એન્કાઉન્ટર:લિફ્ટમાં અરીસાઓ કેમ રાખતા હશે?

અશોક દવેએક મહિનો પહેલા
  • કૉપી લિંક

⬛ અમેરિકામાં વસી જવા પાછળ આટલો ક્રેઝ કેમ? (નયન મણિયાર, મહુવા) - કારણ કે એ અમેરિકા છે, પાકિસ્તાનમાં વસી જવાનુ કોઇ બોલે છે? ⬛ કોલસો ગરમ હોય તો હાથ બળે ને ઠંડો હોય તો હાથ કાળા કરે. શું કહેશો? (ચેતન ત્રિવેદી, અમદાવાદ) - ઠંડા કોલસે રસોઇ ન થાય. એની પાસે કામ લેવા ગરમ કરવો પડે. ⬛ ત્રીજી લહેર આવી ગઇ? (પ્રજ્ઞેશ કામદાર, રાજકોટ) - જપો ને, છાનામાના! ⬛ માણસો દવાની જગ્યાએ સલાહ તેમ ઘોળીને પી જતા હશે? (ડો. પાર્થ ગોસ્વામી, રાજકોટ) - સલાહ દવા જેટલી મોંઘી નથી પડતી! ⬛ નેતાઓને અધધ પગાર કેમ? (દીક્ષિત રાવલ, અમદાવાદ) - એ નેતા છે માટે. ⬛ ઇઝરાઇલ હિબ્રુને રાષ્ટ્રભાષા તરીકે પુન:સ્થાપિત કરી શકતું હોય તો આપણે સંસ્કૃતને કેમ નહીં? (વિજય જાની, રાપર-કચ્છ) - હિંદી ય કેટલાને આવડે છે? ⬛ એકાઉન્ટન્ટને ચશ્માં કેમ પહેરવા પડે છે? (બી. કે. હેમાંશુ, મહુવા) - આંખો પણ નબળી હોય માટે! ⬛ તમને ‘પુષ્પા’ ફિલ્મ કેવી લાગી? (પ્રાંજલ ત્રિવેદી, અમરેલી) અને (આકાશ અડવાણી, ભાવનગર) - તમારો જવાબ પણ ન અપાય એટલી ફાલતૂ! ⬛ દારૂની બોટલો ઉપર આપણા સરકારી બાબુઓએ રોલર ફેરવી દીધું, એમાં એમના હાથમાં શું આવ્યું? (શિરીષ ઠાકર, વડોદરા) - બોલો, હજી ય જીવ બળે છે ને? ⬛ તમારો મનપસંદ વિષય કયો? (ધવલ યાદવ, અમદાવાદ) - યુ મીન… તમે મારા લેખો કદી વાંચતા નથી! ⬛ ‘પરિઝાદ’ બેસ્ટ છે, થેન્કસ! (જાગૃતિ શાસ્ત્રી, સુરેન્દ્રનગર) - યામી ગૌતમનું ‘એ થર્સ ડે’ પણ જુઓ. ⬛ આ ‘પુષ્પા’ જોઇને લોકો એની નકલ કરવા માંડ્યા છે. શું કહો છો? (રાજેશ ગાંધી, વસઇ-પાલઘર) - લોકોમાં તો બુદ્ધિ ન હોય… બસ! એટલું જ કહેવાનું! ⬛ હાલમાં સુપરમેન કોણ છે? (તીર્થ ચૌહાણ, ધોળાવીરા-કચ્છ) - કો’ક વળી તમારું નામ દેતું હતું! ⬛ ગાડીમાં વાઇફ સાથે બેઠી હોય છતાં પણ માસ્ક કેમ પહેરવો પડે? (હેમંત મહેતા, સુરત) - ચલાવી લો ને! પછી ક્યારેક વાઇફને બદલે… આઇ મીન, ત્યારે માસ્ક જ કામ આવશે! ⬛ માસ્ક પહેરીને વારંવાર શ્વાસ ઊંચો કરતા રહેવું પડે છે! (જીતેન્દ્ર કેલા, મોરબી) - હું તો સૂતા ય માસ્ક પહેરી રાખું છું… ક્યાંક ઘેર આવીને પોલીસ રૂ. 500/-ની ઠોકી ન દે! ⬛ લખપતિ, કરોડપતિ, અબજોપતિ… આમાં પત્નીનું સ્થાન ક્યાં? (પ્રવીણ મહેતા, કેશોદ) - બીજી સૂચના ન આવે ત્યાં સુધી પત્નીને ઘરમાં જ રાખો ને! ⬛ તમે રાજકોટ આવવાના હો તો મારે તમારા ચરણસ્પર્શ કરવા છે! (ધર્મેશ ખખ્ખર, રાજકોટ) - વાચકો લેખકોના ભગવાન હોય છે… એથી ઊલટું નહીં! ⬛ મિનિમમ શૈક્ષણિક લાયકાત સાથે મેક્સિમમ આવક એટલે રાજકારણ! (ડો. શૈલજા ઠક્કર, અમદાવાદ) - તો તો હવે હું ય રાજકારણમાં જ જઇશ! ⬛ ‘અગમ બુદ્ધિ વાણિયા, પચ્છમ બુદ્ધિ બ્રહ્મ,’ આમાં શું સમજવું? (પ્રફુલ્લ કોઠારી, જૂનાગઢ) - ભારતના અનેક વડાપ્રધાનો, ફિલ્મોના કે ક્રિકેટના સુપરસ્ટારો બ્રાહ્મણો હતા અને છે. આવા ચાર-પાંચ વાણિયાઓનાં નામ કહેજો. ⬛ આ દુનિયા તમે કહો છો, એટલી ખરાબ નથી. (શંકરભાઇ પંચાલ, લુદરા-દિયોદર) - વાઉ, તો હવે તમે કહો, કેટલી ખરાબ છે! ⬛ તમારા માથે પહેલાં વાળનો વૈભવ હતો કે પહેલેથી જ આવું છે? (કિરીટ અંજેસરી, વડોદરા) - આજકાલ 345 વાળ જ બચ્યા છે. રાખું કે કાઢી નાખું? ⬛ મારા નસીબ આડેથી પાંદડું ક્યારે હટશે? (કિશોર મહેતા, રાજકોટ) - અહીં તો નસીબ આડે આખાં ને આખાં ઝાડ પડ્યાં છે, તો ય હું કંઇ બોલ્યો? ⬛ રેડિયો પર ગમતાં ગીતો અધૂરાં જ કેમ મૂકે છે? (મેઘાવી મહેતા, સુરત) - કાયદો નડે છે. ⬛ ટ્રાફિક જામમાં ય સતત હોર્ન વગાડનારા માટે કોઇ સંદેશ? (હર્ષ હાથી, ગોંડલ) - વ્યવસ્થા એવી હોવી જોઇએ કે, એ ટ્રાફિકમાં ‘ભોં-ભોં-ભોં’ કરતો હોય, એ હોર્ન એના ઘરમાં સંભાળવું જોઇએ!

⬛ લતાજી તો ગયાં… હવે શું સૂર ને શું સંગીત? (યોગેશ કાછિયા, વડોદરા) - ઓહ… ઘરમાં કોઇ ગાતું નથી? ⬛ સાહેબ, આપનું નામ ‘અશોક’ જ કેમ પડ્યું? (રાજેન્દ્ર ચૌહાણ, સિક્કા-જામનગર) - ખબર નહીં, પણ ‘સાહેબ’ પડાય એવું નહોતું! ⬛ શું માધુરી દીક્ષિત કરતાં ય તમને ડિમ્પલ કાપડિયા વધારે ગમે છે? (મહેશ ઠક્કર, અમદાવાદ) - તમે ‘ડિમ્પલબહેન’ લખો ભાઇ! ⬛ તમારી કોલમો વાંચીને તમને મળવાનું બહુ મન થાય છે! (કમલેશ કામદાર, જૂનાગઢ) - જે શી ક્રસ્ણ. ⬛ જીવનમાં પુસ્તકનું મહત્ત્વ શું? ( અમરીશ મહેતા, અમદાવાદ) - પુસ્તકો જગતભરના વિષયો પર મળે છે… ને તો ય ‘પાસ-બુક’ને પુસ્તક ગણવામાં આવતું નથી. ⬛ ક્રિકેટ અને ‘બુધવારની બપોરે’ની ‘સિક્સર’ વચ્ચે શું તફાવત? (નીતિન પઢિયાર, નડિયાદ) - ક્રિકેટની ‘સિક્સર’ કોઇના માથે પડતી નથી…! આ તો બધાંના….! ⬛ દેશમાં વસ્તી નિયંત્રણનો કાયદો લાવવો જોઇએ? (મહેન્દ્ર મોદી, અમદાવાદ) - દુનિયા આપણાથી ઊંધી ચાલે છે. ચીન-પાકિસ્તાનમાં વસ્તી વધારવાના રોકડા મળે છે. ⬛ માણસ પકડવાના પાંજરા ક્યાં મળશે? (મહાસુખ દરજી, અમદાવાદ) - ઘર માટે જોઇએ છે કે બહાર માટે?

અન્ય સમાચારો પણ છે...