દેશ-વિદેશ:તુર્કી-સીરિયાનો ભૂકંપ રાજકીય સમીકરણો બદલવામાં મદદરૂપ થશે?

25 દિવસ પહેલાલેખક: જય નારાયણ વ્યાસ
  • કૉપી લિંક
  • વીસ વર્ષમાં પ્રથમ વખત એર્દોગનનું રાજકીય ભવિષ્ય ખરેખર દાવ પર છે

ર્કી અને સીરિયાના વિનાશક ભૂકંપે નેતાઓના રાજકીય નસીબને હચમચાવી નાખ્યું છે. ભૂતકાળના ભૂકંપમાંથી તુર્કીએ કોઈ પાઠ શીખ્યા નથી એ સાબિત થઈ ગયું છે. 1999ના વિનાશક ધરતીકંપ પછી ઘડવામાં આવેલ કાયદા મુજબ તમામ નવી ઇમારતોએ સખત સિસ્મિક બિલ્ડિંગ કોડ્સનું પાલન કરવું આવશ્યક છે. જોકે સ્થાનિક સત્તાવાળાઓ દ્વારા કાયદાનું અમલીકરણ તદ્દન ઢીલું હતું અને ઘણા કોન્ટ્રાક્ટરો હલકી ગુણવત્તાની સામગ્રીનો ઉપયોગ કરતા હતા. સરકારે ભૂકંપ સામે હાલની ઇમારતોને મજબૂત બનાવવાના હેતુથી વિશેષ કર લાદ્યો હતો. આટલા વર્ષોથી કર દ્વારા એકત્રિત થયેલા અબજો ટર્કિશ લિરાનો અસરગ્રસ્ત વિસ્તારના ઈન્ફ્રાસ્ટ્રક્ચર અથવા દેશની ઇમર્જન્સી રિસ્પોન્સ સિસ્ટમની ક્ષમતાઓને મજબૂત કરવા માટે ઉપયોગ કરવામાં આવ્યો નથી. ઊલટું 2023માં પ્રાથમિક બચાવ સંસ્થા ડિઝાસ્ટર એન્ડ ઇમર્જન્સી મેનેજમેન્ટ ઓથોરિટી (AFAD)ના બજેટમાં 33 ટકા ઘટાડો કરવામાં આવ્યો હતો. 2018માં ગેરકાયદેસર રીતે બાંધવામાં આવેલી હજારો ઈમારતોને કાયદેસર બનાવવાનો નિર્ણય ઘાતક સાબિત થયો છે. બાંધકામ માટેની આ વિવાદાસ્પદ માફીથી સરકારી તિજોરીમાં ઘણા પૈસા આવ્યા. 1999ના ભૂકંપના કેન્દ્ર કહરામનમારસની 2019ની મુલાકાતમાં, રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગને ગર્વથી જાહેર કર્યું હતું કે, ‘સરકારે 1,44,556 નાગરિકોની સમસ્યા હલ કરી છે.’ હકીકતમાં, રાષ્ટ્રપતિ માટે સમસ્યા એ નહોતી કે નાગરિકો અયોગ્ય રીતે બાંધવામાં આવેલા ઘરોમાં રહેતા હતા, પરંતુ તેમના મતે ‘ગેરકાયદેસર’ લેબલવાળી ઇમારતો માટે માલિકીના દસ્તાવેજો પ્રાપ્ત કરવાની તેમની અસમર્થતા સમસ્યા હતી! પેનના એક લિસોટે આ બાંધકામોને સુરક્ષિત બનાવી દેવામાં આવ્યા. આફતના વ્યાપે એર્દોગનને હચમચાવી દીધા છે. પીડિત વિસ્તારોની તેમની યાત્રા દરમિયાન તેઓ સરકારનું રક્ષણ કરતાં અને દોષનો ટોપલો બિલ્ડરો પર ઢોળતા જોવા મળ્યા. એર્દોગને ભૂકંપ પીડિતોના ગુસ્સાને શાંત કરવા દરેક બેઘર પરિવારને 530 ડોલરની તાત્કાલિક સહાયનું વચન આપ્યું. ઉપરાંત, ભૂકંપથી બેઘર બનેલા લોકો માટે એક વર્ષની અંદર નવા ઘરો બાંધવાની તદ્દન અવાસ્તવિક જાહેરાત કરી નાખી. ઈમારતો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વ્યાપક વિનાશને કારણે તુર્કીમાં દસ લાખથી વધુ લોકો બેઘર થયા છે. તે બધાને ઘર આપવા માટે ટ્રિલિયન ટર્કિશ લીરાની જરૂર પડશે અને આટલા ટૂંકા સમયમાં આ કામ થઈ શકે એમ નથી. તુર્કીમાં 14 મે, 2023ના રોજ સામાન્ય ચૂંટણીઓ યોજાવાની છે. અત્યારે તો કલ્પના કરવી મુશ્કેલ છે કે પ્રદેશ ચૂંટણીઓ યોજવા માટે તૈયાર છે કે નહીં. ભૂકંપના કારણે એર્દોગનની હાલત કફોડી બની ગઈ છે. તુર્કીના બંધારણ પ્રમાણે 18 જૂન સુધી ચૂંટણીઓ મુલતવી રાખી શકાય છે. એક વધારાનો મહિનો જમીની પરિસ્થિતિમાં કોઈ નોંધપાત્ર સુધારો કરી શકે એમ નથી. બંધારણ અનુસાર માત્ર યુદ્ધની સ્થિતિમાં ચૂંટણી એક વર્ષ સુધી મુલતવી રાખી શકાય છે. તેમ છતાં, એર્દોગને સંકેત આપ્યો છે કે આ ચૂંટણીઓ એક વર્ષ પછી સુનિશ્ચિત મ્યુનિસિપલ ચૂંટણીઓ સાથે થઈ શકે છે. દેશ અને સમાજની અગ્રણી સંસ્થાઓ, ખાસ કરીને ન્યાયતંત્ર પર એર્દોગનનું નિયંત્રણ જોતાં તેમના માટે પોતાની તરફેણમાં ઉકેલ લાવવાનું અશક્ય નથી. તેમને આશા છે કે સમય વીતવા સાથે લોકોનો ગુસ્સો ઓછો થશે અને પોતાની જાતને તેઓ ફરી એકવાર સક્ષમ નેતા તરીકે રજૂ કરી શકશે. દરમિયાન, લૂંટફાટના બહાનાં હેઠળ તેમણે ભૂકંપગ્રસ્ત 10 પ્રાંતોમાં કટોકટી જાહેર કરી છે. પરંતુ તેનો વાસ્તવિક ઉદ્દેશ્ય સહાયના વિતરણને નિયંત્રિત કરવાનો હોય તેવું વધુ લાગે છે જેથી તુર્કીમાં મોકલવામાં આવતી વિદેશી સહાયને તેમની સરકાર તરફથી આવતી સહાય તરીકે રજૂ કરી શકાય અને વિસ્તારની ભયંકર પરિસ્થિતિ વિશે પ્રતિકૂળ અહેવાલોને મીડિયામાં આવતા રોકી શકાય. દેશની અસંખ્ય આર્થિક મુશ્કેલીઓને કારણે ભૂકંપ ન આવ્યો હોત તો પણ એર્દોગન તેમના જીવનની સૌથી મુશ્કેલ ચૂંટણીનો સામનો કરવાના હતા. ગયા વર્ષની ચૂંટણીમાં પણ તેઓ નબળા પડ્યા હતા. તેમની રાજકીય કુશળતા છતાં એર્દોગન અસંતોષની અસાધારણ સુનામીનો સામનો કરી રહ્યા છે. વીસ વર્ષમાં પ્રથમ વખત એર્દોગનનું રાજકીય ભવિષ્ય ખરેખર દાવ પર છે. સીરિયાનો ભૂકંપ પ્રભાવિત ઇદલિબ વિસ્તાર બળવાખોર હસ્તક હોવાથી સીરિયાના શાસકો અસરગ્રસ્તોના ભોગે પોતાના હિતોને પ્રાથમિકતા આપી રહ્યા છે. પરિસ્થિતિનો લાભ લઈ સીરિયાના પ્રમુખ બશર અલ-અસદ સમગ્ર દેશને તેમના નિયંત્રણ હેઠળ લાવવા મથામણ કરી રહ્યા છે. અસરગ્રસ્ત વિસ્તાર તેમના નિયંત્રણમાં નથી એ હકીકત હોવા છતાં તેમણે પહેલેથી તમામ રાહત દમાસ્કસમાં કેન્દ્ર સરકાર સાથે સંકલનથી આપવાનો આગ્રહ રાખ્યો છે. અસદે તેમના દેશને અળગો રાખવા બદલ પશ્ચિમી દેશો સામે નારાજગી વ્યક્ત કરતાં કહ્યું કે તેઓ માનવતાવાદી પરિસ્થિતિ કરતાં રાજકારણને વધુ પ્રાથમિકતા આપે છે. જોકે અમેરિકા, યુરોપ, કેનેડા અથવા યુકે દ્વારા સિરીયા પર લાદવામાં આવેલા પ્રતિબંધો અને માનવતાવાદી સહાય વચ્ચે કોઈ સંબંધ નથી. 2022માં સીરિયાની સરકાર દ્વારા વહેતી કરવામાં આવેલી અબજો ડોલરની સહાયમાંથી 91 ટકા આ દેશોએ જ પૂરી પાડી હતી. રાષ્ટ્રપતિ આપત્તિને એક તક તરીકે જોઈ રહ્યા છે. પશ્ચિમી દેશો સહિત ઘણા દેશોએ ગૃહયુદ્ધમાં બળવાખોરો સામે અસદની ક્રૂરતાને કારણે વર્ષોથી સીરિયા પર પ્રતિબંધો લાદ્યા છે. સીરિયન રાષ્ટ્રપતિને આ આપત્તિની આડમાં અમેરિકા કે યુરોપ તરફ નહીં તો કમ-સે-કમ આરબ રાષ્ટ્રો તરફથી પ્રતિબંધો હળવા થવાની આશા છે. 2011થી સીરિયાથી દૂર રહેલા આરબ દેશો ધીમે ધીમે દમાસ્કસ સાથે રાજદ્વારી સંબંધો પુનઃસ્થાપિત કરી રહ્યા છે. સંખ્યાબંધ દેશોએ સીરિયાને આરબ લીગમાં પુનઃસ્થાપિત કરવાની હાકલ કરી છે. આ પ્રક્રિયા પહેલાંથી શરૂ થઈ ચૂકી છે, જેનું નેતૃત્વ સંયુક્ત આરબ અમીરાત કરે છે અને ભૂકંપ આ પ્રક્રિયાને વેગ આપી શકે છે. અમેરિકાએ ભૂકંપ રાહતને અવરોધતા પ્રતિબંધો અસ્થાયી રૂપે હટાવ્યા છે, પરંતુ યુએસ અને ઇયુએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ પ્રતિબંધોને સમાપ્ત કરશે નહીં. ⬛ (લેખક ગુજરાતના આરોગ્ય મંત્રી રહી ચૂક્યા છે.) jnvyas.spl@gmail.com

અન્ય સમાચારો પણ છે...