એક જમાનો હતો જ્યારે ચૂંટણી જીતવા માટે કઈ જ્ઞાતિ તમારી સાથે છે એ મહત્ત્વનો મુદ્દો બની રહેતો હતો. ઉત્તર પ્રદેશમાં ચૂંટણી જીતવી હોય તો યાદવ, દલિત, બ્રાહ્મણ અને મુસ્લિમ મતો સાગમટે મેળવવા જરૂરી હતા. કેરળમાં જે પક્ષને મુસ્લિમ અને ખ્રિસ્તી મતો વધુ મળે તે જ વિજયી થઈ શકે છે. ગુજરાતમાં પણ એક જમાનામાં માધવસિંહ સોલંકીએ ‘ખામ’ થિયરીનો અમલ કરી કોંગ્રેસને બહુમતીથી જીતાડી હતી. માધવસિંહ સોલંકીએ ગુજરાતના ઉજળિયાતો સિવાય દરેક જ્ઞાતિને ખુશ કરી એમના મત મેળવ્યા હતા. હવે જોકે સમય બદલાયો છે. છેલ્લી વિધાનસભાની ચૂંટણીમાં આપણે જોયું કે ઉત્તર પ્રદેશમાં દલિત મતદારોએ માયાવતીને નકારી કાઢ્યા છે અને યાદવ મતદારોએ સમાજવાદી પક્ષને જીતથી વંચીત રાખ્યો છે. એક પણ ચૂંટણીમાં જ્ઞાતિવાદનું સમીકરણ સાચુ પૂરવાર થયું નથી. ગુજરાતમાં તો છેલ્લા લગભગ 30 વર્ષથી બધી જ જ્ઞાતિ અને પેટાજ્ઞાતિ મળીને ભાજપને વિજયી બનાવતી રહે છે. કદાચ મુસ્લિમ મતો જ ભાજપને મળતા નથી. એ જ રીતે હવે ધીરે ધીરે દેશ આખામાં ચૂંટણી જીતવા માટે કરિશ્માવાળા નેતાની જરૂર ઊભી થતી જાય છે. ચૂંટણીનાં સમીકરણ ગોઠવવામાં નિષ્ણાત પ્રશાંત કિશોર પણ હવે સહમત થાય છે કે જ્ઞાતિઓ વચ્ચે ભાગલા પડાવીને ચૂંટણી જીતવી અશક્ય છે.
શું અમિત શાહના હાથમાં ફરીથી પક્ષની કમાન આવશે ?
દિલ્હીમાં થતી ચર્ચા પ્રમાણે આવતી લોકસભાની ચૂંટણી પહેલાં પક્ષમાં ઘણા ફેરફાર થઈ શકે એવી સંભાવના છે. એમ મનાય છે કે આવનારા સમયમાં કર્ણાટક, હિમાચલ અને ત્રિપુરાના મુખ્યમંત્રીઓ બદલાશે. ખુદ અમિત શાહ માને છે કે હિમાચલમાં ભાજપનો ઉદ્ધાર હાલના ભાજપ પ્રમુખ જે. પી. નડ્ડા જ કરી શકે એમ છે. જો આ વાત સાચી હોય અને જે. પી. નડ્ડા હિમાચલ પ્રદેશ ચાલ્યા જાય તો અમિત શાહ ફરીથી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બની શકે એમ છે. 2024ની લોકસભાની ચૂંટણી જીતવા માટે નરેન્દ્ર મોદી અમિત શાહને છૂટો દોર આપે એવું બને. કર્ણાટક બાબતે એવું કહેવાય છે કે કર્ણાટકના ખરા મુખ્યમંત્રી તો દિલ્હીમાં બેઠેલા બી. એલ. સંતોષ છે. કર્ણાટક અંગેના નિર્ણયો બાબતે સંતોષનો નિર્ણય આખરી ગણાય છે. કર્ણાટકના મુખ્યમંત્રી બોમ્મઈ પાસે ખાસ કોઈ કામ કરવાનું રહેતું નથી.
ચેકોસ્લોવાકિયાનું વિચિત્ર ચર્ચ?
ખોપડી કે હાડપિંજર જોતાં જ આપણને મોત સાંભરી આવે છે. ચેકોસ્લોવાકિયામાં એક એવું ચર્ચ છે જ્યાં ચારે બાજુ માનવ હાડકાં અને ખોપડીઓના બનાવેલા હાથનું ડેકોરેશન નજરે પડે છે. ચેકોસ્લોવાકિયાના એક નાનકડા નગર કૃત્ના હોરામાં ઓસ્સુઆરી ચર્ચ નામનું ખ્રિસ્તી દેવળ આવેલું છે. આ ચર્ચને તેરમી સદીના પ્લેગમાં આ વિસ્તારમાં માર્યા ગયેલા 40 હજાર માણસોનાં હાડકાં અને ખોપડીથી શણગારાયું છે. ઝુમ્મરથી પવિત્ર ક્રોસ સુધીની દરેક વસ્તુમાં હાડકાં અને ખોપડી ગોઠવાઈ છે. સવાલ એ છે કે આવા ‘ખતરનાક’ ચર્ચમાં લગ્ન કરનાર યુગલની સુહાગરાત કેવી વીતતી હશે?
બંધકોષથી છૂટવા રોલર કોસ્ટરમાં બેસો!
બં ધકોષથી છૂટવા ઘણા સવારના દોડવા જાય છે તો કેટલાક ઘેરબેઠાં યોગાસનો કરે છે પણ જાપાને એનો એક યાંત્રિક ઉપાય શોધી કાઢ્યો છે. જાપાનના ફયુજિક્યુ હાઇલેન્ડ એમ્યુઝમેન્ટ પાર્કમાં ડોડોન્પા રોલરકોસ્ટર ગેમ મુકાઈ છે. આ રોલરકોસ્ટર દુનિયામાં સૌથી તેજ હોવાનું મનાય છે. પહેલી બે જ સેંકડમાં રોલરકોસ્ટર 106 કિ.મી.ની ઝડપ પકડી લે છે. એમ્યુઝમેન્ટ પાર્કના અધિકારીઓનો એવો દાવો છે કે ડોડોન્પા રોલરકોસ્ટરમાં બેસનાર વ્યક્તિને કબજિયાતમાંથી છુટકારો મળી જાય છે. ટૂંકમાં, તમે રોલરકોસ્ટરમાં બેસીને રાઇડની મજા માણી શકો અને પેટની ગરબડમાંથી મુક્તિ પણ મેળવી શકો.
ચિત્ર-વિચિત્ર ‘મિસ’ સ્પર્ધા
અ મેરિકાના ન્યૂ જર્સીમાં યોજાતી ‘મિસ નાઇટ ઇન વેનિસ’ સ્પર્ધા અનોખી છે. હરીફો રાજ્યભરમાં પોતાનો ફોટો લગાડેલાં ધાતુનાં વાસણો મોકલે છે. આ વાસણો ધર્માદા માટે વપરાનારા પૈસા ભેગા કરવા માટેનાં હોય છે. જે વ્યક્તિ આ રીતે ફોટા દ્વારા વધુમાં વધુ પૈસાનો ફાળો નોંધાવી શકે તે આ સ્પર્ધા જીતે છે. આ સૌંદર્યસ્પર્ધાની સાંજે 300 શણગારેલી બોટની સ્પર્ધા પણ યોજાય છે. એ જ રીતે અમેરિકાના ફોર્ટ લોડરડેલમાં ‘મિસ વ્હીલચેર ફ્લોરિડા’ સ્પર્ધા યોજાય છે. પોતાની શારીરિક ખોડખાંપણને વધુમાં વધુ સહજ રીતે સ્વીકારી લેનાર હરીફ વિજેતા બને છે. હરીફોને ‘હું કોણ છું અને ક્યાં જઈ રહી છું’ એ વિષય ઉપર ભાષણ આપવાનું હોય છે. ⬛
vikramvakil@rediffmail.com
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.