સ્ટોરી પોઇન્ટ:સુકાતો જતો શ્રાવણ

માવજી મહેશ્વરીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ભીંતનો ટેકો લઈને વાંચી રહેલા અશોકનું ધ્યાનભંગ થયું. તેણે જરા બારી બહાર જોઈ કમળા સામે જોયું. પ્લાસ્ટિક વાયરનો થેલો ગૂંથી રહેલી કમળા તેની સામે મીઠું હસી. બહાર રસ્તા પરથી ઘંટડીનો અવાજ આવ્યા હતો. ‘હવે જા નહીંતર ક્યાંક તારા નામની બૂમ પાડશે. આખી સોસાયટીમાં એક તું જ તો છો એની કાયમી ઘરાક.’ કમળા જરા હસીને ઊભી થઈ. અશોકની વાતેય સાચે હતી. કુલ્ફીવાળાને ખાતરી જ હતી કે પોતાની ઘંટડીનો અવાજ સાંભળી છોકરા બહાર આવે કે ન આવે પણ કમળા જરૂર આવશે. નાના એવા શહેરમાં કુલ્ફીવાળો આ સોસાયટીમાં આવતો થયો ત્યારથી તે અશોકના ઘર પાસે જ ઊભો રહેતો. અશોક અને કમળાને કુલ્ફીનું બંધાણ જ થઈ ગયું હતું. પણ કુલ્ફીવાળાને આજે નવાઈ લાગી કે કમળાએ બે કુલ્ફીવાળો નિયમ તોડ્યો હતો. તેણે કમળા સામે જોતાં પૂછ્યું, ‘બેન કોઈ મહેમાન આવ્યા છે?’ કમળા માથું હલાવી હા પાડી ચાલી આવી. મેપાને ત્રીજી કુલ્ફીનું કારણ જાણવા ન મળ્યું. ‘કેમ આજે ત્રણ લઈ આવી?’ અશોકે કમળના હાથમાં ત્રણ કુલ્ફી જોતાં પૂછ્યું. કમળાએ આંખનો ઉલાળો કરતાં કહ્યું કહ્યું, ‘હવે રોજ ત્રણ લઈશ. તમારા માટે એક, મારા માટે બે.’ અશોક જોઈ રહ્યો. ઘણા સમય પછી કમળા રાજી દેખાતી હતી. જેવી લગ્નની શરુઆતના દિવસોમાં હતી. આમ તો કમળા કમળનાં ફૂલ જેવી જ. સદાય હસતી રહેતી સ્ત્રી. એ જ કમળા છેલ્લાં ત્રણેક વર્ષથી બદલાતી જતી હતી. મોઢા પર કોઈ અજાણ્યા વિષાદની છાયા પથરાવા લાગી હતી. તે અચાનક ચૂપ થઈ જતી. રાતે મોડે સુધી તેને ઊંઘ આવતી નહીં. અશોક પૂછે તો પડખું ફરીને સુઈ જતી. આમ તો ઘરમાં કોઈ જ કમી નહીં. છતાં અશોકને અંદાજ આવી ગયો હતો. પણ ગઈ કાલે ક્લિનિક્માંથી નીકળીને રિક્ષામાં બેસતી વખતે અશોકને લાગ્યું કે કમળા અહીંયા જ બાથ ભરી લેશે કે શું? રિક્ષા બજારની ભીડમાંથી રસ્તો કરતી ધીમે ધીમે આગળ સરતી હતી. કમળા અશોકનો હાથ પકડી આંખો બંધ કરીને બેસી રહી હતી. ઘણા સમય પછી કમળાનો સ્પર્શ જીવંત લાગતો હતો. બેય કુલ્ફી પૂરેપૂરી ખાઈ લીધા પછી તેના મોં પર કોઈ કિશોરી જેવો આનંદ રમતો હતો. એણે ખુરશી પર બેસી પેટ પર હાથ ફેરવ્યો. કમળા અશોક સામે એકધારું જોઈ રહી. એને લાગ્યું જાણે અશોકના હોઠ પરથી મૂછ અલોપ થઈ ગઈ છે. તેનો ચહેરો નાનો અને સુંવાળો થઈ રહ્યો છે. તેણે બારીમાંથી બહાર જોયું. રસ્તા પર અષાઢ મહિનાના શરુઆતનો તડકો અઘોરીની જેમ આળોટતો હતો. પણ આ તો ચોમાસું, વરસે પણ ખરું, અને ન પણ વરસે. *** હંમેશની જેમ ભીંતનો ટેકો લઈને વાંચતા અશોકનું ધ્યાન તૂટ્યું. બહારથી ઘંટડીનો અવાજ આવતો હતો. તેણે કમળા સામે જોયું. પલંગ પર પડી કમળા છત સામે જોયા કરતી હતી. ભીંતે ટિંગાતા કેલેન્ડરમાં શ્રાવણ પૂરો થતો હતો, તેમ છતાં ધરતી તો એવી ને એવી જ તરસી હતી. કુલ્ફીવાળો એટલે રાજી હતો કે વરસાદે તેનો ધંધો ખોરવ્યો ન હતો. કુલ્ફીવાળાએ ઘણા દિવસો પછી કમળાને જોઈ. ‘બેન બીમાર હતા કે શું? સાવ આવા કેમ થઈ ગયાં છો?’ ખરી પડેલાં પાન જેવું હસી કમળાએ કુલ્ફીની પેટી પર બે કુલ્ફીના પૈસા રાખી દીધા. ‘કેમ આજે બે જ લાવી? રોજ ત્રણ લઈ આવવી હતી ને’ કહીને અશોક જોઈ રહ્યો. જાણે કંઈક અચાનક સમજાયું હોય તેમ કમળાએ પૂછી નાખ્યું, ‘હેં?’ કમળાનું ધ્યાન તૂટ્યું. તેનો ખભો બારણાં સાથે અથડાયો. હાથમાં પકડેલો પ્યાલો ધ્રૂજ્યો. કાચના પ્યાલામાં મૂકેલી ત્રણ કુલ્ફીમાંથી એક ઊછળીને નીચે પડી. ઓચિંતા અવાજથી બહાર વીજળીના મીટર પાછળ માળામાં બેઠેલી ચકલી બીકની મારી ઓચિંતી ઊડી. તે સાથે જ એક ઈંડું જમીન પર પછડાયું. બારણાંની બહાર તૂટેલાં ઈંડાંના પીળાં ધાબાં પથરાઈ ગયાં. કમળા ધબ કરતી અશોકની બાજુમાં બેસી ગઈ. તેની આંખો તૂટેલાં ઈંડાંના પીળાં ધાબાં પર ખોડાઈ રહી. તેને લાગ્યું તે ધાબા ધીમે ધીમે સળવળી રહ્યા છે. અશોકે ધીમેથી કમળાની પીઠ પર હાથ મૂક્યો. બી ગયેલી ચકલી બારીના સળિયા ઉપર બેસી પતિ-પત્નીને જોઈ રહી હતી. કમળાને થયું કે તે ચકલીને ખોળામાં લઈ તેના પર હાથ ફેરવ્યાં કરે.⬛ mavji018@gmail.com

અન્ય સમાચારો પણ છે...