ્યારે લાંબી વાત થઇ શકે એમ હોય ત્યારે તું જ ફોન કરજે. હું તો નવરો જ બેઠો છું. મારે ક્યાં કંઇ કામધંધો છે? આખા દેશમાં તું એકલી બિઝી છે.’ એ પછી ત્રણ દિવસ નીકળી ગયા. મિસાલનો ફોન એક પણ વાર ન આવ્યો. હવે માતંગનું મન તર્ક અને કુતર્ક કરવા લાગ્યું. મારી બેટી બેવફા નીકળી. જરૂર એને બીજો કોઇ પ્રેમી મળી ગયો હશે અથવા તો એના પતિમાં ડૂબી ગઇ હશે. શાયરે સાચું જ કહ્યું છે, ‘હુશ્નવાલે કિસી કે યાર નહીં હોતે હૈ…!’ અત્યાર સુધી મિસાલ કેવી મીઠી મીઠી પ્રેમભરી વાતો કરતી હતી! એનાં લગ્ન થયાં તે પહેલાં જ્યારે મળતી હતી, ત્યારે એને કેવી વળગી પડતી હતી! એના બંને ગોરા ગોરા હાથ ગળામાં પરોવીને કેવી ફૂલની માળાની માફક ઝૂલી જતી હતી! ભરેલા ગળે કેવી રોમેન્ટિક વાતો કરતી હતી! અને આજે એ જ સ્ત્રી મારી સાથે વાત કરવાનું ટાળી રહી છે. નો પ્રોબ્લેમ, હું પણ એને જોઇ લઇશ. આજ સુધી એણે મારો પ્રેમ જોયો છે. હવે એ મારી નફરત જોશે. માતંગ હવે એ તપાસવામાં પરોવાઇ ગયો કે પોતાની મિસાલને બરબાદ કરવા માટે કેટલી વિસ્ફોટક સામગ્રી મોજૂદ છે. ઓફિસના ડ્રોઅરમાં પડેલા જૂના પ્રેમપત્રો, મોબાઇલ ફોનમાં સચવાયેલાં કેટલાંક ન્યૂડ પિક્સ, ઢગલાબંધ રોમેન્ટિક મેસેજીસ. અત્યાર સુધીમાં જે-જે હોટલ્સના કમરાઓમાં કલાકો ગુજાર્યા હતા, તેના બિલોની પાવતીઓ, ત્યાંના ચોપડાઓમાં નોંધાયેલાં બંનેનાં નામો. અને બીજું પણ ઘણુંબધું. એક જ પળમાં તેને બરબાદ કરી શકાય તેવો દારૂગોળો તૈયાર હતો. માત્ર એના પતિને આ બધું બતાવવાની જ વાર હતી. બે દિવસ સુધી તો બદલાનું ઝનૂન માતંગના દિમાગમાં ઘુમરાતું રહ્યું. ત્રીજા દિવસે એનું જોર થોડુંક ધીમું પડ્યું. મૂળભૂત રીતે તે સજ્જન પુરુષ હતો. તેણે મિસાલને સાચો પ્રેમ કર્યો હતો. એને યાદ આવી ગયું ક્યારેક મિસાલ એના ખોળામાં માથું મૂકીને સૂતી હોય અને પોતે એના ચહેરા પર ઝૂકી રહ્યો હોય ત્યારે મિસાલ કોઇ અજ્ઞાત આશંકાથી ભયભીત બનીને એને પૂછી બેસતી, ‘માતંગ, ધાર કે ભવિષ્યમાં ક્યારેક મારે તારાથી જુદા પડવું પડે એવી પરિસ્થિતિ ઊભી થાય તો તું શું કરે?’ જવાબમાં પોતે કહેતો હતો, ‘તારા વગર હું ઝૂરી-ઝૂરીને મરી જઇશ. હું તને ખૂબ ચાહું છું. તારા વગર હું નહીં જીવી શકું. તને પામવા માટે મારે પ્રાણ આપવા પડે તો પણ હું કાઢી આપીશ.’ માતંગ પોતાની જાતને પૂછી રહ્યો, ‘પ્રેમ એ માત્ર પ્રેમિકાને પામવા માટે જ કરાતો હોય છે? પ્રાણ કાઢી આપવાની તૈયારી માત્ર પ્રેમિકાને મેળવવા માટે, એને પકડી રાખવા માટે અને પોતાના જીવનમાં જકડી રાખવા માટે જ રહેતી હોય છે? ક્યારેક કોઇ પણ કારણવશ જો પ્રેમિકાથી અલગ થવાનો નિર્ણય લેવો પડે તો એને ઉદારતાથી સ્વીકારી ન શકાય? બદલો તો શત્રુની સાથે લેવાય. પ્રેમિકા થોડી શત્રુ ગણાય? જેને એક વાર છાતી સાથે ચાંપી દીધી હોય એની પીઠમાં બેવફાઇનું ખંજર મરાય ખરું? સંસ્કારિતા માત્ર પ્રેમ કરવામાં જ હોય એવું થોડું છે? સંસ્કારિતા તો છૂટા પડવામાં પણ હોવી જોઇએ.’ એ મહાભિનિષ્ક્રમણની રાત હતી! બીજા દિવસે સવારે માતંગે મિસાલને એક મેસેજ મોકલી દીધો. ‘મારે તને કારણ પૂછવું નથી, પણ હું તને મુક્ત કરું છું. તારો માર્ગ કલ્યાણમયી હજો! ગુડબાય એન્ડ ગુડલક!’ ⬛ (શીર્ષક પંક્તિ : સાહિર લુધિયાનવી) drsharadthaker10@gmail.com

અન્ય સમાચારો પણ છે...