તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અસાંજો કચ્છ:પાક જેલોમાંથી ભારતીયોની ઘરવાપસીમાં વિલંબ કેમ ?

23 દિવસ પહેલાલેખક: કીર્તિ ખત્રી
 • કૉપી લિંક
 • જાસૂસીના આરોપસરની દિનારાના ઇસ્માઇલની સજા 2016માં પૂરી થયા પછીયે ભારતની લાપરવાહીને લીધે ચાર વર્ષ સુધી યાતના સહેવી પડી

કચ્છના સરહદી ગામ દિનારાનો અેક માલધારી ઇસ્માઇલ સમા જાસૂસીના અારોપસર પાકિસ્તાની જેલમાં બાર-બાર વર્ષ સુધી યાતના ભોગવીને ગયા અઠવાડિયે (29મી જાન્યુઅારીઅે) પોતાને ગામ પહોંચ્યો હોવાના સમાચારે ખાસ્સી અેવી ચર્ચા જગાવી છે. અેની સજા અામ તો 2016માં જ પૂરી થઇ ચૂકી હતી, છતાં અેને જેલમાં ગોંધાઇ રહેવું પડ્યું કારણ કે ભારત સરકારે પોતાના અા નાગરિકની અોળખાણ ચકાસવા સહિતની કાર્યવાહી પૂરી કરવામાં સક્રિય રસ ન લીધો. એ તો સારું થયું કે કરાંચીની જેલમાં અેની સાથે સજા ભોગવતો ભુજ તાલુકાના ઝુરા ગામનાે મામદ રફીક જત પોતાની 5 વર્ષની જેલની સજા ભોગવીને 2017માં વતન પાછો અાવ્યો અને ઇસ્માઇલ જેલમાં હોવાની જાણકારી અાપી. ત્યાર બાદ અેના નજીકના સગાં, માનવ અધિકાર માટે લડતી સંસ્થાના અેક્ટિવિસ્ટ અને કચ્છના સાંસદ સહિતના લોકોઅે પત્રવ્યવહાર તેમ જ રૂબરૂ મુલાકાત લીધા પછી કેન્દ્ર સરકાર સક્રિય બની. અાખરે ઇસ્લામાબાદ હાઇકોર્ટમાં કુલભૂષણ યાદવના કહેવાતા ‘જાસૂસી’ પ્રકરણની સુનવણી વખતે ભારતના પ્રતિનિધિઅે ઇસ્માઇલ સમાનો કિસ્સો પણ રજૂ કર્યો અને ઇસ્માઇલની સજા પૂરી થઇ ચૂકી હોવાથી તેને હાઇકોર્ટે મુક્ત કરવાનો અાદેશ અાપ્યો. સમગ્ર રીતે જોવા જઇઅે તો, મુદ્દો જાસૂસીના અારોપ સાથે ઝડપાયા પછી પાકિસ્તાની જેલોમાં બેરહેમ અત્યાચારનો ભોગ બનતાં લોકોને કાનૂની લડત કરવા માટે સીધું નહીં તો અાડકતરું પીઠબળ પૂરું પાડવામાંયે ભારતીય અેજન્સીઅો ઊણી ઉતરે છે તેનો છે. દોઢેક દાયકામાં કુલભૂષણ ઉપરાંત ગોપાલદાસ, સરબજીતસિંહ અને કાશ્મીરસિંહના કિસ્સા તો રાષ્ટ્રવ્યાપી ચર્ચાના અેરણ પર ચડી ચૂક્યા છે. સરબજીતને ફાંસીની સજા થયા પછી શંકાસ્પદ સંજોગોમાં પાકિસ્તાનની જેલમાં તેનું અવસાન થયું હતું, તો ગોપાલદાસ અને કાશ્મીરસિંહ દાયકાઅોની યાતના પછી અાઝાદ થઇને ભારત અાવ્યા. કચ્છને સંબંધ છે ત્યાં સુધી 5 થી 7 ‘લાપતા’ ઇસમોના કિસ્સા પ્રકાશમાં અાવ્યા હતા. અા પૈકી મોટા બાંધાના હાસમનું પાકિસ્તાની જેલમાં અવસાન થયું હતું, તો હનીફ હિંગોરજા, મામદ રફીક, યાતના વેઠ્યા પછી ઘરવાપસી કરી ચૂક્યા છે. 2004માં વાજપેયી સરકાર વખતે શુભેચ્છાના પગલારૂપે 36 કેદીઅોને પાકિસ્તાને મુક્ત કર્યા હતા તેમાં પણ કચ્છના બે જણ હતા. અામ છતાં હજુયે અેક-બે લાપતા હોવાનું મનાય છે. જોકે અહીં અે વાતની સ્પષ્ટતા જરૂરી છે કે કુલભૂષણ જાદવ કે ગોપાલ દાસની તુલનાઅે કચ્છના જે કોઇ પણ લોકોને ‘જાસૂસ’નું લેબલ લગાવાયું છે, તેઅો ખરા અર્થમાં તો ‘સોર્સ’ બાતમીદાર કક્ષાના હતા. તેમને જાસૂસ કહેવા કે કેમ અે સવાલ છે. જાસૂસી અેક ખતરનાક ખેલ છે. જગતના સાૈથી પ્રાચીન વ્યવસાયોની યાદીમાં જાસૂસી બીજા નંબરે છે. ચાણક્યે અઢી હજાર વર્ષ પહેલા જાસૂસી અંગે જે કાંઇ લખ્યું છે તેનું અાજે પણ મહત્ત્વ છે. ભારતની કોઇ પણ ખુફિયા અેજન્સીના મૂળભૂત સિદ્ધાંતોમાં પાયો ચાણક્યનો છે. હવે કચ્છની વાત કરીઅે તો પાકિસ્તાનને અડીને અાવેલો સરહદી વિસ્તાર હોવાથી અહીં જુદી જુદી ગુપ્તચર અેજન્સીઅો કાર્યરત છે. જેવી કે, રો, ઉપરાંત સીમા સુરક્ષા દળ અને લશ્કરની ગુપ્તચર પાંખ વિગેરે. અા અેજન્સીઅો રણને પેલે પાર સિંધ પ્રાંતની બાતમી ત્યાંથી મેળવવાના પ્રયાસો કરે છે. અા માટે છૂપી રીતે કે પાસપોર્ટ પર પોતાના માણસને પાકિસ્તાન મોકલે છે તે ‘સોર્સ’ તરીકે અોળખાય છે. અા કોઇ મોટા જાસૂસ હોતા નથી. તેમનું કામ પાકિસ્તાનમાંના ભારતીય અેજન્સીના અેજન્ટ તરીકે કામ કરનારા પાસેથી સંદેશા લઇ અાવવાનું હોય છે. કચ્છના સરહદી પચ્છમ ઉપરાંત પાવરપટ્ટી અને પૂર્વ કચ્છના કેટલાક લોકો સોર્સ તરીકે કામ કરે છે. અગાઉ મહદ્દંશે છૂપી રીટે ઊંટ પર સીમા પાર ‘સોર્સ’ જતાં, પણ હવે બોર્ડર ફેન્સિંગ થઇ ગઇ હોવાથી ભારતીય અેજન્સીના કર્મચારી ‘સોર્સ’ને સરહદ પાર કરાવે છે. પચ્છમના કેટલાક ઇસમો તો અા કામમાં પાવરધા છે. અા કામ જોખમી અેટલા માટે છે કે જો પાકિસ્તાનમાં પકડાઇ જાય તો જેલવાસ નક્કી હોય છે. ભવિષ્ય પણ અનિશ્ચિત બની જાય. અેટલે ‘સોર્સ’ માટે કેટલીક લાલચ પણ અપાય છે. અાવા સોર્સ નાનીમોટી દાણચોરી કરતા રહે છે. ક્યારેક મોટો હાથફેરોયે કરી લે છે. ’80ના દાયકામાં સીમા દળનાે અેક સોર્સ નામે સુમાર બોટલ 16 કિલો હેરોઇન સાથે ઝડપાયો હતો. ઉપરાંત સોનું કે રિવોલ્વર સાથેય સોર્સ પકડાઇ ચૂક્યા છે. અગાઉ સિંધના સુતરાઉ કાપડના ખભે મૂકવાના રૂમાલ ‘સોર્સ’ લઇ અાવતા હતા. કચ્છના જ કેટલાક ઇસમ ડબલ અેજન્ટ તરીકેય પકડાઇ ચૂક્યા છે. પંદરેક વર્ષ પહેલાં અેક ઇસમ અેવો પકડાયો હતો જેની પાસે બન્ને દેશના પાસપોર્ટ અને અોળખકાર્ડ હતા. પરિવારો પણ પણ બે. અેક પચ્છમમાં અને અેક સિંધમાં મૂળ વાત અા રીતે ભારતીય અેજન્સી માટે કામ કરતા ‘સોર્સ’ પાકિસ્તાનમાં પકડાઇ જાય તો શું? દેખીતી રીતે જ ભારત સીધેસીધું તો કહી જ ન શકે કે અા અમારો નાગરિક-જાસૂસ છે. પણ અાડકતરી રીતે ચોક્કસ ભાગ ભજવી શકે. ખાસ કરીને ઇસ્માઇલ સમાના કિસ્સામાં સજા પૂરી થયા પછીયે અેની ઘરવાપસીના પ્રશ્ને ચાર-ચાર વર્ષનો વિલંબ થયો તે તો કમ સે કમ નિવારી જ શકાયો હોત. અખબારી હેવાલ અનુસાર ભારત સરકારને છેક 7મી ફેબ્રુઅારી 2014ના રોજ ઇસ્માઇલ સમા પાકિસ્તાનમાં હોવાની જાણ કરવામાં અાવી હોવા છતાં તે ભારતીય નાગરિક હોવાની ચોક્સાઇ ન થઇ અને અેને જેલમાં સબડવું પડ્યું. જવાબદાર કોણ? અત્યારે ડિજિટલ યુગમાં અોળખાણની ખરાઇ કરવામાં બેદરકારી ચાલે? અા સંદર્ભે વધુ ચર્ચા ફરી ક્યારેક કરીશું. ⬛kirtikhatri@hotmail.com

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો