તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સંસ્મરણ:અવ્વલ અભિનેતા દિલીપકુમાર ‘ટ્રેજેડી કિંગ’ કેમ કહેવાયા?

વિમલ જોશી23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દિગ્ગજ અભિનેતા દિલીપકુમાર હવે સ્મૃતિશેષ બની ગયા. તેમની આત્મકથા ‘ધ સબસ્ટન્સ એન્ડ ધ શેડો’ના અમુક અંશ

11ડિસેમ્બર, 1922ના રોજ પેશાવરમાં જન્મેલા દિલીપકુમારનું મૂળ નામ યુસુફ ખાન હતું. એમને ‘દિલીપકુમાર’ નામ પ્રખ્યાત અભિનેત્રી દેવિકારાણીએ આપેલું. જે દિલીપસાહેબની પ્રથમ ફિલ્મ ‘જ્વારભાટા’ના ડેબ્યૂ પહેલાં તેમને દેવિકારાણીએ સૂચવ્યું હતું. આ અંગે દિલીપકુમારે પોતાની આત્મકથા ‘ધ સબસ્ટન્સ એન્ડ ધ શેડો’માં ઉલ્લેખ કર્યો છે, કારણ કે પોતાનું નામ મહંમદ યુસુફ ખાનને બદલે દિલીપકુમાર રાખવા અંગે તેઓ પોતે અવઢવમાં હતા, જોકે એકાદ દિવસ વિચાર કર્યા પછી તેમને દેવિકારાણીની વાત યોગ્ય લાગી અને મહંમદ યુસુફ ખાન બની ગયા દિલીપકુમાર. અનેક અભિનેતાઓના આદર્શ રહી ચૂકેલા દિલીપકુમાર મેથડ એક્ટર તરીકે જાણીતા હતા, પણ એક સમયે તેમને પોતાને ખ્યાલ નહોતો કે ‘મેથડ એક્ટર’ કોને કહેવાય? તેમણે પોતાની આત્મકથામાં જણાવ્યું છે કે, ‘એ વાત સાચી છે કે હું અભિનય કરતી વખતે ચોક્કસ મેથડનો ઉપયોગ કરતો, જેનો મારી કરિયરમાં મને સારો એવો લાભ મળ્યો. હું સ્ક્રિપ્ટ અને મારા પાત્રનો ઊંડાણથી અભ્યાસ કરતાં શીખ્યો અને મારા નિરીક્ષણ તથા આત્મસૂઝથી અભિનય કરતો. તે ઉપરાંત, મારા સાથી કલાકારો જે મારી ફિલ્મનાં પાત્રો તેમ જ આસપાસના લોકોનાં વર્તનનો પણ અભ્યાસ કરતો.’ આત્મકથામાં દિલીપકુમાર ધીરે ધીરે ખૂલે છે. પોતાના જીવનના પૂર્વાર્ધ અંગે તેમણે અનેક રમૂજી વાતો પણ લખી છે. નાનકડા યુસુફની વાત યાદ કરતાં તેમણે લખ્યું છે, ‘મારાં દાદીમા કોઇ કારણસર મોટી ચાદર જેવડી શાલ ઓઢી રાખતા. જ્યારે હું કંઇ તોફાન કરું ત્યારે આગાજી (તેમના પિતા) અથવા અમ્મા (તેમનાં માતા)ના ગુસ્સાથી બચવા હું દાદીમાની એ મોટી શાલમાં સંતાઇ જતો.’ 91 વર્ષની વયે પણ દિલીપકુમાર આ વાત એવી રીતે જણાવે છે, જાણે હજી ગઇ કાલની વાત હોય! આત્મકથાનાં કેટલાંક પ્રકરણોમાં તેમણે પોતાનાં પાત્રોની અને તેની વિગતોની વાત પણ લખી છે. ભલે તેમાં કોઇને રસ પડે કે ન પડે, પણ એ વાંચતાં એટલો ખ્યાલ અવશ્ય આવે કે તેઓ પોતાના કામ પ્રત્યે કેટલા ગંભીર હતા અને તેમને મન કામ કેટલું મહત્ત્વનું હતું. કેટલીક વાર તેઓ પોતાના પાત્રમાં એટલા ઊંડા ઊતરી જતા કે તેની અસર તેમના દિલ-ઓ-દિમાગ પર થઇ જતી. તેમણે કારકિર્દીની શરૂઆતમાં કેટલીક ટ્રેજિક ભૂમિકાઓ અદા કરી હતી અને તેથી જ તો તેમને ‘ટ્રેજેડી કિંગ’ કહેવાતા. ફિલ્મ ‘દેવદાસ’ના પાત્રની તેમના મન પર એટલી ગંભીર અસર થઇ હતી કે તેઓ ડિપ્રેશનમાં સરી પડ્યા હતા. એક બ્રિટિશ સાઇક્યિાટ્રિસ્ટે તેમને જણાવ્યું હતું કે તેઓ પોતાના પાત્રને એટલી હદે મન પર ન લે કે તેમના અચેતન માનસ પર તેની અસર પડે. એ પછી તેમણે પોતાનાં પાત્રોનો ટ્રેક બદલ્યો. પોતાના પાત્રને જીવંત બનાવવા તેઓ ખૂબ મહેનત કરતા. ‘ગંગા જમુના’ ફિલ્મના ક્લાઇમેક્સમાં હીરો ‘ગંગા’ મૃત્યુ પામે છે, ત્યારે એને થાકેલો-હારેલો બતાવવા માટે તેમણે સ્ટુડિયોના કમ્પાઉન્ડમાં અનેક વાર દોડીને ચક્કર માર્યા હતા, જેથી થાક-હારના ભાવ પોતાના ચહેરા પર સ્પષ્ટ જણાય. દિલીપકુમારે પોતાના જીવનમાં આવેલી સ્ત્રીઓ વિશે પણ આત્મકથામાં ઉલ્લેખ કર્યો છે. કામિની કૌશલ અંગે તેમણે જણાવ્યું છે કે, ‘તેઓ અત્યંત બુદ્ધિશાળી હોવા સાથે લાગણીશીલ પણ છે.’ આમાં સ્વાભાવિક રીતે તેમની સાથે જેનું નામ ખૂબ ચગ્યું હતું અને જેઓ ખરેખર પ્રેમમાં હતાં, એ અભિનેત્રી મધુબાલાનો ઉલ્લેખ ન હોય એવું તો બને જ નહીં. દિલીપકુમારે મધુબાલા અંગે લખ્યું છે, ‘હું મધુબાલાને પ્રેમ કરતો હતો, તેનાં બે કારણો હતો. એક સહઅભિનેત્રી તરીકે તો એ મારી પ્રિય હતી જ, તે સાથે એનામાં એ તમામ લાક્ષણિકતાઓ હતી જે હું એક સ્ત્રીમાં જોવા ઇચ્છતો…’ એવી જ રીતે અસ્મા સાથે નિકાહ કર્યાંની વાત પણ તેમણે સ્વીકારી છે કે, ‘મારી એ એક ભૂલ થઇ ગઇ.’ જોકે પત્ની સાયરાબાનો અંગે તેમણે જણાવ્યું છે, ‘સાયરાબાનો અત્યંત સમજદાર સ્ત્રી છે. અમારી પ્રણયકથા મદ્રાસ (આજના ચેન્નઇ)માં શરૂ થઇ હતી અને લગ્નમાં પરિણમી.’ પોતાનાં લગ્નજીવન અંગે તેઓ કહે છે, ‘અમારાં સફળ લગ્નજીવન અંગે એક જ વાક્યમાં કહું તો, સાયરા હું જે કહું તે માન્ય રાખતાં…’ આત્મકથાના બીજા ભાગ ‘રેમિનિસીન્સ’માં એમણે પોતાના સહકલાકારો, ગાયકો, ડિરેક્ટર્સ, મિત્રો, પરિવાર વગેરે વિશે વિસ્તૃત રૂપે જણાવ્યું છે. દિલીપકુમાર આત્મકથાના બંને ભાગ અને તેમની ફિલ્મો દ્વારા તેઓ સદાય માટે આપણા જીવનનો અભિન્ન હિસ્સો બન્યા હતા, છે અને રહેશે. અલવિદા, યુસુફસા’બ! ⬛

અન્ય સમાચારો પણ છે...