મસ્તી-અમસ્તી:હેમાબહેને કોની સાથે ઘર વસાવ્યું?

રઈશ મનીઆરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રોબોટ માટે આનંદચૌદશે હેમાબહેનનો પતિવિસર્જનનો પ્લાન!

ગણેશોત્સવમાં લાડવા ખાઈ-ખાઈને ગોળમટોળ બની ગયેલા હસુભાઈ ડોલતા-ડોલતા મારે ઘરે આવ્યા. શ્રીમતીજીએ મારા માટે ચા બનાવી કપ સામે મૂક્યો હતો, એ ઉઠાવી લીધો. એ આઘાત ઓછો હોય એમ કહેવા લાગ્યા, ‘મેં એક કવિતા લખી છે..’ મિશન પર નીકળેલો માણસ ‘પર-મિશન’ની ચિંતા કરતો નથી! એમણે મોબાઈલ ખોલીને એમાંથી કવિતા શોધવાની ચેષ્ટા શરૂ કરી. મેં કહ્યું, ‘ખાલી સાર કહી દો ને!’ ‘આ મોડર્ન લાઈફમાં જ કશો સાર રહ્યો નથી!’ હસુભાઈ સોક્રેટિસના હાથમાં ઝેરનો પ્યાલો હોય એ અદાથી ચા પીતા બોલ્યા, ‘મને ડિજિટલ ચીજ-વસ્તુઓના ખડકલા નીચે ખોવાઈ ગયેલા માણસની તલાશ છે! આજે માણસનું ઘર ઘર નથી રહ્યું, શો-રૂમ બની ગયું છે! એ વિષય પર જ કવિતા છે!’ અને એમણે કરુણ છતાં બુલંદ અવાજે આ કવિતા ફટકારી. માઈક્રોવેવ ઓવન ગીઝર છે, વસ્તુઓથી ભરચક ઘર છે, એ.સી છે, ફ્રીજ છે, કૂલર છે, વેક્યુમ છે, ને ડિશવોશર છે, ઘરથી ઓફિસ... લિફ્ટ...નો દાદર, ઓફિસમાં પણ એસ્કેલેટર, બચ્ચું જન્મે, વોકર..સ્ટ્રોલર, માંદા પડ્યે વ્હીલચેર કે સ્ટ્રેચર, બીમાર પડો તો છે એમ્બ્યુલન્સ.. શબવાહિની સફેદ રંગનો હંસ, અંતે ચિતા પણ ઓટોમેટિક! રડવું કૂટવું પણ કોસ્મેટિક. મેં કહ્યું, ‘પણ આનો ઉકેલ શું?’ ‘હું દુનિયાનું ચક્ર સો વર્ષ પાછળ કરીશ અને બાપદાદા જીવતા હતા એમ જીવી બતાવીશ! હવે મારા ઘરમાં થેલીનું પાઉડરવાળું દૂધ નહીં પીવાય, ઘરમાં જ ગાય પાળીશ! બીવી-બચ્ચાં ટીવી નહીં જુએ, ઘરમાં પંચતંત્ર અને રામાયણ વંચાશે. સંદેશવ્યવહાર માટે ફોન નહીં રાખું, કબૂતર પાળીશ.’ એટલી વારમાં હેમાબહેને બાજની જેમ એન્ટ્રી મારી અને કહેવા લાગ્યાં, ‘આ નીપાહ વાઈરસનું સાંભળ્યું?’ હસુભાઈ જવાબ આપે એ પહેલાં બોલ્યાં, ‘કોરોનામાં બચી ગઈ, પણ આ નીપાહથી જો હું મરી જાઉં અને મને બાળો ને તો મારા ભેગું મારો આઇફોન, હેડફોન, આઈપેડ, બ્લુટૂથ, રિમોટ બધું બાળજો...’ હસુભાઈએ કહ્યું, ‘અરે મરવાની વાત ક્યાં માંડી, હેમા! આવતા વીકે તો આપણાં લગ્નની એનિવર્સરી આવે છે. બોલ ડિયર, શું ગિફ્ટ જોઈએ?’ હેમાબહેન બોલ્યાં, ‘બજારમાં વસ્તુઓ તો બહુ છે, પણ ઘરમાં જગ્યા જ નથી. જગ્યા નો’તી એટલે સાસુ-સસરાને ગામ કાઢેલાં, હેમિશને હોસ્ટેલમાં મૂકવા વિચારું છું, મશીનો લાવીને કામવાળાને કાઢ્યા, તોય નવું કશું મૂકવાની જગ્યા જ નથી, ખૂણેખૂણો ભરાઈ ગયો છે.’ હસુભાઈએ તક જોઈ ‘ફિલસૂફી’ મૂકી, ‘તેથી જ હું તને પ્રાચીન જીવનશૈલી ભેટ આપવા માંગું છું!’ હેમાબહેન તાત્કાલિક બોલ્યાં, ‘જોયું? ફરી ગયા! હમણાં ગિફ્ટ આપવાની વાત કરતા હતા! બજેટ હોય તો નવું ગેઝેટ અપાવો! પ્રાચીનવાળું નહીં અને ચીનવાળું પણ નહીં.’ ‘ઘરમાં જગ્યા ક્યાં છે, નવા ગેઝેેટની?’ ‘જગ્યા તો થઈ જશે! એકાદ જૂની-પુરાણી વસ્તુ કાઢવી પડશે!’ ‘હેમા! જૂની છત્રીય જલ્દી કાઢે નહીં એવી છે તું, કઈ નવી વસ્તુનો મોહ પામી છે?’ ‘એમેઝોન પર જોઈ લીધું છે. કિંમત છે સાતેક લાખની..!’ ‘કાર છે? પણ પાર્કિંગ ક્યાં કરીશું?’ ‘ના, ઘરમાં જ રહે એવી વસ્તુ છે! પણ જગ્યા કરવી પડશે!’ કોડભરેલી વાણીમાં હેમાબહેન બોલ્યા. ‘ફોડ પાડીને કહે, કઈ વસ્તુ પર દિલ આવી ગયું છે?’ ‘એક રોબોટ ખરીદવો છે!’ હેમાબહેન મૂરતિયાનું વર્ણન કરવા લાગ્યા, ‘ફીચર્સ બહુ મસ્ત છે. ઊંંચાઈ 5 ફૂટ 10 ઈંચ, તમારા કરતાં 4 ઈંચ વધારે. વજન 65, તમારાથી 10 કિલો ઓછું. બોલે તો ચૂપ કરી શકાય. ચાલે તો બેસાડી શકાય.’ હસુભાઈ ફાટ્યા, ‘અરે! ઘરમાં આપણે ત્રણ છીએ તોય મોટું ટી.વી, ફ્રીઝ, ડાઈનિંગ ટેબલ, સોફા અને મોટા શરીરને કારણે મુક્તપણે હરીફરી નથી શકતાં. એકબીજા સાથે ભટકાઈએ છીએ. રોબો ક્યાં રહેશે?’ ‘એક વસ્તુ આવશે તો એક જશે!’ ‘રેઈનકોટ આવે તો છત્રી જાય, બાઈક આવે તો સાઇકલ જાય, રોબો આવશે તો કોના ભોગે? કઈ જૂની વસ્તુ ભંગારમાં જશે?’ ‘તમે!’ હસુભાઈને તમ્મર કે ચક્કર ન આવી જાય એ માટે હું બાજુમાં ટેકો આપવા ઊભો રહી ગયો. હેમાબહેન કઠોર વાત સોફ્ટલી કહેવા લાગ્યાં, ‘આટલા વર્ષો બહુ પ્રેમથી કાઢ્યા, તમારી બહુ યાદ આવશે પણ શું કરું?’ હસુભાઈ હજુ સમજ્યા નહોતા, ‘ગાંડી! હું ક્યાં જવાનો?’ હેમાબહેન કહે, ‘રોબોટ આવશે, તમારી ખોટ એ પૂરશે, એટલે તમને વગે તો કરવા જ પડશે ને! યુ સી, તમને ઘરમાંથી કાઢતાં મને થોડું દુ:ખ તો થશે પણ..’ ‘એટલે? તું રોબોટ વસાવશે અને મને કાઢશે એમ?’ હેમાબહેને હકારમાં માથું ધુણાવ્યું. ‘આ રોબોટ વસાવ્યો એમ ન કહેવાય, રોબોટ સાથે ઘર વસાવ્યું કહેવાય.’ મેં સ્પષ્ટતા કરી. હસુભાઈએ ગર્જના કરી, ‘રોબોટ સાથે ઘર માંડતાં પહેલાં મારી લાશ પરથી પસાર થવું પડશે!’ ‘તમને ધક્કો મારીને નહીં કાઢીએ, તમારી ત્રણ દાયકાની સેવાની નોંધ લઈ માનભેર વિસર્જન કરીશું. આ આનંદચૌદશે જ ઢોલનગારાં સાથે પતિવિસર્જન થશે. હું મહિનો શોક પાળીશ અને દશેરા પર તો ‘એમેઝોન-સાસુ’ રોબો ડીલિવર કરી દેશે!’⬛ amiraeesh@yahoo.co.in

અન્ય સમાચારો પણ છે...