તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મલ્ટિપ્લેક્સ:‘જલીક્ટ્ટુ’ને ઑસ્કર નોમિનેશન મળશે?

5 મહિનો પહેલાલેખક: શિશિર રામાવત
 • કૉપી લિંક
 • ઑસ્કરની બેસ્ટ ઇન્ટરનેશનલ ફિચર ફિલ્મ કેટેગરી માટે ભારત તરફથી સ્પર્ધામાં ઉતરેલી આ મલયાલમ ફિલ્મે હજુ સાત કોઠા ભેદવાના બાકી છે

ઑસ્કર અવૉર્ડ્ઝની બેસ્ટ ઇન્ટરનેશનલ ફિચર ફિલ્મની કેટેગરી માટે ભારતની એન્ટ્રી તરીકે ‘જલીકટ્ટુ’ નામની અફલાતૂન મલયાલમ ફિલ્મની પસંદગી થતાં જ સિનેરસિયાઓ ગેલમાં આવી ગયા છે. સ્વાભાવિક છે. અગાઉ એવું કેટલીય વાર એવું બન્યું છે કે ઓસ્કરમાં મોકલાયેલી ઇન્ડિયન એન્ટ્રીનું નામ કાને પડતાં જ ફિલ્મી રસિયાનું મોઢું બગડી જાય. એમને થાય કે ફિલ્મ ફેડરેશન ઑફ ઇન્ડિયાએ આવી નબળી યા તો ખોટી ફિલ્મને શું વિચારીને પસંદ કરી હશે? થૅન્ક ગૉડ આ વખતે એવું ન થયું.

લિજો જોઝ પેલિસરી નામના અતિ પ્રતિભાશાળી મલયાલમે ડિરેક્ટ કરેલી ‘જલીકટ્ટુ’ વિશે આપણે અગાઉ વિગતવાર વાત કરી ચૂક્યા છીએ. એક જંગલી ભેંસ છે, જે કતલખાનામાં હલાલ થાય તે પહેલાં છટકીને નાસી છૂટે ને કેરળના પહાડી ગામમાં આમથી તેમ દોડાદોડ કરીને ઉધામા મચાવી મૂકે છે. ગામલોકો એને કોઈ પણ ભોગે પકડવા માગે છે. ફિલ્મમાં આમ જોવા જાઓ તો બસ આટલી જ વાત છે, પણ આખી ફિલ્મ પ્રતીકાત્મક છે. મૂળ વાત માણસમાં દટાયેલી હિંસક વૃત્તિની છે. જો તે ટ્રિગર થઈ જાય તો માણસ જંગલી પશુ કરતાંય વધારે જંગલી બની શકે છે તેવો આ ફિલ્મનો સૂર છે. હજુ તો ‘જલીકટ્ટુ’ દુનિયાભરના દેશો તરફથી મોકલવામાં આવેલી જાતજાતની ને ભાતભાતની નૉન-ઇંગ્લિશ, નૉન-અમેરિકન ફિલ્મો સાથે રેસના પહેલા તબક્કામાં ઉતરી છે. કુલ એન્ટ્રીઓમાંથી ગાળીને દસેક ફિલ્મોને ઑસ્કર નોમિનેશન આપવામાં આવશે. 25 એપ્રિલ 2021ના રોજ અમેરિકાના લોસ એન્જલસ શહેરમાં 93મો ઑસ્કર સમારોહ યોજાશે ત્યારે આ દસમાંથી કોઈ ફિલ્મ એક વિજેતા બનીને ઑસ્કરની ટ્રોફી પોતાને દેશ લઈ જશે. પ્રભુને પ્રાર્થના કરીએ કે એપ્રિલ સુધીમાં દુનિયામાં કોવિડ વાઇરસનો ત્રાસ પૂરો થઈ ગયો હોય ને ઑસ્કર સમારોહ ઑનલાઇન નહીં, પણ દર વખતની જેમ પૂરા તામજામ સાથે જ યોજાય.

બેસ્ટ ઇન્ટરનેશનલ ફિચર ફિલ્મ કેટેગરીનું જૂનું નામ એટલે બેસ્ટ ફોરેન લેંગ્વેજ ફિલ્મ. ઑસ્કર એવોર્ડ્ઝ આપતી એકેડેમી ઓફ મોશન પિક્ચર્સ આર્ટ્સ એન્ડ સાયન્સને લાગ્યું કે ‘ફોરેન’ શબ્દ હવે જૂનવાણી બની ગયો છે. આથી ગયા વર્ષે કેટેગરીનું નામ બદલવામાં આવ્યું. ઑસ્કર એવોર્ડ્ઝ 1929થી અપાવાના શરૂ થયા ત્યારે વિદેશી ફિલ્મો માટે કોઈ કેટેગરી જ નહોતી. 1947થી 1955 દરમિયાન એકેડેમીએ અમેરિકામાં રિલીઝ થયેલી શ્રેષ્ઠ વિદેશી ફિલ્મને સ્પેશિયલ અેવોર્ડ આપવાનું શરૂ કર્યું. કોઈ નોમિનેશન નહીં, કોઈ સ્પર્ધા નહીં, પણ એકેડેમીના સભ્યોને શ્રેષ્ઠ જણાતી કોઈ એક ફિલ્મને આ સ્પેશિયલ ઑસ્કર આપી દેતા. 1956થી વિધિવત્ બેસ્ટ ફોરેન લેંગ્વેજ ફિલ્મ કેટેગરી દાખલ કરવામાં આવી. બેસ્ટ ફોરેન લેંગ્વેજ ફિલ્મનો ઑસ્કર મોટે ભાગે, સમજોને કે 80 ટકા કેસમાં, યુરોપિયન ફિલ્મો જ તાણી જાય છે. ઇટાલીએ અત્યાર સુધીમાં સૌથી વધારે 14 વખત આ ઑસ્કર જીત્યો છે (નોમિનેશન 31 વખત). 12 એવોર્ડ્ઝ અને 40 નોમિનેશન સાથે બીજા નંબર નંબર પર ફ્રાન્સ છે. પછી ચાર-ચાર ઑસ્કર સાથે સ્પેન અને જપાન છે. એકેય વાર ઑસ્કર જીત્યો ન હોય, પણ નોમિનેશન સૌથી વધારે હોય એવો કોઈ દેશ હોય તો તે ઇઝરાયલ છે.

નૉન-ઇંગ્લિશ, નૉન-અમેરિકન ફિલ્મો ફક્ત બેસ્ટ ફોરેન લેંગ્વેજ ફિલ્મ કેટેગરીમાં જ ભાગ લઈ શકે તેવું નથી. અન્ય કેટેગરીમાં પણ તે વટપૂર્વક સામેલ થઈ શકે છે અને ઑસ્કર જીતી પણ શકે છે. જેમ કે સ્વીડનની ‘ફૅની એન્ડ એલેક્ઝાન્ડર’ અને ચાઇનાની ‘ક્રાઉચિંગ ટાઇગર હિડન ડ્રેગન’ ફિલ્મે બેસ્ટ ફોરેન લેંગ્વેજ ફિલ્મ સહિત ચાર-ચાર ઑસ્કર જીતી લીધા હતા. ‘ક્રાઉચિંગ ટાઇગર...’ અને 2019માં આ કેટેગરીનો ઑસ્કર જીતી ચૂકેલી મેક્સિકન ફિલ્મ ‘રોમા’ને દસ-દસ નોમિનેશન મળ્યાં હતાં. આ રેકૉર્ડ તૂટ્યો ગયાં વર્ષે. કોરિયાની ‘પેરેસાઇટ’ ફિલ્મે 11 નોમિનેશન મેળવ્યાં. એ તો ઠીક, એણે બેસ્ટ પિક્ચરનો સૌથી મહત્ત્વનો ઑસ્કર જીતીને ઇતિહાસ સર્જી નાખ્યો. અગાઉ કોઈ વિદેશી ફિલ્મને ઑસ્કર સમારોહમાં વર્ષની સર્વશ્રેષ્ઠ ફિલ્મ હોવાનું બહુમાન મળ્યું નહોતું. અત્યાર સુધીમાં ગણીને 11 વિદેશી ફિલ્મો જ બેસ્ટ પિક્ચર કેટેગરીમાં નોમિનેટ થઈ છે.

આ વખતે આપણી ‘જલીકટ્ટુ’એ નોમિનેશન રાઉન્ડમાં પહોંચવા માટે દુનિયાભરની કેવી કેવી ફિલ્મો સાથે સ્પર્ધા કરવાની છે? બેસ્ટ ઇન્ટરનેશનલ ફિચર ફિલ્મની રેસમાં ઉતરેલી તમામ ફિલ્મો વિશે તો વાત થઈ ન શકે, પણ ચાલો એ દેશોની એન્ટ્રી વિશે ટૂંકમાં વાત કરીએ જેમણે આ કેટગરીમાં સૌથી વધારે ઑસ્કર જીત્યા છે. સૌથી પહેલાં ઇટાલિયન ફિલ્મ. ટાઇટલ છે, ‘નોટર્નો’. ડૉક્યુમેન્ટરી શૈલીની આ ફિલ્મ સિરીયા, ઇરાક, કુર્દીસ્તાન અને લેબનન આ ચાર દેશોમાં ત્રણ વર્ષના ગાળામાં શૂટ થઈ છે. યુદ્ધના ઓથાર વચ્ચે જીવતા લોકોની હાડમારીભરી જિંદગીની ઝલક આ ફિલ્મમાં ઝીલાઈ છે. ફિલ્મમાં અરેરાટી થઈ જાય એવાં ઘણાં દૃશ્યો છે. જેમ કે, કુર્દીસ્તાનની જેલની સીન. એક માતાની આંખો સામે એના દીકરા પર એવો સિતમ ગુજારવામાં આવે છે કે દીકરો રિબાઈ રિબાઈને મરી જાય છે. બેસ્ટ ઇન્ટરનેશનલ ફિચર ફિલ્મની રેસમાં ઊતરેલી ફ્રેન્ચ ફિલ્મનું અંગ્રેજી ટાઇટલ છે, ‘ટુ ઓફ અસ’. આમાં બે આધેડ મહિલાઓની વાત છે. બંને પાડોશણ છે ને પાછી દાયકાઓથી એકબીજાના પ્રેમમાં છે. ગે કથાનક ધરાવતી આ એક ઓર ફિલ્મ મેઇનસ્ટ્રીમ ઑડિયન્સ સામે પેશ થઈ.

‘ધ એન્ડલેસ ટ્રેન્ચ’ ટાઇટલ ધરાવતી સ્પેનિશ ફિલ્મ ઐતિહાસિક કથાનક ધરાવે છે. 1936નું વર્ષ છે. સ્પેનમાં સિવિલ વૉર ફાટી નીકળ્યું છે. એક નવપરિણીત દંપતી સતત ભય હેઠળ જીવે છે કે તેઓ જો પકડાઈ જશે તો મૃત્યુ નિશ્ચિત છે. પુરુષ ઘરના ભંડકિયામાં છુપાયેલો રહે છે. તન-મનથી તૂટી જવાય એવો માહોલ છે, પણ પતિપત્નીનો પ્રેમ એટલો મજબૂત છે કે તેઓ ટકી જાય છે. કોઈ દંપતી કોઈનું સંતાન દત્તક લે ને પછી એની માલિકી બાબતે અસલામતી અનુભવ્યા કરે તો? આ થીમ છે ‘ટ્રુ મધર્સ’ નામની જપાની ફિલ્મની. એક દંપતી પાંચ વર્ષનું બચ્ચું અડોપ્ટ કરે છે, પણ તેમને સતત ટેન્શન રહ્યાં કરે છે કે બાળકની અસલી માતા ગમે ત્યારે આવશે ને એને પાછું લઈ જશે. આપણે આ તબક્કે જાણતા નથી કે ‘જલીકટ્ટુ’ને કે અહીં ઉલ્લેખ પામેલી અન્ય ફિલ્મોમાંથી કોઈને ઑસ્કર નોમિનેશન મળશે કે કેમ? જો સિનેમાદેવની કૃપા દેવભૂમિ તરીકે ઓળખાતા કેરળ પ્રદેશની ફિલ્મ પર ઊતરે, ‘જલીકટ્ટુ’ને ઑસ્કર નોમિનેશન મળે ને 25 એપ્રિલે ‘ઍન્ડ ઑસ્કર ગોઝ ટુ... જલીકટ્ટુ ફ્રોમ ઇન્ડિયા!’ એવું સાંભળવા મળે તો આપણે આનંદથી ચકચૂર થઈને સમૂહનૃત્ય કરીશું. shishir.ramavat@gmail.com

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો