એન્કાઉન્ટર:કોઇ ગુના વગર પતિદેવ રિસાઇ કેમ જતા હશે?

અશોક દવેએક મહિનો પહેલા
  • કૉપી લિંક

⬛ હિંદી બોલતા ગુજરાતીઓ બહુ હાસ્યાસ્પદ લાગે છે ને? (દર્શન કોઠારી, અમદાવાદ) - મોદીસાહેબને પણ ઇંગ્લિશ ક્યાં આવડતું હતું? પણ આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચ્યા પછી એમણે કેવળ હિંદી ઉચ્ચારો જ નહીં, ઇંગ્લિશ બોલવાનીય સખ્ત મહેનત કરી અને યુનાઇટેડ નેશન્સ કે બ્રિટિશ પાર્લામેન્ટમાં (વર્ચ્યુઅલ સ્ક્રીન વગર) કેવું અસ્ખલિત ઇંગ્લિશ બોલીને આવ્યા? આપણા માજી કે વર્તમાન મુખ્યમંત્રીઓએ એટલીસ્ટ, હિંદી બોલવાની પ્રેક્ટિસ તો પાડવી જોઇએ! ⬛ આપણે ત્યાં મુખ્યમંત્રી બદલવાની ફરજ કેમ પડી? (મહેન્દ્ર મોદી, ઘાટલોડિયા-અમદાવાદ) - આખું પ્રધાનમંડળ બદલાયું છે. મોદી કયો દાવ રમે છે, એની મમતા-ફમતા કે ઓવૈસી-ફોવૈસીનેય ખબર પડે એમ નથી. બધો ખેલ વિધાનસભાની આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને રમાયો છે. ⬛ હમણાં મેં પાછલા એક વર્ષના ‘એન્કાઉન્ટરો’ વાંચ્યા… (નયન મણિયાર, મહુવા) - અર્થાત… હજી તમારી પાસે કોઇ સારો માલ પડ્યો જ નથી! ⬛ સફેદ બગલા બેસવા માટે કાયમ ભેંસની પીઠ જ કેમ વાપરે છે? (નિખિલ રિંડાણી, અમદાવાદ) - એક વખત બેસીને ખાતરી કરો. ભેંસોની પીઠ ટકાઉ અને મજબૂત હોય છે. ⬛ બચ્ચન સાહેબ પહેલા સવાલના દસ હજાર આપે છે. તમે કેટલા આપશો? (પ્રતીક ઠાકર, ગોંડલ) - બચ્ચન સાહેબ પૂછે તો એમનેય દસ હજાર આપું. ⬛ શું ‘ગૂગલ’ સૌનું દોસ્ત છે? (સાલેહા દેરૈયા, પાલિતાણા) - એ તો જે બુદ્ધિપૂર્વક વાપરતું હોય એને માટે! ⬛ શ્રીમદ્ ભાગવત ગીતાનો 19મો અધ્યાય ક્યારે લખાશે? (નરેન્દ્ર આહૂજા, અમદાવાદ) - કન્હૈયાને જરૂરત લાગશે ત્યારે! ⬛ દરિયો છલકાતો કેમ નહીં હોય? (સૌમ્ય પંડ્યા, સોનગઢ, સિહોર-ભાવનગર) - એની દીકરી ત્સુનામી વિફરે ત્યારે જ છલકાય! ⬛ બે વાયર ભેગા થાય તો ફ્યૂઝ ઊડી જાય, પણ બે વાયરમેન ભેગા થાય તો? (નારણભાઇ ચૌહાણ, સૈજપુર-અમદાવાદ) - શું ઊડાડવું છે, તે લેખિતમાં દિન સાતમાં જવાબ આપશો. ⬛ રિક્ષા, દીક્ષા અને પરીક્ષામાં શું ફરક? (અમરીશ મહેતા, અમદાવાદ) - બોલો, તમે ધો. 5માં ગુજરાતી ભણાવો છો ને? ⬛ ‘એન્કાઉન્ટર’નું સ્થાન બદલાય છે… ‘અચ્છે દિન?’ (પ્રકાશ રાડિયા, રાજકોટ), (પ્રકાશ શાહ, ભાવનગર), (વિમલ ઓઝા, રાજકોટ), (કેતન મહેતા, વડોદરા), (હરેશ ચૌધરી, ગાંધીનગર) - અત્યારે કયા બુરા દિન ચાલે છે? ⬛ રાજહઠ, બાળહઠ અને સ્ત્રીહઠ, તો ‘ગોરધનહઠ’ કેમ નહીં? (પ્રવીણ મહેતા, કેશોદ) - ગોરધને બધી હઠોમાંથી હટી જવાનું હોય છે. ગોરધન ‘હઠ’ નહીં… ગોરધન ‘હટ’! ⬛ ‘અશોક વાટીકા’નો હકદાવો તમારી પાસે છે? (શિરીષ ઠાકર, માંજલપુર-વડોદરા) - મારી પાસે તો ‘અશોક હેર કટિંગ સલૂન’નોય હકદાવો નથી! ⬛ મુખ્યમંત્રી પાટીદાર જ જોઇએ. એ હવે આવી ગયા. હવે? (રાજેશ ત્રિવેદી, અમદાવાદ) - આવું નીતિન પટેલને ન પૂછતા. એ તો કહેશે, વડાપ્રધાનેય પાટીદાર જ જોઇએ. ⬛ તમને ભાજપમાંથી ટિકિટ મળવાની લાગે છે! (ધર્મેશ ખખ્ખર, રાજકોટ) - ધીરે લખો…. કોલમો કે ભી કાન હોતે હૈં….! ⬛ પુરુષને પરણવું જરૂરી છે? (સાહિલ મકવાણા, રાજકોટ) - આપના પૂજ્ય પિતાશ્રીને પૂછીને આ સવાલ પૂછ્યો છે? ⬛ પેટ્રોલના ભાવ ક્યારે ઘટશે? (અક્ષિત ત્રિવેદી, સિદ્ધપુર) - ઘટશે ત્યારે પહેલી ખબર તમને આપીશ. ⬛ આખા રાજ્યના વાચકો આપને પ્રશ્ન પૂછે, એવું આપને મન થાય ખરું? (ચંદ્રેશ ગણાત્રા, માંડવી-કચ્છ) - વાચકોના શહેરોના નામ વાંચી જુઓ. આખા રાજ્યના વાચકો તો અત્યારેય પૂછે છે. ⬛ પ્રેમી, પતિ, પિતા, સસરા, દાદા… આ બધામાં તમે સૌથી વધારે સફળ શેમાં થયા? (નચિકેત યાજ્ઞિક, અમદાવાદ) - એ સૌની દૃષ્ટિએ ‘અશોક’ બધામાં સફળ થયો છે. ⬛ નાના માણસોની જમીન પડાવી લેતા ભૂમાફિયાઓનું શું કરવું જોઇએ? (રસિક ધડૂક, ગોંડલ) - ઇશ્વર સૌનો ન્યાય… મોડો-વહેલો કરે જ છે. ⬛ ‘સત્યમેવ જયતે’, તો પછી ‘અસત્યમેવ…’? (નૂતનકુમાર ભટ્ટ, સુરત) - ભારતમાતા કી જય. ⬛ શું અમદાવાદમાં ભુવામાં બહુ ત્રાસ છે? (શરદ મહેતા, ભાવનગર) - એ લોકો ભુવા પૂરીને આ મોટ્ટા ટેકરા બનાવી જાય છે, એનો ત્રાસ છે! ⬛ મોંઘવારીમાં કોંગ્રેસ સામે તાડૂકતી ભાજપ ખુદ મોંઘવારી વધારીને ચૂપ કેમ છે? (ડો. શૈલજા ઠક્કર, વેજલપુર-અમદાવાદ) - જો કોઇ સત્તાધારી પક્ષ મોંઘવારી વધારી-ઘટાડી શકતો હોય, તો કોંગ્રેસે તો અનેક વર્ષો સુધી રાજ કર્યું. ⬛ સ્ટેજ પર બધા જ કવિઓ એમની પંક્તિ બબ્બે વાર કેમ બોલે છે? (હેમંત ત્રિવેદી, વડોદરા) - જે પોતે સમજ્યા છે, એ શ્રોતાઓય સમજે માટે! ⬛ એક દિવસ મારે પણ ‘એન્કાઉન્ટર’ કોલમ લખવી છે… (જશવંત કાગળીયા, જામરાવળ) - તમે તુલસી કે વાલ્મીકિના પગલે ચાલો… આવા હજારો એન્કાઉન્ટરો આવી જશે. ⬛ ગુજરાતના મુખ્યમંત્રી બનવા શું કરવું જોઇએ? (અજય વાઢેર, લોઢવા-ગીરસોમનાથ) - અટક બદલાવી નાખો. ⬛ ગુજરાતી ફિલ્મોનું ભવિષ્ય શું? (બાલેન્દુ વૈદ્ય, વડોદરા) - માંડ સારું થવા જતું હતું ને કોરોના આવ્યો. પ્રભુકૃપાથી હવે ફાળિયા અને પાળિયાની ફિલ્મો બનતી ઓછી થઇ ગઇ છે. ⬛ મારે વિધાનસભાની ટિકિટ જોઇએ છે. શું કરવું? (કૃણાલ પ્રજાપતિ, કડિયાદરા-ઇડર) - પ્રજાપતિ… પ્રજાના કોઇ સારા કામમાં આવવાની ઇચ્છા નથી થતી?

અન્ય સમાચારો પણ છે...