તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

િવચારોના વૃંદાવનમાં:જીવનમંદિરના ગભારામાં પ્રસરતી સુગંધ ત્રીજા મધપૂડાની શોધ શા માટે?

અમદાવાદ8 મહિનો પહેલાલેખક: ગુણવંત શાહ
  • કૉપી લિંક
  • માણસ સતત ત્રીજા મધપૂડાની ખોજમાં જીવે છે. પૈસો છઠ્ઠો મહાભૂત બની ગયો છે. પૈસાદાર જ લોભી હોય છે એ માન્યતા પૂરેપૂરી સાચી નથી. ગરીબને પણ લોભની પજવણી ઓછી નથી હોતી

કેન્યાના આફ્રિકન આદિવાસીઓમાં એક માન્યતા કહેવતની માફક પ્રચલિત છે: ‘ઝાડીમાં તમને જો એક મધપૂડો જડી આવે, તો તમે નસીબદાર ગણાવ. જો તમને બીજો મધપૂડો મળી જાય, તો તમે વધારે નસીબદાર ગણાવ. જો તમને ત્રીજો મધપૂડો મળે, તો માનવું કે તમને ભૂતપ્રેતનો વળગાડ છે’. આ માન્યતામાં સમાજવાદ અને સર્વોદયનો સાર આવી જતો જણાય છે. ત્રીજો મધપૂડો સહજ રીતે મળેલો મધપૂડો નથી. બે મધપૂડા મળ્યા પછી પણ ત્રીજા મધપૂડાની શોધ ચાલુ રહી, તેના મૂળમાં ‘હજી વધારે’ જેવા બે શબ્દો સંતાયેલા છે. એમાં લોભનો મુકામ હોવાનો જ ! ત્રીજા મધપૂડાની શોધમાં વણિકવૃત્તિની પજવણી હોવાની. હવે ત્રીજા મધપૂડો જડે પછી વાત અટકતી નથી. હજારમો મધપૂડો મળે પછી પણ ચેન ન પડે, તો જાણવું કે માણસને ભૂતપ્રેતનું નહીં, પરંતુ કેન્સરનું વળગણ છે. ‘હજી વધારે’ (સ્ટીલ મૉર) જેવા બે શબ્દોમાં આજની માનવજાત રાતના ઉજાગરા સાથે પડખાં ફેરવતી રહે છે. જીવનની ગુણવત્તા ખોરવાય છે અને ખોટકાય છે.

જગત આખું બે બાબતોમાં વહેંચાઈ ગયું છે: પદાર્થ (મૅટર) અને અપદાર્થ (નોન મૅટર). ચોખામાં સફેદ કાંકરીની ભેળસેળ કરનાર વેપારીનું મન રૂપિયામય બની જાય છે. પૂલ બાંધનારો કોન્ટ્રાક્ટર પૂરતી સીમેન્ટ ન વાપરે ત્યારે એનું મન સીમેન્ટ બની રહે છે. મગજ પદાર્થ ગણાય કારણ કે એને વજન હોય છે. મન અપદાર્થ (નોન મૅટર) ગણાય કારણ કે એ શૂન્યમંદિર છે. હવે ભાગ્યે કોઈ કોમી હુલ્લડ આપોઆપ થતું હોય છે. કોમી હુલ્લડો પ્રયત્નપૂર્વક અને આયોજનપૂર્વક કરાવવાં પડે છે કારણ કે ચૂંટણી સામે હોય છે. એવે સમયે રાજકારણી બદમાશોનું મન વોટ બની જાય છે. હવે દીપાવલી રૂપિયાવલી બની ચૂકી છે અને ધનતેરસ પણ ધનતરસ બની ગઈ છે. માણસ સતત ત્રીજા મધપૂડાની ખોજમાં જીવે છે. પૈસો છઠ્ઠો મહાભૂત બની ગયો છે. પૈસાદાર જ લોભી હોય છે એ માન્યતા પૂરેપૂરી સાચી નથી. ગરીબને પણ લોભની પજવણી ઓછી નથી હોતી. સમગ્ર સમાજ આજે ત્રીજા મધપૂડાની શોધમાં રમમાણ છે. કેન્સર પણ કેવું સુખદાયી ?

મગજ અને મન વચ્ચેનો તફાવત વાદળ અને મેઘધનુષ વચ્ચેના તફાવત જેવો રહસ્યમય છે. મગજ કવિતા ન રચી શકે, મન રચી શકે. કવિતાનો સંબંધ પદાર્થ સાથે નહીં, અપદાર્થ સાથે હોય છે. મહાકવિ કાલિદાસનું કાવ્ય ‘મેઘદૂત’ મગજની નહીં, મનની નીપજ છે. માનવીનું મગજ જગતનું સૌથી મોટું કૉમ્પ્યુટર છે. વિજ્ઞાનીઓ તો કહે છે કે જો માનવીના મગજ જેટલી કાર્યક્ષમતા ધરાવતું કૉમ્પ્યુટર રચવું હોય, તો એનું કદ પૃથ્વીના કદ કરતાં ત્રણ ગણું રાખવું પડે. ટૂંકમાં આપણા મસ્તિષ્કમાં ગોઠવાયેલાં અખરોટનાં બે ફાડચાં આગળ તો કહેવાતું સુપર કોમ્પ્યુટર પણ વામણું ગણાય. આવું મગજ શરીરના મજ્જાતંત્ર (નર્વસ સીસ્ટમ)ના કંટ્રોલ ટાવરનું કામ કરે છે. વાત ખરી છે તોય આખરે તો અસંખ્ય જીવંત કોષોની વસતિ ધરાવતો પદાર્થ જ ગણાય. પદાર્થની સીમ પૂરી થાય ત્યાં અપદાર્થ એવાં મનની સીમ શરૂ થાય છે. બીજા શબ્દોમાં કહીએ તો જ્યાં સ્થૂળની સીમ પૂરી થાય ત્યાં સૂક્ષ્મનો વગડો શરૂ થાય છે. ગામમાં ખાટલે પડેલો પિતા શિકાગોમાં સ્થિર થયેલી દીકરીનું સ્મરણ કરે ત્યાં તો દીકરી હાજર! વાત ધૂમકેતુની ‘પોસ્ટ ઓફિસ’ વાર્તામાં વણાઈ ગયેલા કોચમૅન અલી ડોસાની દીકરી મરિયમ જેવી! સ્થૂળ મરિયમ દૂર દૂર, છતાં સૂક્ષ્મ મનોમય જગતમાં મરિયમ તો હાજરાહજૂર! પ્રકાશની ગતિ કરતાંય મનની ગતિ ઘણી વધારે!

સ્થૂળ હિંસા રડાવે પરંતુ સૂક્ષ્મ માનસિક હિંસા ખટકતી નથી. વેરભાવ પણ હિંસા છે, ઈર્ષ્યાભાવ પણ હિંસા છે અને દ્વેષભાવ પણ હિંસા છે. કહેવાતો સજ્જન કોઈ પર હાથ ન ઉગામે, પરંતુ દ્વેષભાવ રાખે, તો એ ‘હિંસક’ ન ગણાય? જંગલમાં વસનારાં આદિમાનવો સાથે ત્યાં પહોંચેલા સુધરેલા મનુષ્યોએ લડાઈ કરી. લડાઈમાં સેંકડો સ્ત્રીપુરુષો મૃત્યુ પામ્યાં. આદિમાનવોના રાજાએ સુધરેલા લોકોના નેતાને ફરિયાદ કરી: ‘આટલા માણસોને ખાવા નહોતા, તો માર્યા શા માટે?’ આ પ્રશ્ન કોઈ પણ યુદ્ધને અંતે પૂછવા જેવો છે. મે ફ્લાવર નામના વહાણમાં અમેરિકા પહોંચેલા બ્રિટનના લોકોએ અમેરિકાના મૂળ નિવાસી એવા વનવાસી રેડ ઇન્ડિયનોને વીંધી નાખેલા. એવા રેડ ઇન્ડિયનોની વસાહતો આજે પણ અમેરિકામાં ક્યાંક સચવાયેલી છે. એવી એક વસાહતની મુલાકાત લેવાની તક મને મળેલી. જાનવરનો થાય એ રીતે એમનો ‘શિકાર’ કરવામાં આવ્યો હતો. ફ્રાન્સના ચિંતક એલેક્સી કેરલે એક પ્રશ્નમાં જીવનની સાધના ઠાલવી દીધી છે. લખે છે:

માનવીનું સરેરાશ આયુષ્ય
વધ્યું છે તે સાચું,
પરંતુ જેને તમે જીવતો
જુઓ છો, તે માણસ
એ અંદરથી કેટલો મરી ગયો છે,
તેનું માપ કાઢ્યું છે ખરું?

મલેશિયામાં મલાકા પ્રાંતમાં આવેલા કિલ્લા આગળ જે ફળિયું આવેલું છે, તેનું નામ બરાબર યાદ છે: ‘પરમેશ્વર ફળિયું (પરમેશ્વર જલન). એ ફળિયામાં રાત પડી તે પહેલાં એકાદ કલાક ચાલવાની તક મળી હતી. ગૂજરાત વિદ્યાપીઠના કુલનાયક સદ્્ગત શ્રી રામલાલભાઈએ યોજેલી શિક્ષણ પરિષદમાં આમંત્રણ પાઠવ્યું હતું. પરમેશ્વરના ફળિયામાં ચાલવાનું બન્યું ત્યારે મનના સૂક્ષ્મ પ્રદેશમાં ટહેલવાની મજા પડી ગયેલી. આફ્રિકામાં એક જંગલના પ્રવેશ આગળ ‘માણસ’ નામના પ્રાણીઓ માટે એક સંદેશો અંગ્રેજીમાં બોર્ડ પર વાંચવા મળેલો:

‘આ અમારું ઘર છે
અને તમે અમારા મહેમાન છો.
કૃપા કરીને
અમને હણશો નહીં.’

ઉત્ક્રાંતિના આખરી તબક્કે માનવીનો આવિર્ભાવ થયો જ ન હોત તો ! તો બધાં જ માનવેતર પશુપંખીઓ નિરાંતે જીવતા હોત. બાયોલોજીમાં જુદી જુદી પ્રજાતિના પ્રાણીઓ માટે ‘એનિમલ કિંગડમ’ શબ્દપ્રયોગ પ્રચલિત છે. ખરેખર તો હવે ‘એનિમલ રીપબ્લિક’ શબ્દપ્રયોગ પ્રચલિત કરવા જેવો છે. ભગવાન મહાવીર એવા પ્રથમ મહામાનવ હતા, જેમણે પશુપંખી તથા તમામ જીવજંતુના ‘જીવવાના અધિકાર’ ( રાઈટ ટુ લાઇફ)ની વાત લોકો સમક્ષ મૂકી હતી. ‘એનિમલ રીપબ્લિક’નો જય હો! ત્રીજો મધપૂડો પછી નહીં પજવે. ⬛

પાઘડીનો વળ છેડે
ફાધર વાલેસ
બધા બાપુ, મોરારિબાપુ નથી હોતા.
બધા મૌલાના, મૌલાના વહિદુદ્દીન ખાન નથી હોતા.
બધા ફાધર, ફાધર વાલેસ નથી હોતા.
આ ત્રણ વચ્ચે જે સામ્ય છે, તેનું
બીજું નામ ‘સેક્યુલરિઝમ’ છે.

ફાધર વાલેસને ગુજરાતના લોકોએ અઢળક પ્રેમથી વાંચ્યા. એમના મહાનગર મેડ્રિડમાં છ દિવસ રહેવાનું બનેલું. જતાં પહેલાં જ સુરતથી પત્ર લખ્યો હતો. મેડ્રિડમાં સાવ સસ્તી હોટેલમાં નવરાશ હતી. કોઈ પ્રવચન કે સેમિનારની ઝંઝટ ન હતી, આમ છતાં અમે ન મળી શક્યા. પાછું સુરત પહોંચ્યા પછી એમનો પત્ર મળ્યો જેમાં લખ્યું હતું: ‘તમે મેડ્રિડમાં હતા તે દિવસોમાં જ મારે પોર્ટુગલ જવાનું થયું!’ એમણે સરળ ગુજરાતીમાં પ્રેરણાદાયી સાહિત્યનું સર્જન કર્યું. બે વખત એક જ મંચ પરથી પ્રવચન કરવાનો લહાવો પ્રાપ્ત થયેલો. એક વાર આણંદ પાસેના કોઈ ગામમાં અને બીજીવાર વડોદરામાં મળેલા આચાર્યોના સંમેલનમાં. ફાધરને વંદન! તેમને આપણે ‘સવાઈ ગુજરાતી’ જરૂર કહી શકીએ.

- Blog:http://gunvantshah.wordpress.com

અન્ય સમાચારો પણ છે...