તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોવિડ-19 મહામારીને કારણે સમર ઓલિમ્પિક ગેમ્સના આયોજન પર અસર પડી હતી. જે ઇવેન્ટ 2020માં યોજાવાની હતી તે હવે 23 જુલાઈ 2021થી 8 ઓગસ્ટ 2021 દરમિયાન યોજાશે. ઓલિમ્પિક ઓર્ગેનાઈઝિંગ કમિટીએ ઓલિમ્પિકનું સફળ આયોજન થઇ શકે તે માટે એક માર્ગદર્શિકા પબ્લિશ કરી છે. માર્ગદર્શિકાને ધ્યાનથી વાંચતા એવું પ્રતીત થાય છે કે આમાં ઉપરછલ્લા પ્રોટોકોલ સાચવવા સિવાય લોજિસ્ટિક કે પછી ગેમનું આયોજન કરવા માટે પરદા પાછળનાં કામો કેવી રીતે પાર પડશે કે પછી બાકીના મેમ્બર્સે અન્ય કઈ બાબતોનું રાખવાનું રહેશે તે વિષે કોઈ વિસ્તૃત જાણકારી આપવામાં આવી નથી. આયોજકોના કહેવા મુજબ આ માર્ગદર્શિકામાં જરૂર પડ્યે નવા નિયમો ઉમેરવામાં આવશે. હાલ પૂરતું પ્રેક્ષકો કે સપોર્ટ સ્ટાફ ખેલાડીઓ માટે ચીયર નહિ કરી શકે, ગીતો નહીં ગાઈ શકે, હસ્તધુનન નહીં કરી શકે અને સ્પેશિયલ પરમિશન સિવાય પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ પણ નહીં કરી શકે. ઓર્ગેનાઈઝિંગ કમિટી પાસે 10,000થી પણ વધુ એથ્લીટ, હજારો કોચ, સ્ટાફ મેમ્બર્સ, મીડિયા તેમજ પ્રેક્ષકો સ્વસ્થ વાતાવરણમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે, ગેમ્સમાં ભાગ લઈ શકે તેવું વાતાવરણ ઉપલબ્ધ કરાવવાની તોતિંગ જવાબદારી છે. જાપાનમાં ઉત્તરોત્તર કોવિડ-19ના કેસ વધતા જાય છે. વેક્સિનેશનનો પ્રોજેક્ટ પૂરો થઇ શકે તેની માળખાગત સુવિધાઓનો અભાવ છે ત્યારે વેક્સિન લીધા વિના બહારથી આવનારા લોકોને કેવી રીતે સાચવવા તે પણ એક સવાલ છે. માર્ગદર્શિકા મુજબ ઓર્ગેનાઈઝિંગ કમિટી માર્ચ અને જૂન મહિના દરમિયાન પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યા બાદ સહેલાણીઓને ટોક્યોમાં આવવાની મંજૂરી આપશે. હાલની માર્ગદર્શિકા જોતા ઓલિમ્પિકમાં ભાગ લેવા આવતા તમામ લોકોએ ફ્લાઇટ પહેલાના 72 કલાક દરમિયાન પીસીઆર ટેસ્ટ નેગેટિવ લાવવાનો રહેશે. લેન્ડ કર્યા બાદ ફરીથી ટેક નેગેટિવ ટેસ્ટ સબમિટ કરાવવાનો રહેશે. જો કે, એથ્લીટ્સ કે પછી અન્ય કોઈને વેક્સિન કે ક્વોરેન્ટાઇન થવું ફરજિયાત નથી. પરંતુ, હોટેલ રૂમની બહાર નીકળ્યા બાદ દરેક જગ્યાએ માસ્ક પહેરવો ફરજિયાત રહેશે, તમામ જગ્યાએ ટેમ્પરેચર ચેકિંગ અવિરતપણે ચાલુ રહેશે. ઓર્ગેનાઈઝિંગ કમિટીએ 14 દિવસના સેલ્ફ આઇસોલેશન પર ભાર નથી મૂક્યો. નેગેટિવ ટેસ્ટ સબમિટ કર્યા બાદ તુરંત ખેલાડીઓ ટ્રેનિંગ શરૂ કરી શકશે. માર્ગદર્શિકા મુજબ ખેલાડીઓ પોતાની ઇવેન્ટના પાંચ દિવસ પહેલાં ઓલિમ્પિક વિલેજમાં રહેવા આવી શકશે. જે તે ખેલાડીઓની ઇવેન્ટનું સમાપન થતાંની સાથે જ તેમણે જાપાનમાંથી વિદાય લેવી ફરજિયાત રહેશે. સ્વાભાવિક છે કે મહામારી દરમિયાન આયોજન થતું હોય ત્યારે ઓલિમ્પિક વિલેજ અને આજુબાજુનાં સ્થાનોએ ચેપ લાગી શકે તેની સંભાવનાઓ નકારી શકાય નહીં. તે માટે તત્કાલ મેડિકલ ફેસિલિટી ઉપલબ્ધ કરાવવા માટે કમિટીએ સ્પેશિયલ ‘ફીવર ક્લિનિક’નું આયોજન કર્યું છે એક મોટો પ્રશ્ન ગેમ કેન્સલેશનનો ઊભો થઇ શકે તેમ છે. સામાન્યત: ઓલિમ્પિક રમતોનું શીડ્યુલ ભરચક હોય છે તે સંજોગોમાં કોઈ ખેલાડીને ચેપ લાગે તો તે ગેમ કેન્સલ કરવી પડે તે પરિસ્થિતિનું નિર્માણ થઇ શકે. સોલો ગેમમાં આવી પરિસ્થિતિનું મેનેજમેન્ટ સારી રીતે થઇ શકે જ્યારે ટીમ ગેમમાં આવી પરિસ્થિતિને મેનેજ કરવી ઘણી વિકટ છે. ઓલિમ્પિક સફળતાપૂર્વક યોજાય જાય તેવી પ્રાર્થના ઓલિમ્પિક કમિટી કરતા વધુ જાપાનની જનતા કરી રહી છે. કારણ કે ફુકુશિમા રીએક્ટર અને આર્થિક કારણોસર જાપાનની છબી આંતરરાષ્ટ્રીય ફલક પર થોડી ઘણી ખરડાઈ છે તે ઓલિમ્પિકને કારણે સુધરી શકે તેમ છે. ટોક્યો ઓલિમ્પિક પહેલેથી નકારાત્મક બાબતોને કારણે ચર્ચામાં રહી ચૂક્યો છે. બેલ્જિયમના એક થિયેટરના એમ્બ્લેમની ડિઝાઇનની તફડંચી કરીને ટોક્યો ઓલિમ્પિકનો લોગો બનાવવામાં આવ્યો છે તેવા દેકારો પણ મચ્યો હતો. હવે કોરોનાવાઇરસને કારણે બજેટમાં 3 બિલિયન ડોલર જેટલો તોતિંગ વધારો થઇ ચૂક્યો છે. ઓલિમ્પિક હોસ્ટ કરવાનું જાપાનનું બજેટ 2020માં 7.5 બિલિયન ડોલર જેટલું હતું. કોરોનાવાઇરસને કારણે હવે જાપાનને 35 બિલિયન ડોલર્સ જેટલો ખર્ચો આવશે. મોટાભાગનો ખર્ચ જાપાનીઝ ટેક્સપેયરને ઉપાડવો પડશે. ઓલિમ્પિક કમિટી ટેલિવિઝન રાઇટ્સની આવક ટોક્યો શહેર સાથે વહેંચે તો જ ખર્ચમાં ઘટાડો આવી શકે તેમ છે. નિષ્ણાતોના મતે ઓલિમ્પિક રમતોની યજમાનીને કારણે ઘણા દેશોનું અર્થતંત્ર ડામાડોળ થઇ જાય છે. નવા સ્ટેડિયમો, નવા વિલેજ, હોટેલ્સ અને અલગ અલગ સુવિધાઓ સમાપન બાદ વપરાશમાં રહેતી નથી જે કારણે ઈન્ફ્રાસ્ટ્રક્ચર કોસ્ટ વધી જાય છે. જેમકે 1976માં મોન્ટ્રિયલમાં (કેનેડા) યોજાયેલ ઓલિમ્પિકનું બજેટ 720 ટકા જેટલું વધી ગયું હતું અને શહેરને તે ખર્ચો સરભર કરતા 30 વર્ષ જેટલો સમય લાગ્યો હતો. 2004માં એથેન્સમાં યોજાયેલી ઓલિમ્પિકને કારણે ગ્રીસની ફાઇનાન્શિયલ ક્રાઇસિસનું નિર્માણ થયું હતું. 2016માં યોજાયેલ રિયો ઓલિમ્પિકને કારણે રાજ્ય સરકારે બહારથી ફંડિંગ મેળવવું પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. આવા આંકડા જોઈને ડેવલપિંગ ઈકોનોમીવાળા દેશો ઓલિમ્પિકનું આયોજન કરવામાં ખચકાટ અનુભવે. 2020માં 5 શહેરોએ યજમાની માટે દાવેદારી નોંધાવી હતી. 2026ના આયોજન માટે આ આંકડો ઘટીને માત્ર 2 શહેરો પર પહોંચી ગયો છે જેને કારણે કમિટીએ એક જ સમયે 2024 અને 2028માં ઓલિમ્પિકના યજમાન શહેરોનાં નામ એક સાથે જાહેર કરી દીધાં છે. ⬛ nirav219@gmail.com
પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.