સહજ સંવાદ:કાશીના કોટવાલની સાક્ષીએ ઇતિહાસનો વર્તમાન

વિષ્ણુ પંડ્યાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

રતીય ભાગ્યમાં વિનાશ અને મુશ્કેલીની સાથે નિર્માણ અને નવજીવન રહ્યા છે. તેવી ઐતિહાસિક પળો આજે પણ હોઇ શકે તેનો અંદાજ ઇસુ વર્ષ 2021ના અંતિમ મહિનાની 13મી તારીખે કાશી અર્થાત્ બનારસ અર્થાત્ વારાણસીની ભૂમિ પર જોવા મળ્યો. આ દિવસે કાશીવિશ્વનાથ ધામ અને તેના પરિસરનો પ્રારંભ ભારતીય વડાપ્રધાનના ગંગાસ્નાન અને બાબા વિશ્વનાથના પરમ પૂજનથી થયો. 352 વર્ષ પહેલાં મહારાણી અહલ્યાબાઈ સિંધિયાએ 1777માં આ સંકલ્પ કર્યો અને 1780માં ધ્વસ્ત મંદિરનું પુનઃનિર્માણ કરાવ્યું હતું. તે પછી પંજાબના મહારાજા રણજીતસિંહ, ગ્વાલિયરનાં મહારાણી બૈજાબાઈ સિંધિયા, મહારાજા નેપાલ સહિત કેટલાકે નવનિર્માણના પ્રયત્નો કર્યા, પરંતુ 11મી સદીથી 17મી સદી સુધી વિધ્વંસ થતો રહ્યો. 2014ની સામાન્ય ચૂંટણીમાં ઉમેદવારીપત્રક ભરવા ગયેલા નરેન્દ્ર મોદીએ મનોમન સંકલ્પ કર્યો હતો કે મારે આ દેવાલયને તેની દિવ્યતા અને ભવ્યતામાં પરિવર્તિત કરવું છે. 352 વર્ષ પછી આ નવનિર્માણમાં 900 કરોડ રૂપિયા ખર્ચાયા છે. તેમાં 1.5 લાખ ચોરસ ફૂટ કાશીવિશ્વનાથ ધામ 27 મંદિરો અને 23 ભવ્ય ઇમારતો સાથે આજે પ્રત્યક્ષ છે. તેમાં મકરાણાનો આરસપહાણ અને વિયતનામના ખાસ પથ્થરોનો ઉપયોગ કરાયો છે. ગંગા નદી પણ અહીં બાબા વિશ્વનાથને રાજી કરતી હોય તેવી રીતે સાવ નજીક વહે છે. તેના 50 ફૂટના રસ્તા પરથી ભાવિકો બાબા વિશ્વનાથના દર્શન કરશે. કાશી અવિનાશી છે એવું જ્યારે વડાપ્રધાને પોતાના વ્યાખ્યાનમાં કહ્યું, ત્યારે તેમની નજર સામે ભવ્ય ભૂતકાળ હતો. છેક ઋગ્વેદમાં કાશીનો ઉલ્લેખ છે. વરુણા અને અસિ બે નદીઓના નામથી તે વારાણસી તરીકે ખ્યાત થયું, પણ તેની સાથે જ પૂર્ણ તીર્થ, અવિમુક્ત, આનંદવન, રુદ્રવાસ અને મહાસ્મશાન જેવા નામો પણ હતા. કદાચ તેથી જ ‘કાશીનું મરણ’ જાણીતું છે. ભગવાન વિષ્ણુ (માધવ)ની આ નગરીમાં જ્યારે આનંદના આંસુ સરી પડ્યા, ત્યારે શ્રીહરિનું નામ બિંદુમાધવ પડ્યું અને બિંદુ સરોવર બન્યું. અહીં શંકરાચાર્ય આવ્યા, ગુરુ નાનકદેવ આવ્યા, સૂફી બાદશાહ દારાશિકોહ રહ્યા, કબીરની કથા થઈ, તુલસીની રામકથા થઈ, મદનમોહન માલવિયાએ અનેક સંસ્કૃત પાઠશાળાઓમાં કાશી વિશ્વવિદ્યાલયની સ્થાપના કરી. કાશી વિશ્વનાથ પોતે જ જ્યોતિર્લિંગનું તીર્થ છે. ગુરુ ગોવિંદસિંહે પંજ પ્યારેને સાથે લઈને ખાલસા પંથની સ્થાપના કરી, ત્યારે તેમને આધ્યાત્મિક શિક્ષણ માટે કાશીમાં રાખવામા આવ્યા હતા. ગુરુદ્વારાના દર્શન કરતાં મને યાદ આવ્યું કે છેક બેટદ્વારિકાના મોહક્મસિંઘ પણ આ પંજ પ્યારેમાંના એક બંદા હતા. કાશી વિશ્વનાથના કાશી વિશ્વનાથ પરિકલ્પના માટે આવેલા નરેન્દ્ર મોદી માત્ર વડાપ્રધાન નહોતા, પણ આ મત વિસ્તારના સાંસદ પણ હતા. એટલું જ નહીં, તેમના વ્યાખ્યાન પરથી સામે બેઠેલા 6000 દર્શકો (જેમાં દેશભરના સાધુ-સંતો હતા, શંકરાચાર્યો હતા, દીદી ઋતંભરા હતાં, મોરારિબાપુ, રમેશભાઈ ઓઝા, શ્રી શ્રી રવિશંકર અને અન્ય સંત મહાનુભાવો હતા, વિવિધ ક્ષેત્રોનાં આગેવાનો પણ સામેલ હતા.)ને અનુભવ અને અનુભૂતિ થઈ કે આજે જે વ્યાખ્યાતા છે, તે અલગ પ્રકારનાં નરેન્દ્ર મોદી છે. તેમની ભીતરમાં આધ્યાત્મ પ્રત્યેની આસ્થા અને સંસ્કૃતિ પ્રત્યેની શ્રદ્ધાનો પ્રવાહ વ્યક્ત થઈ રહ્યો છે. રાજકારણને બાજુ પર રાખીને તેમણે વિરાસત અને વિકાસની વાત કરી. વર્તમાનમાં જે પરિવર્તનો જરૂરી છે, તે લાવવાની આવશ્યક્તા પર ભાર મૂક્યો ભારતીય આત્મા કેટલો પ્રચંડ અને ભવ્ય છે, તેનું ઉદાહરણ આપતાં કહ્યું કે, ‘જો અહીં ઔરંગઝેબ પેદા થાય છે, તો શિવાજી પણ જન્મે છે.’ કાશી વિશ્વનાથની પરિકલ્પના ખરેખર વર્તમાન સ્થિતિમાં ભારે મુશ્કેલ હતી. 400 સંપત્તિઓ અને 1400 દુકાનોને અલગ રીતે પુનઃસ્થાપિત કરવા 40થી વધુ પુરાણા મંદિરોને આ પરિસરમાં સહજ સુંદર રીતે સ્થાપિત કરવા તે કામ શરૂ થયું. અહીં યાત્રી સુવિધા કેન્દ્ર, વારાણસી, ગેલેરી, નગર સંગ્રહાલય, અતિથિગૃહ, વૈદિક કેન્દ્ર, અતિથિ સુવિધા કેન્દ્ર, જલપાન ગૃહ, પુસ્તકાલય, ભોજનશાળા વગેરેની રચના થઈ છે. હવે યાત્રિકોને સાંકડી ગલીઓ અને અપાર ગંદકીનો અનુભવ નહીં થાય. ગાંધીજીએ પણ 100 વર્ષ પહેલાં કાશીમાં આવી ગંદકીની ટીકા કરી હતી. આપણાં તીર્થોને સાંસ્કૃતિક કેન્દ્રો બનાવવા હોય તો તેનું આયોજન એવું હોવું જોઈએ, જેમાં સહજતા અને સુવિધા હોય. સ્વતંત્રતા પછી પહેલો અનુભવ ભગવાન સોમનાથનાં જીર્ણોદ્ધારનો રહ્યો. હવે અયોધ્યામાં રામ જન્મભૂમિ દેવાલય તેવંુ જ મહત્ત્વનું નિર્માણ છે. તેની પહેલાં કાશી વિશ્વનાથની પરિકલ્પનાની આ ઘટના ઐતિહાસિક છે. આ નગરમાં કાલભૈરવની પણ ઉપાસના થાય છે. આઠમાંનાં સૌથી મહત્ત્વનાં ભૈરવ અહીં બિરાજે છે. તેમને કાશીનાં કોટવાલ કહેવામાં આવે છે. કાશીની સુરક્ષાની આધ્યાત્મિક જવાબદારી કાલભૈરવની છે. આ નગરને વારંવાર અનેક આપત્તિઓ સહન કરવાની આવી છે. વિનાશનાં વાદળો છવાયાં છે. સમગ્ર દેશનું આ ચેતના કેન્દ્ર છે. તેને નષ્ટ કરવાના પ્રયાસો પણ થયા. સમય જતાં કાશી સાંકડી ગલીઓનું ગંદું સ્થાન બની ગયું. 12 જ્યોતિર્લિંગમાંનું આ એક સૌથી વધુ શ્રદ્ધાનું કેન્દ્ર રહ્યું અને સાત મોક્ષ પૂરીમાં તેને મહત્ત્વ અપાયું છે. એટલે જ તેના પર વધુ આઘાત-પ્રત્યાઘાત રહ્યા. 11મી સદીમાં રાજા હરિશ્ચંદ્ર, અકબરના શાસન દરમિયાન 1585માં નારાયણ ભટ્ટ અને રાજા ટોડરમલ દ્વારા પુનઃનિર્માણનાં મોટા પ્રયત્નો થયા હતા... 21મી સદીમાં એતિહાસિક ઘટના માત્ર ધાર્મિક નથી, સાંસ્કૃતિક રીતે પણ ભારે મહત્ત્વની છે. ⬛ vpandya149@gmail.com

અન્ય સમાચારો પણ છે...