પ્રશ્ન વિશેષ:શું આપણી મમ્મીઓ જ માતૃભાષાને જીવાડી શકશે?

ભદ્રાયુ વછરાજાની8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મમ્મીઓ સમજશે તો માતૃભાષા અવશ્ય ટકી જશે એ એકમાત્ર આશા છે

ગયું વર્ષ તો જાણે કોરોના ખાતે ગયું અને હવે આ વર્ષ ફરી એક વાર જોખમમાં મુકાશે એવું ભાસે છે, ત્યારે શાળામાં પ્રવેશ માટેની પ્રક્રિયા તો થઇ રહી છે, ત્યારે… સ્વીકારવામાં આકરું લાગે એવું કમનસીબ સત્ય એ છે કે આપણી નવી-સવી માતાઓ જ માતૃભાષાને ડૂબાડવા માટે નીકળી પડેલ છે. આ વાક્ય લખતાં કંઈ રાજીપો નથી થતો, પણ દર્દ થાય છે. જોકે આ કડવું છતાં ભારોભાર સત્ય છે અને આજે એ ન સ્વીકારવું એ આપણા સૌનો દંભ છે. એક તાજું દંપતી. મજાનો એક દીકરો. વહાલથી તેનો ઉછેર. હવે બાળક જન્મ્યાં પહેલાં મા-બાપને થતી ચિંતા તે બાળકને ભણેશરી બનાવવાની, આ દંપતીને પણ થઈ. દીકરો અવતર્યો ત્યારથી શોધ ચાલી કે કઈ સ્કૂલમાં ભણાવીશું? મમ્મી બોલી : ‘સ્કૂલ ગમે તે હોઈ શકે, પણ આપણે એને ભણાવીશું તો અંગ્રેજી માધ્યમમાં જ...’ મમ્મીની મમત પપ્પાને પરેશાન કરી રહી હતી. પપ્પાનો વિચાર દીકરાને માતૃભાષાના માધ્યમથી ભણાવવાનો હતો. પપ્પાની સ્પષ્ટ તૈયારી હતી કે દીકરાને અંગ્રેજી એક ભાષા તરીકે સુંદર રીતે શીખવીશું, પણ માધ્યમ તો માતૃભાષા જ રાખીશું. મમ્મીની મમત માથાકૂટમાં ફંટાવા લાગી. બંનેએ ઘણા લોકોની સલાહ લીધી. માતૃભાષા અભિયાનના નિષ્ણાતો અને તેની વીડિયો સંવાદની કેસેટ પણ બંનેએ સાથે બેસીને જોઈ કે, જેમાં સમજાવવામાં આવ્યું છે કે માતૃભાષા બાળકને ગર્ભાધાનના પહેલાં જ ડગલાંથી વારસામાં મળેલી છે. તેના આધારે તો બાળકની ન્યૂરો લિન્ગ્વિસ્ટિક સિસ્ટમ ઘડાયેલ છે. શિક્ષણના માર્ગદર્શક તરીકે આ દ્વિધા અંગે મને મળવા આવતાં પહેલાં બાળકના પપ્પાએ મને અંગત રીતે ફોન કર્યો : ‘સર, કુટુંબમાં બધાંને વાત ગળે ઊતરી ગઈ છે કે માતૃભાષામાં જ ભણાવીશું, પણ મારી વાઇફ માનવા તૈયાર જ નથી. તમે પ્લીઝ એને સમજાવી દો ને!’ બંને સાથે બે કલાક સુધી દુનિયાભરની દલીલોથી સ્પષ્ટ કર્યું કે જો માતૃભાષા સબળ શીખાશે તો વિશ્વની કોઇ પણ ભાષા તમારો દીકરો ફટાફટ શીખી જશે. ગાંધીજી-ટાગોર-વિનોબાજી-અમર્ત્ય સેન અને વિદેશના કેટલાય મહાન ચિંતકોને મેં મદદે બોલાવ્યા, પણ નારીશક્તિ આગળ હું હાર્યો અને તેના પતિદેવ થાક્યા! મમ્મીની એક જ દલીલ : ‘બધાંના છોકરા અંગ્રેજીમાં ભણે અને મારો દકુ ગુજરાતીમાં ભણે તો કેવું નીચાજોણું થાય? મારો દકુ બધાં વચ્ચે સારું અંગ્રેજી ન બોલી શકે તો મને કેટલી નાનપ લાગે?...’ મને એટલું સમજાયું કે મમ્મીઓ નહીં સમજે તો માતૃભાષા ટકશે નહીં એ નક્કી. ‘અમે તો અંગ્રેજીમાં નો ભણ્યા પણ બાળકને તો ભણાવીએ.’ આ દલીલ આગળ હથિયાર હેઠાં પડે છે. મારો અનુભવ એવું કહે છે કે, અંગ્રેજી માધ્યમમાં ધકેલાતાં બાળકોમાંથી 90 ટકાથી વધુ તેની મમ્મીઓના હઠાગ્રહ કે હુંસાતુંસીના કારણે અંગ્રેજી ડબ્બામાં પુરાય છે. પતિદેવ એટલે હાર સ્વીકારી લે છે કે એને કાયમી કચકચ ટાળવી છે એટલે એ સ્વીકારી લે છે કારણ કે બાળકને વધુ સમય તો મમ્મી સાથે જ કાઢવો છે ને, આપણે ક્યાં રોજેરોજ દીકરા દીકરીને ભણાવવા છે? લાગશે કે આ દલીલ છે પણ આ હકીકત છે. પાછી આ જ માતાઓ ઘરમાં સદંતર ખોટું અંગ્રેજી બોલશે એટલે સંતાન નહીં રહે માતૃભાષાનું કે નહીં રહે અંગ્રેજીનું! હઠ મમ્મીની અને ખુવારી બાળકની. રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં આપણે તો પ્રાથમિક શિક્ષણને માતૃભાષામાં આપવાનું કહી દઈને રાજી થઇ ગયા છીએ, પણ અહીં વર્ણવી તેવી સ્થિતિમાં માતૃભાષામાં શિક્ષણ કેટલું છેટું પડશે તે વિચારવા જેવું છે. અંગ્રેજી માધ્યમના અભરખાવાળી એક મમ્મી સવારના પહોરથી એની બેબીને ‘સ્પેરો’ શબ્દનો સ્પેલિંગ પાકો કરાવવા મહેનત કરતી હતી. બેબલી ઠાગાઠૈયાં કરતી હતી, ત્યાં જ અચાનક રૂમની બારીમાંથી એક ચકલી ઘરમાં ઘૂસી ને ચીં ચીં કરવા લાગી. પેલી બેબી તેની પાછળ દોડીને બોલી : ‘મમ્મી, જો જો ચકલી, ચકલી!’ મમ્મી કહે : ‘અરે બેટા હું તને સવારથી સ્પેરો શીખવું છું ને તે આ ...’ બેબીએ જવાબ આપ્યો : ‘અરે મમ્મી, તે ચકલી કહે ને તું શું સ્પેરો સ્પેરો કરે છે? આ ચકલી તો મારી દોસ્ત છે!’ નથી લાગતું કે આ જ મમ્મીઓ માતૃભાષાને જીવાડશે કે મારશે?⬛ bhadrayu2@gmail.com

અન્ય સમાચારો પણ છે...